ફ્રાંસની ક્રાન્તિ (1789થી 1799) : ફ્રાંસની રાજાશાહી વિરુદ્ધ થયેલી ક્રાન્તિ. આપખુદ તેમજ પીડક રાજ્યતંત્ર, દોષપૂર્ણ શોષણખોર અર્થતંત્ર, કુલીનતા અને સામાજિક ભેદભાવ, કાયદાની અસમાનતા, ધાર્મિક અસહિષ્ણુતા વગેરેને આ ક્રાન્તિ કે રાષ્ટ્રીય ચળવળના ઉદભવનાં મુખ્ય પરિબળો કહી શકાય. આને લગતી ચિંતકો–સાહિત્યકારોની કૃતિઓને પણ પ્રેરણાસ્રોત ગણી શકાય. લોકશાસન તથા મુક્ત સમાજની સ્થાપના માટે મથનાર નિષ્ઠાવાન નેતાગીરીને પણ ક્રાંતિ માટેની પ્રેરક શક્તિ કહેવી ઘટે. પુરોગામી ક્રાંતિઓ પણ અનુગામી ક્રાંતિમાં મહત્વનું પ્રદાન કરતી હોય છે.
ફ્રાંસની ક્રાન્તિના ઊગમમાં ઉપર્યુક્ત બધાં જ પરિબળોએ મહત્વનો ભાગ ભજવ્યો હતો.
આર્થિક કટોકટી મુખ્યત્વે ક્રાંતિની જનક હોય છે. 18મી સદીનાં ખર્ચાળ યુદ્ધો લુઈ રાજાઓના અતિ ભોગવિલાસ, કરચોરી અને લાંચરુશવત વગેરેથી ફ્રાન્સની આર્થિક સ્થિતિ ભારે કટોકટીભરી બની. સામાન્ય તેમજ ગરીબ વર્ગ પર કરવેરાનો આકરો બોજ હતો; જ્યારે ધર્મગુરુઓ તથા સામંતો – ઉપલા વર્ગના લોકો બહુધા કરવેરાથી મુક્ત હતા, જેને પરિણામે નીચલા થરના લોકોની ગરીબી અને યાતનામાં અતિશય વધારો થયો હતો. ફ્રાન્સમાં સામંતશાહી પ્રથાને લીધે મોટાભાગની જમીન સામંતો હસ્તક હતી અને ખેડૂતો ખેત-મજૂર હતા. તેમની સ્થિતિ ગુલામો જેવી હતી. તેમની પાસેથી સામંતો આકરું મહેસૂલ વસૂલ કરતા. એટલે તેમની સ્થિતિ અર્ધભૂખમરાની હતી. તેમાંનાં ઘણાંખરાંને વર્ષના અમુક સમય સુધી સડેલાં બટેટાં ખાઈને જીવવું પડતું હતું. પરિણામે અવારનવાર ખેડૂતોના બળવા થયા જે ક્રૂરતાથી દાબી દેવામાં આવ્યા. એવામાં 1789માં ફ્રાન્સમાં પડેલ ભયંકર દુષ્કાળથી આમ જનતાની, ખેડૂત વર્ગની યાતનાઓ પરાકાષ્ઠાએ પહોંચી, ત્યારે અન્ન માગતા ખેડૂતોને એક પ્રાન્તના ગવર્નરે એમ કહ્યું કે ‘હવે ઘાસ ઊગવા માંડ્યું છે, ખેતરમાં જઈને ચરી ખાવ’. આથી આમ ખેડૂતોના ધૈર્યનો અંત આવ્યો અને ક્રાન્તિનો પ્રારંભ થયો.
