બંગસેન (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે તેરમી શતાબ્દીનો પૂર્વાર્ધ)

January, 2000

બંગસેન (બારમી શતાબ્દીનો ઉત્તરાર્ધ કે તેરમી શતાબ્દીનો પૂર્વાર્ધ) : આયુર્વેદિક ગ્રંથકાર. ‘બંગસેન’(વંગસેન)ના પિતાનું નામ ગદાધર હતું અને તેઓ બંગાળના કાન્તિકાવાસ ગામના રહીશ હતા. તેમણે ગ્રંથકાર વૃંદના ‘સિદ્ધયોગ’ અને ચક્રદત્તના ‘ચક્રસંગ્રહ’ને મળતો આવે તેવો ‘ચિકિત્સાસારસંગ્રહ’ નામે આયુર્વેદનો ચિકિત્સાવિષયક ગ્રંથ લખ્યો છે, જે પ્રાય: લેખકના ‘બંગસેન’ નામે જ વધુ વિખ્યાત છે. આ ગ્રંથ પ્રથમ 1276માં લખાયો હતો અને તે બીજી વખત ઈ.સ. 1320માં લખાયો છે. બંગસેન આયુર્વેદાચાર્ય હેમાદ્રિની પહેલાં અને આચાર્ય વૃંદ તથા ચક્રપાણિ પછીના સમયમાં થઈ ગયા છે. આ ગ્રંથની ખ્યાતિ બંગાળથી શરૂ કરી છેક મહારાષ્ટ્ર સુધી ફેલાઈ હતી. આ ગ્રંથમાં ચિકિત્સાવિષયક અનેક ઉપચારો બતાવ્યા છે. પરંતુ તેમાં નાડીપરીક્ષા કે ઔષધનિર્માણ વિશે ખાસ ઉલ્લેખ નથી.

બળદેવપ્રસાદ પનારા