બંગભંગ આંદોલન : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસની મહત્વની ઘટના. ભારતીય રાષ્ટ્રવાદની ભાવનાને ઊગતી ડામવા અને બંગાળીઓની એકતા ખંડિત કરવાના આશયથી તે સમયના વાઇસરૉય લૉર્ડ કર્ઝને વહીવટી સુગમતાના બહાના હેઠળ બંગાળ પ્રાન્તનું વિભાજન કર્યું. તેના વિરોધમાં આ આંદોલન શરૂ થયું, જે સ્વદેશી આંદોલન તરીકે પણ જાણીતું છે.

હિંદમાં અંગ્રેજોની રાજકીય સત્તાનો પ્રારંભ બંગાળમાંથી થયો હતો, પરિણામે આ પ્રાન્ત અન્ય વિસ્તારોની સરખામણીમાં અંગ્રેજો તથા પશ્ચિમી સંસ્કૃતિના સંપર્કમાં વહેલો આવ્યો હતો. આથી બંગાળી પ્રજામાં સામાજિક, સાંસ્કૃતિક તથા રાજકીય જાગૃતિની પ્રક્રિયાનો પ્રારંભ વહેલો થયો હતો. ઓગણીસમી સદીની સામાજિક-ધાર્મિક જાગૃતિની પ્રવૃત્તિઓ, રાજકીય સંગઠનો, કૉંગ્રેસની કામગીરી વગેરે ક્ષેત્રે બંગાળીઓએ આગળપડતો ભાગ ભજવ્યો હતો. બ્રિટિશ સરકારની અન્યાયી તથા શોષણખોર નીતિને કારણે બંગાળના શિક્ષિત વર્ગોમાં વ્યાપક અસંતોષ ફેલાયો હતો. વાઇસરૉય લૉર્ડ કર્ઝનના આપખુદ શાસન(1899–1905)ને કારણે દેશભરમાં ઉગ્ર આંદોલનનાં એંધાણ જણાતાં હતાં. તેમાં બંગાળ પ્રાન્ત અગ્રેસર બને તેમ હતો. આ સંજોગોમાં ઉપર્યુક્ત આશયથી લૉર્ડ કર્ઝને 1903માં બંગાળના એવી રીતે બે ભાગ પાડવાની યોજના તૈયાર કરી કે જેથી બંને ભાગમાં શિક્ષિત અને રાજકીય રીતે જાગ્રત હિન્દુ બંગાળીઓ લઘુમતીમાં આવી જાય. 17મી જુલાઈ 1905ના રોજ આ વિભાજનની જાહેરાત કરવામાં આવી. તેના વિરોધમાં બંગાળ તથા સમગ્ર રાષ્ટ્રમાં બંગભંગ આંદોલન(1903–1908)નો જન્મ થયો.

મુખ્ય ઘટનાઓ : 1903માં જ્યારથી વિભાજનની યોજના પ્રજાની જાણમાં આવી ત્યારથી જ તેનો વિરોધ પ્રજામાં શરૂ થયો. બે માસના ટૂંકા ગાળામાં 500 જેટલી વિરોધસભાઓ અને 50,000 જેટલી પત્રિકાઓ વહેંચવામાં આવી. ‘બંગાલી’, ‘હિતવાદી’, ‘સંજીવની’ જેવી પત્રિકાઓમાં ભાગલાના વિરોધમાં ઉગ્ર લેખોની હારમાળા શરૂ થઈ. સુરેન્દ્રનાથ બૅનરજી, કૃષ્ણકુમાર મિત્ર, પૃથ્વીશચંદ્ર રાય જેવા નેતાઓએ જાહેર ભાષણો અને લેખો દ્વારા સરકારી નીતિની ભારે ટીકા કરી. સરકારને સેંકડોની સંખ્યામાં વિનંતીપત્રો તથા પ્રતિનિધિમંડળો મોકલવામાં આવ્યાં. કલકત્તામાં પ્રચંડ વિરોધસભાઓનું આયોજન થયું. અત્યાર સુધી સરકારને વફાદાર રહેલા જમીનદારોએ પણ આંદોલનને સાથ આપ્યો. આમ છતાં સરકારે અડગ રહીને જુલાઈ 