ફ્રાન્સનો સમાજ ત્રણ વર્ગો : (1) ધર્મગુરુઓનો વર્ગ, (2) ઉમરાવોનો વર્ગ અને (3) આમ પ્રજા – ખેડૂતો, મજૂરો તથા કારીગરોના વર્ગમાં વહેંચાયેલો હતો. તેઓ અનુક્રમે પ્રથમ, દ્વિતીય તથા તૃતીય જાગીરને નામે ઓળખાતા. તેમની વચ્ચે ઘણી અસમાનતા હતી. પ્રથમ બે વર્ગો વિશિષ્ટ અધિકારો ભોગવતા હતા, તથા સમાજમાં તેમને ઉચ્ચ સ્થાન હતું, જ્યારે ત્રીજા વર્ગને કોઈ અધિકારો ન હતા તથા સમાજમાં તેમનું સ્થાન નીચું હતું. પ્રથમ બે વર્ગો પર નામના કરવેરા હતા, જ્યારે ત્રીજા વર્ગ પર આકરા કરવેરા હતા. આથી પ્રથમ બે વર્ગો વૈભવ-વિલાસમાં રાચતા, જ્યારે ત્રીજો વર્ગ ગરીબી અને અર્ધભૂખમરામાં સબડતો હતો. પરિણામે નીચલા થરના લોકોની અસહ્ય સ્થિતિએ ક્રાન્તિને જન્મ આપ્યો.
ફ્રાન્સમાં આ સમયે કાયદામાં પણ ઘણી અસમાનતા હતી. વિવિધ પ્રકારના 360 જેટલા કાયદા હતા, જેમાં ઉપલા બે વર્ગોને ગુના માટે ઓછી સજા થતી, અથવા મુક્તિ મળતી. જ્યારે ત્રીજા વર્ગના લોકોને એ જ પ્રકારના ગુના માટે આકરી સજા થતી. રાજાને કોઈ પણ નાગરિકને અપરાધ વગર સજા કરવાનો તેમજ મૃત્યુદંડ આપવા સુધીનો અધિકાર હતો, જેનો ભોગ બહુધા નીચલા થરના લોકો (ત્રીજો વર્ગ) બનતા હતા.
ધર્મગુરુઓ વિશિષ્ટાધિકારોની રૂએ સામાન્ય વર્ગ પાસેથી ધાર્મિક કરવેરા ઉઘરાવતા હતા, જેનો ઉપયોગ તેઓ વૈભવ-વિલાસમાં કરતા હતા. આથી સામાન્ય વર્ગના લોકોમાં ધર્મગુરુઓ પ્રત્યે ભારે અસંતોષ પ્રવર્તતો હતો. વળી નીચલી કક્ષાના પાદરીઓની સ્થિતિ પણ અસંતોષકારક હતી, એટલે તેમને પણ ધર્મગુરુઓ પ્રત્યે તીવ્ર અણગમો હતો.
તે દેશના વિચારકો તથા લેખકોએ પણ લોકોની રાષ્ટ્રીય તેમજ સામાજિક ચેતના જાગ્રત કરવામાં મહત્વનું પ્રદાન કર્યું. આમાં મૉન્તેસ્ક (1689–1755), વૉલ્તેર (1694–1778), ડિડેરો (1713–1785), રૂસો (1712–1778) વગેરે મુખ્ય હતા. મૉન્તેસ્કે પોતાના પ્રથમ પુસ્તક ‘Letters’(પત્રો)માં ફ્રાન્સના આપખુદ તંત્ર તથા અસમાન સામાજિક સ્થિતિની કડક આલોચના કરેલી છે, જ્યારે પોતાના બીજા વિશેષ જાણીતા પુસ્તક ‘Spirit of the Law’(કાનૂનનો ઉદ્દેશ)માં તેણે નિરંકુશ સત્તા, ગુલામીસ્થિતિ તથા કાયદાની અસમાનતાની ઉગ્ર ટીકા કરેલી છે અને ઇંગ્લૅન્ડના જેવી બંધારણીય સરકારની સ્થાપનાની તરફેણ કરેલી છે.
વૉલ્તેર કૅથલિક દેવળનો કટ્ટર વિરોધી હતો. તે દેવળને અંધશ્રદ્ધા, અજ્ઞાનતા તથા અસહિષ્ણુતા ફેલાવનાર વિકૃત સંસ્થા માનતો. પોતાના ગ્રંથો તથા લેખોમાં સામાજિક કુરિવાજો તેમજ અસમાનતા પ્રત્યે પણ તેણે ઉગ્ર પ્રહારો કર્યા છે. પોતાના કટ્ટર વિચારો તેમજ લખાણો માટે તેને ઘણું સહન કરવું પડ્યું; જેલવાસ પણ ભોગવવો પડ્યો હતો. તે ઇંગ્લૅન્ડના બંધારણનો પ્રશંસક હતો. વૉલ્તેરના સાહિત્યે ક્રાન્તિનાં પરિબળોને ઘણાં સતેજ બનાવ્યાં.
