બંધારણીય કાયદો : શાસનતંત્રનો ઢાંચો, તેની રચના, તેના સંબંધો અને સત્તાઓ તથા તેના અમલ અંગેના નિયમોનો સમુચ્ચય. બંધારણ એ એક એવું વૈધાનિક માળખું (mechanism) છે, જેની મદદથી કાયદાઓ બનાવવામાં આવે છે.

બંધારણીય કાયદો એ કાનૂની નિયમોનો એક એવો સમુચ્ચય છે, જે અમુક નિશ્ચિત રાજકીય બિરાદરીની સરકારનો કાનૂની ઢાંચો, તેનું રચનાવિધાન, તેના સંબંધો, સત્તાઓ અને એનો અમલ નક્કી કરે છે.

બંધારણીય કાયદો લિખિત હોય અથવા તો અલિખિત હોય; દા.ત., ઇંગ્લૅન્ડનું રાજ્યબંધારણ અલિખિત છે, જ્યારે ભારતનું બંધારણ લિખિત છે. ઘણા દેશોમાં લિખિત બંધારણથી બંધારણીય કાયદાનું કાર્યક્ષેત્ર સ્પષ્ટ કરવામાં આવે છે. તે એક દસ્તાવેજના સ્વરૂપમાં પણ હોઈ શકે; દા.ત., ભારતનું બંધારણ. આવા દેશોમાં બંધારણીય કાયદાનો આ પાયાના દસ્તાવેજમાં આમેજ કરેલી અને દર્શાવેલી નિયમાવલી સાથે, તેના અર્થઘટન અને અમલ સાથે સંબંધ હોય છે. ટૂંકમાં, બંધારણીય કાયદાને રાજ્યની સાર્વભૌમ સત્તાનો રાજ્યમાં અમલ કરવા માટેના મુખ્ય સિદ્ધાંતોની રચના સાથે નિસબત હોય છે. ભારતની સર્વોચ્ચ અદાલતે જણાવ્યા પ્રમાણે, બંધારણીય કાયદામાં શું આવે અથવા શું ન આવે અને શું આવવું જોઈએ અથવા શું ન આવવું જોઈએ – એ બે વચ્ચે તફાવત કે ફેર દર્શાવતું કશું જ હોઈ શકે નહિ. એ સ્પષ્ટ છે કે વ્યવહારમાં લિખિત બંધારણમાં જે આમેજ કરાયું હોય છે તે, તે ઘડનારાઓ જે તે સમય પૂરતા બંધાયેલા અભિપ્રાયો પર આધાર રાખે છે; અર્થાત્ શું આધારભૂત (basic) ગણાવું જોઈએ અથવા શું મૂળભૂત (fundamental) ગણાવું જોઈએ એ વિશેનાં તેમનાં વલણો અને વિચારો તે પ્રદર્શિત કરે છે. એક મત પ્રમાણે તેમાં જે તે દેશની સરકારની રચના વિશેની માત્ર શક્ય રૂપરેખા જ આવવી જોઈએ.

આથી ઊલટું, ઇંગ્લૅન્ડમાં એવો કોઈ દસ્તાવેજ નથી કે જેને બંધારણ કહી શકાય. ત્યાં બંધારણીય કાયદાના સિદ્ધાંતો અને નિયમો અલગ અલગ સમયે બનાવાયેલા વિવિધ કાયદાઓમાંથી અને અદાલતોના વિવિધ ચુકાદાઓમાંથી મેળવાય છે. આ ઉપરાંત પ્રવર્તમાન આચાર (custom), રીતરિવાજ (usages) અને બંધારણીય શિરસ્તાઓ અથવા પ્રણાલિકાઓ(conventions)માં પણ આ સિદ્ધાંતો અને નિયમો અનુસ્યૂત હોય છે, તેમાંથી તે તારવી લેવાય છે. ઇંગ્લૅન્ડના અલિખિત બંધારણનો કોઈ પણ ભાગ નાગરિકોના મુલકી સ્વાતંત્ર્ય(civil liberties)ને – ભારતના બંધારણની જેમ – જાહેર કરતો નથી, પરંતુ ઉપસ્થિત તકરારોના સંદર્ભમાં જે કોઈ પ્રશ્નો અદાલતના નિર્ણયાર્થે રજૂ થાય અને તેનો જે કોઈ ચુકાદો આવે તેમાંથી તે મેળવી શકાય છે; અને આ બાબતનો ત્યાં સ્વીકાર થાય છે. અલિખિત બંધારણના કિસ્સામાં રાજ્યની રચના, તેના તાબાની સંસ્થાઓનું સંચાલન અને તેને લગતા વિસ્તૃત નિયમો, સ્થાનિક સરકારની સત્તા હેઠળ તથા વહીવટી કાયદા (administrative law) હેઠળ આવે છે.

ભાનુપ્રસાદ મ. ગાંધી