1905માં ભાગલા અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડતાં તેની સામે ઉગ્ર લડત શરૂ થઈ. હવે લડતનો દોર વિનીતવાદીઓને બદલે બિપિનચંદ્ર પાલ અને અરવિંદ ઘોષ જેવા ઉગ્રવાદી નેતાઓના હાથમાં ચાલ્યો ગયો. બહિષ્કાર, સ્વદેશી, હડતાલ જેવા ઉગ્ર માર્ગો અપનાવી સરકારની નીતિનો વિરોધ કરવામાં આવ્યો. સુરેન્દ્રનાથ બૅનરજી જેવા વિનીતવાદી સહિત આનંદમોહન બોઝ, બૅરિસ્ટર અબ્દુલ રસૂલ અને લિયાકત હુસેન જેવા શિક્ષિત હિન્દુ-મુસ્લિમ આગેવાનોએ લોકલડતની આગેવાની લીધી. દીનાજપુર, પબના, ફરીદપુર, જેસોર, ઢાકા, બીરભૂમ, બારીસાલ વગેરે સ્થળોએ યુવાનો-વિદ્યાર્થીઓ તથા આમજનતાએ સ્વયંભૂ રીતે લડતના કાર્યક્રમો જાહેર કર્યા. ભાગલાનો જે દિવસે અમલ થવાનો હતો તે 16મી ઑક્ટોબર 1905ના દિવસે જાહેર શોક મનાવવામાં આવ્યો. તે દિવસે લોકોએ ઉપવાસ રાખી વ્યાપક હડતાલ પાડી. એકતાના પ્રતીક તરીકે પરસ્પર રક્ષાબંધન કરવામાં આવ્યું. વિદેશી કાપડ, રંગ, રસાયણો, દીવાસળી વગેરે ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવ્યો. ધોબી, વાળંદ, પૂજારી, સ્ત્રીઓ વગેરેએ રોજિંદા વપરાશમાં વિદેશી બનાવટની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાની પ્રતિજ્ઞા લીધી. સરકારી શાળાઓનો ત્યાગ કરી રાષ્ટ્રીય શાળાઓ શરૂ કરવામાં આવી. ગ્રામવિસ્તારોમાં પણ સ્વૈચ્છિક સંગઠનો દ્વારા વિદેશી માલનો બહિષ્કાર અને સ્વદેશી તથા રાષ્ટ્રીય શિક્ષણનો પ્રચાર કરવામાં આવ્યો. પશ્ચિમી સંસ્કૃતિ તથા રહેણીકરણીનો ત્યાગ કરી ભારતીય સંસ્કાર તથા પરંપરાઓને અપનાવવા માટે પ્રજાને પ્રોત્સાહિત કરવામાં આવી. શિક્ષણ, ઉદ્યોગ, કારીગરી, સાહિત્ય, કલા તથા વિજ્ઞાનને ક્ષેત્રે સ્વદેશીનો મહિમા વધ્યો. બંગાળ રાષ્ટ્રીય કૉલેજની સ્થાપના કરવામાં આવી. શિક્ષણ, કલા, સાહિત્ય તથા વિજ્ઞાનને ક્ષેત્રે સ્વદેશી અભિગમને પ્રોત્સાહન આપવા માટે 1906માં ‘રાષ્ટ્રીય શિક્ષણ સમિતિ’ની રચના કરવામાં આવી. સાહિત્યને ક્ષેત્રે રવીન્દ્રનાથ ટાગોર, રજનીકાન્ત સેન, સૈયદ અબુ મોહમ્મદ, કલાને ક્ષેત્રે અવનીન્દ્રનાથ ટાગોર અને નંદલાલ બોઝ તેમજ વિજ્ઞાનને ક્ષેત્રે જગદીશચંદ્ર બોઝ તથા પ્રફુલ્લચંદ્ર રૉય જેવા વિદ્વાનોએ ભારતીયતાનું ગૌરવ વધારવા પ્રયાસો કર્યા. કેટલાક સ્વદેશી ઉદ્યોગોનો પણ પ્રારંભ થયો. સામાજિક વ્યાપની ર્દષ્ટિએ જમીનદારો, શહેરી મધ્યમવર્ગીય