બંધારણવાદ : બંધારણની સર્વોપરિતા સૂચવતો સિદ્ધાંત અથવા વિચારધારા. કોઈ પણ દેશની શાસનવ્યવસ્થા, ચોક્કસ ધ્યેયો અથવા આદર્શોને વ્યવહારમાં ચરિતાર્થ કરવા, જે લિખિત અને અમુક અંશે અલિખિત નિયમો અથવા સિદ્ધાંતોને આધારે સંગઠિત અને સંચાલિત થતી હોય એને સામાન્ય રીતે દેશનું બંધારણ અથવા રાજ્ય-બંધારણ કહેવામાં આવે છે. બંધારણને દેશના સર્વોપરી અથવા મૂળભૂત (fundamental) કાનૂન તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે દેશના તમામ વ્યવહારો બંધારણમાં સમાવિષ્ટ ધ્યેયો અને સિદ્ધાંતો સાથે સુસંગત હોવા જોઈએ.

બંધારણવાદ એ બંધારણની સર્વોપરિતા સૂચવતો એક સિદ્ધાંત અથવા વિચારધારા છે. એનો અર્થ એ કે દેશની શાસનવ્યવસ્થા બંધારણમાં સમાવિષ્ટ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતો અનુસાર જ ચાલવી જોઈએ, કોઈ વ્યક્તિ કે સમૂહની મુનસફી અનુસાર નહિ. એનો બીજો અર્થ એ કે એ નિયમો કે સિદ્ધાંતો રાજકીય સત્તાના ધારકો પર મર્યાદા મૂકે, એમને નિરંકુશ કે મનસ્વી બનતા અટકાવે. એનો ત્રીજો અર્થ એ થાય કે જે સામાજિક-રાજકીય મૂલ્યો, ધ્યેયો, આદર્શો સમાજે સ્વીકાર્યાં છે, એનાં રક્ષણ અને સંગોપન થાય એ રીતે રાજકીય સત્તાનો ઉપયોગ થવો ઘટે. આ મૂલ્યો અને ધ્યેયોને ચરિતાર્થ કરવા માટે જ સમાજે રાજ્યવ્યવસ્થાનું નિર્માણ કર્યું છે. આ મૂલ્યો અને  ધ્યેયો સમાજ પર શાસન કરવાનું ઔચિત્ય પૂરું પાડે છે. માટે એનો ભંગ કે અનાદર શાસનવ્યવસ્થા ન કરે એ બંધારણવાદમાં અભિપ્રેત છે. ટૂંકમાં, જે તે સમાજની મૂળભૂત માન્યતાઓ, તેને અભીષ્ટ મૂલ્યો કે ધ્યેયો, જેમને ચરિતાર્થ કરવા મનુષ્યો સમાજમાં સંગઠિત થાય છે, એમની સિદ્ધિ માટે જ રાજકીય સત્તાનો ઉપયોગ થવો ઘટે, એને બંધારણવાદ કહી શકાય.

રાજ્યની સત્તાનો વ્યવહારમાં ઉપયોગ સરકાર દ્વારા થાય છે. સરકારનાં ત્રણ અંગો – ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર વચ્ચે ‘સત્તાનો વિશ્લેષ’ થાય એને કેટલાક રાજ્યશાસ્ત્રીઓ બંધારણવાદનો આધારસ્તંભ માને છે. સત્તાના વિશ્લેષથી રાજકીય સત્તાનું કેન્દ્રીકરણ થતું નથી અને એથી રાજકીય સત્તા નિયંત્રિત બને છે. સત્તાનો વિશ્લેષ સત્તાધારકોને નિરંકુશ થતાં રોકે છે, પણ એટલું પૂરતું નથી. બંધારણમાં નાગરિકોના હક્કો અને સ્વાતંત્ર્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય છે, ઉપરાંત કેટલાંક મૂલ્યો અને ધ્યેયોને પણ બંધારણમાં સ્થાન આપવામાં આવ્યું હોય છે. એમનાં રક્ષણ, સંગોપન અને અમલ થાય એ પણ એટલું જ જરૂરી છે. એટલે સત્તાના વિશ્લેષથી કંઈક વિશેષ બંધારણવાદમાં અભિપ્રેત છે.

બંધારણ અને બંધારણીય સરકાર વચ્ચેનો ભેદ પણ સમજવા જેવો છે. જ્યાં જ્યાં બંધારણ હોય ત્યાં ત્યાં બંધારણીય સરકાર હોય જ એવું નથી. બંધારણ તો મોટા ભાગની રાજ્યવ્યવસ્થામાં હોવાનું, એથી ત્યાં બંધારણીય સરકાર છે એમ કહી શકાય નહિ. બંધારણીય સરકાર એ એવી શાસનવ્યવસ્થા છે, જે બંધારણીય જોગવાઈઓ અનુસાર સંગઠિત થઈ હોય, એ અનુસાર ચાલતી હોય, એનાથી એ નિયંત્રિત થતી હોય. આવી શાસનવ્યવસ્થા કોઈ વ્યક્તિવિશેષની ઇચ્છા કે તરંગો અનુસાર નહિ, પણ દેશના સર્વોપરી કાનૂન અનુસાર ચાલતી હોય. હિટલરના જર્મનીમાં કે સ્ટાલિનના સોવિયેત સંઘમાં બંધારણો તો  હતાં, પણ એમની સરકારો બંધારણીય સરકારો હતી એમ કહી શકાય નહિ. આમ બંધારણવાદ માટે બંધારણીય સરકારનું હોવું અનિવાર્ય છે.