શિક્ષિત હિન્દુ-મુસ્લિમો, ગ્રામીણ સ્તરે કેટલાક શિક્ષિત મોટા ખેડૂતો આ આંદોલનમાં સક્રિય હતા. એકંદરે ગ્રામીણ સ્તરના નાના ખેડૂતો, ખેતમજૂરો તથા મુસ્લિમોમાં આ આંદોલનનો ખાસ પ્રભાવ ન હતો. કેટલેક સ્થળે સરકારની ઉશ્કેરણીથી તથા કોમવાદી તત્વોના હાથા બની મુસ્લિમોએ આ આંદોલનનો વિરોધ પણ કર્યો હતો. બંગાળ બહાર મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ, દિલ્હી, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ વગેરે વિસ્તારોમાં પણ સ્થાનિક નેતાઓએ આ લડત ઉપાડી લીધી હતી. કૉંગ્રેસના બનારસ (1905) અને કલકત્તા (1906) અધિવેશનમાં આ લડતને સમર્થન આપતા ઠરાવો પસાર કરવામાં આવ્યા. સરકારે લડતને કચડી નાખવા માટે સભા-સરઘસબંધી, પ્રચારબંધી, ધરપકડો, અદાલતી ખટલાઓ, વ્યક્તિગત તથા સામૂહિક દંડ જેવાં પગલાં ભર્યાં. બંગાળમાં સુરેન્દ્રનાથ બૅનરજી પર અદાલતમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો. અશ્નિનીકુમાર દત્ત અને કૃષ્ણકુમાર મિત્રને દેશનિકાલ કરવામાં આવ્યા. મહારાષ્ટ્રમાં લોકમાન્ય ટિળકને છ વર્ષની કેદની સજા કરવામાં આવી. પંજાબમાં અજિતસિંહ અને લાલા લજપતરાયને દેશનિકાલ તથા ચેન્નઈમાં ચિદંબરમ્ પિલ્લાઈ અને આંધ્રમાં હરિસર્વોત્તમ દાસને કેદ કરવામાં આવ્યા. આ કારણે આંદોલનને સબળ નેતૃત્વની ખોટ પડી. રાષ્ટ્રીય સ્તરે યોગ્ય સંકલન તથા સંગઠન ઊભું કરી શકાયું નહિ. વળી સરકારે ઢાકાના નવાબ તથા ધર્મચુસ્ત મૌલવીઓની મદદથી નવા પ્રાન્તની રચના મુસ્લિમોને લાભદાયી થશે તેવું સમજાવી તેમને લડતથી અલગ રાખવાનો પ્રયાસ કર્યો. 1907માં સૂરત મુકામે કૉંગ્રેસમાં પણ ભાગલા પડ્યા. આ બધાને કારણે 1908 પછી લડત બંધ પડી. આમ છતાં ક્રાંતિકારી યુવાનોએ હિંસક માર્ગે સરકાર સામે લડત ચાલુ રાખી. સરકારને પણ આ પગલું રાજકીય ર્દષ્ટિએ ડહાપણભર્યું ન લાગતાં 1911માં લૉર્ડ હાર્ડિંજે આ વિભાજન નાબૂદ કરવાની જાહેરાત કરી.

આ લડત ભારતની સૌપ્રથમ રાષ્ટ્રવ્યાપી લડત હતી. વિદેશી માલનો બહિષ્કાર, સ્વદેશી, રાષ્ટ્રીય શિક્ષણ જેવા લડતના નવા માર્ગો આ લડતે આપ્યા. પાછળથી ગાંધીયુગ દરમિયાન તેનો વ્યાપક અને અસરકારક રીતે ઉપયોગ થયો. આ લડતે ભારતીય સંસ્કૃતિના ગૌરવને તથા સ્વદેશીની ભાવનાને પ્રોત્સાહન-પોષણ આપ્યું; ભારતીય રાષ્ટ્રવાદને ઉગ્ર અને ક્રાંતિકારી ઓપ આપ્યો.

રોહિત પ્ર. પંડ્યા