બંધારણ અને બંધારણવાદ વચ્ચે તેમના સ્વરૂપની ર્દષ્ટિએ પણ તફાવત છે. બંધારણવાદ આગળ જોયું તેમ જે તે સમાજના ઉદ્દેશો, ધ્યેયો અથવા આદર્શોને વાચા આપે છે. એ સાધ્યપ્રધાન છે; જ્યારે બંધારણ એ સિદ્ધ કરવાનાં સાધનો(સંસ્થાઓ, તંત્રો, પ્રક્રિયાઓ)ની એક વ્યવસ્થા અથવા ઢાંચો છે, મતલબ કે એ સાધનપ્રધાન છે.

બંને વચ્ચે એક બીજો પણ તફાવત છે. જુદા જુદા દેશોનાં બંધારણો જુદાં જુદાં હોઈ શકે (એમ હોય છે પણ ખરું), પણ જુદા જુદા દેશોનો ‘બંધારણવાદ’ એકસરખો હોઈ શકે. જેમને ઍન્ગ્લો-અમેરિકી દેશો કહેવાય છે, એમનાં બંધારણો અલગ અલગ છે, પણ એ દેશોનો ‘બંધારણવાદ’ લગભગ એકસરખો છે. સામ્યવાદી દેશોનાં બંધારણ અલગ અલગ છે, પણ એમના બંધારણવાદમાં ખાસ્સું એવું સરખાપણું જોવા મળે છે.

કેટલાક બંધારણવિદોના મતે બંધારણવાદની હયાતી અથવા ઉપસ્થિતિ લોકતાંત્રિક વ્યવસ્થાઓમાં જ શક્ય છે. આ વ્યવસ્થાઓમાં મુખ્યત્વે 4 બાબતોમાં ઠીક ઠીક પ્રમાણમાં મતૈક્ય અથવા વ્યાપક સર્વસંમતિ પ્રવર્તતી હોય છે. આ સર્વસંમતિ બંધારણવાદનો આધાર છે. જે તે સમાજમાં આ સર્વસંમતિ જેટલી વ્યાપક એટલા પ્રમાણમાં સરકારને રાજ્યની દંડશક્તિ અથવા બળનો પ્રયોગ ઓછો કરવો પડે છે.

પ્રથમ તો, રાજકીય સંસ્થાઓ અને રાજકીય પ્રક્રિયાઓ પરત્વે ઠીક ઠીક પ્રમાણમાં સર્વસંમતિ હોવી જોઈએ. રાજકીય સત્તાના ઔચિત્યપૂર્ણ ઉપયોગની બાબતમાં સમાજમાં વ્યાપક સર્વસંમતિ પ્રવર્તતી હોય એ બંધારણવાદ માટે જરૂરી છે.

બીજું, સમાજના ઉદ્દેશો અને ધ્યેયોની બાબતમાં પણ વ્યાપક સર્વસંમતિ સમાજમાં હોવી જોઈએ. રાજકીય સંસ્થાઓ, રાજકીય પ્રક્રિયાઓ વગેરે આખરે તો આ ધ્યેયો કે ઉદ્દેશો સિદ્ધ કરવાનાં સાધનો છે. આથી ધ્યેયોની બાબતે વ્યાપક સર્વસંમતિ બંધારણવાદ માટે અત્યંત જરૂરી છે.

ત્રીજું, રાજ્યશાસનના આધાર તરીકે ‘કાયદાના શાસન’ વિશે પણ સમાજમાં વ્યાપક સર્વસંમતિ પ્રવર્તતી હોવી જોઈએ. ‘કાયદા સમક્ષ સૌ સમાન’ અને ‘કાયદાનું સૌને સમાન રક્ષણ’ એ કાયદાના શાસનનો અર્થ છે, તો દેશનું શાસન કાયદાને આધારે ચાલવું જોઈએ; વ્યક્તિની મનસ્વિતા કે તરંગીપણાને આધારે નહિ, એ પણ એનો અર્થ છે. આ વિશેની સર્વસંમતિ બંધારણવાદ માટે જરૂરી છે.

ચોથું, ગૌણ ઉદ્દેશો અને નીતિવિષયક પ્રશ્નો વિશે પણ વધતે-ઓછે અંશે સહમતી પ્રવર્તતી હોવી જોઈએ. જોકે આ પ્રકારની સહમતીને બંધારણવાદ માટે જરૂરી ગણવી કે કેમ એ વિશે મતભેદ છે, છતાં જો આવી સહમતી પ્રવર્તતી હોય તો તે બંધારણવાદ માટે સહાયરૂપ થાય છે.

આ ચારેય બાબતોમાં સર્વસંમતિ બંધારણવાદ માટે જરૂરી અને ઉપયોગી ગણવામાં આવે છે. આ ચારેય બાબતોમાં વ્યાપક સર્વસંમતિનાં સર્જન, સાતત્ય અને બદલાતા જતા સમયના સંદર્ભમાં પરિવર્તન બંધારણવાદ માટે ઉપકારક માનવામાં આવે છે.

દિનેશ શુક્લ