પોતાના જીવનકાળ દરમિયાન ડિડેરોએ 35 ભાગોમાં પ્રસિદ્ધ કરેલ જ્ઞાનકોશે (encyclopedia) ફ્રેન્ચ ક્રાન્તિનાં પરિબળોને વેગીલાં બનાવ્યાં. તેણે આ ગ્રંથમાં નિરંકુશ-સ્વેચ્છાચારી શાસન, કુલીનતા, ધર્મગુરુઓના વિશિષ્ટ હક્કો, આમ પ્રજા પર અસહ્ય કરબોજ, કાયદાઓની અસમાનતા, સામાજિક ભેદભાવ વગેરે પર ઉગ્ર પ્રહારો કર્યા છે. સરકારે આ પુસ્તક પર પ્રતિબંધ મૂકેલ તોપણ તે ખૂબ લોકપ્રિય રહ્યું અને ક્રાન્તિને ઉત્તેજવામાં તેણે અગત્યનો ભાગ ભજવ્યો.
રૂસોના પ્રસિદ્ધ પુસ્તક ‘સામાજિક કરારે’ (Social Contract) વાસ્તવમાં ફ્રેન્ચ ક્રાંતિ સર્જી હોવાનું કહી શકાય. તેમાં તેણે સામૂહિક-લોકેચ્છાને સર્વોપરી ગણાવી છે. તેના આ પુસ્તકમાં લોકતંત્રનો વિચાર રજૂ કરેલો છે. રૂસોએ જણાવ્યું કે જનતા પાસે ગુમાવવા માટે જંજીરો સિવાય કંઈ જ નથી. એટલે જ જનતાએ જંજીરો તોડવા ક્રાંતિ કરી. આમ, ઉપર્યુક્ત વિચારકો તથા લેખકોએ આમ જનતામાં જાગૃતિ લાવીને ક્રાન્તિની પ્રક્રિયાને ઝડપી બનાવી. આમાં તે સમયના ફ્રાન્સના અર્થશાસ્ત્રીઓ(ફિઝિયોક્રૅટ્સ)નાં વિચારો તેમજ લખાણોએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો તે નોંધવું ઘટે.
ફ્રાન્સની ક્રાન્તિના ઉદભવમાં ઇંગ્લૅન્ડની રક્તવિહીન ક્રાન્તિ (1688) તથા અમેરિકાના સ્વાતંત્ર્યવિગ્રહ(1776)નો પણ ગણનાપાત્ર ફાળો હતો.
પૅરિસ તથા ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં એપ્રિલ 1789માં આમ જનતા માટે અન્નપ્રાપ્તિની સમસ્યા ઘણી જ વિકટ બની. ભૂખમરો સર્જાતાં બળવાની સ્થિતિ ઊભી થઈ. લૂઈ 16માને આ પરિસ્થિતિનું નિવારણ કરવા ફ્રાન્સના ત્રણે વર્ગોના પ્રતિનિધિઓની બનેલી એસ્ટેટસ જનરલ (સામાન્ય સભા) બોલાવવાની ફરજ પડી. આ સભા 5મી મે 1789ના રોજ 175 વર્ષ બાદ બોલાવવામાં આવી હતી. ત્રણ વર્ગોના પ્રતિનિધિઓ વચ્ચે ઉગ્ર મતભેદ સર્જાતાં રાજાએ એસ્ટેટ્સ જનરલ બરખાસ્ત કરી. આથી ત્રીજા વર્ગના પ્રતિનિધિઓએ મિરાબોના નેતૃત્વ તળે ટેનિસ કૉર્ટ નામે ખુલ્લી જગામાં પોતાની સભા યોજી. દરમિયાનમાં ભૂખ્યા લોકોનાં ટોળાં પૅરિસ તેમજ ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં ‘અન્ન’, ‘અન્ન’ની બૂમો પાડતાં ઘૂમવા લાગ્યાં, એટલે રાજાએ તેમને દાબી દેવા જર્મન સૈનિકોને બોલાવ્યા. તેથી પરિસ્થિતિ વિશેષ વણસી અને લોકોનાં ટોળાંઓએ બેસ્ટાઇલ કિલ્લા (કેદખાના) પર હલ્લો કરીને તેનું પતન કર્યું. આ બનાવ 14મી જુલાઈ 1789ના રોજ બનતાં વાસ્તવમાં ક્રાંતિની શરૂઆત થઈ. ત્યારબાદ પૅરિસ તથા ફ્રાન્સના અન્ય વિસ્તારોમાં મોટા પાયા પર વિરાટ કૂચો નીકળી, જેમાં સ્ત્રીઓની વિરાટ કૂચ ખાસ નોંધપાત્ર હતી.
ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન જૂન 1789થી સપ્ટેમ્બર 1791 સુધી મળેલ રાષ્ટ્રીય ધારાસભા કે રાષ્ટ્રીય બંધારણ સભાએ મહત્ત્વના નિર્ણયો કર્યા. તેણે ધર્મગુરુઓ તથા સામંતોના વિશિષ્ટ અધિકારો રદ કર્યા. ધાર્મિક તેમજ અન્ય ગેરકાનૂની કરવેરામાંથી પ્રજાને મુક્તિ અપાઈ. સામાજિક સમાનતા તથા માનવ અધિકારોની ઘોષણા કરવામાં આવી. દેવળની મિલકત જપ્ત કરવામાં આવી. બંધારણ સભાએ 1791માં ફ્રાન્સનું નવું બંધારણ ઘડ્યું, જે અનુસાર ફ્રાન્સમાં મર્યાદિત રાજાશાહીવાળી બંધારણીય અને પ્રજાતંત્રીય સરકારનો સ્વીકાર કરવામાં આવ્યો તેમજ કાયદાઓની સમાનતા સ્થાપિત કરવામાં આવી. રાજા લૂઈ 16માને પોતાની મરજી વિરુદ્ધ આ બંધારણને સંમતિ આપવી પડી. એટલે તેણે ફ્રાન્સમાંથી નાસી જઈને યુરોપમાં રાજાઓની લશ્કરી સહાય લઈને પોતાની આપખુદ સત્તા પુન:સ્થાપિત કરવા પ્રયત્ન કર્યો. પરંતુ રાજા-રાણી ફ્રાન્સની સરહદેથી પકડાઈ જતાં તેમને કેદી તરીકે પૅરિસ પાછાં લાવવામાં આવ્યાં.
આ બનાવથી ક્રાન્તિનું સ્વરૂપ વિશેષ ઉગ્ર અને વ્યાપક બન્યું. બંધારણસભાને સ્થાને રાષ્ટ્રીય પરિષદની રચના કરવામાં આવી (સપ્ટેમ્બર 1792), જેમાં જિરોન્ડિસ્ટ તથા જેકોબીના જેવા બે ઉગ્ર પક્ષો મુખ્ય હતા. જેકોબીન પક્ષનો રાજાને ફાંસી આપવાનો ઠરાવ તદ્દન નાની બહુમતીથી પસાર થતાં લૂઈ 16માને 21મી જાન્યુઆરી 1793ના રોજ ફાંસી અપાઈ. ત્યારબાદ રાણી તથા અન્ય ઘણાખરા ક્રાન્તિવિરોધી કહેવાતા નેતાઓને પણ ફાંસી અપાઈ અને ફ્રાન્સની ક્રાન્તિ વિશેષ લોહિયાળ તથા વિકૃત બની, જેમાંથી 1795નું બંધારણ ઘડાયું, જે લોકોની આર્થિક સમસ્યાઓનો નિકાલ કરી શક્યું નહિ. તેથી લોકઆંદોલનો ચાલુ રહ્યાં અને છેવટે નેપોલિયન બોનાપાર્ટની સરમુખત્યારશાહી સ્થપાઈ (1799).
આમ, ફ્રાન્સમાં પ્રજાતંત્રની સ્થાપના કરવાનું ધ્યેય સિદ્ધ થઈ શક્યું નહિ. તોપણ ફ્રેન્ચ ક્રાન્તિને પરિણામે ફ્રાન્સમાંથી તેમજ યુરોપમાંથી આપખુદ તંત્રનો અંત આવ્યો. સામંતશાહીનો પણ લગભગ અસ્ત થયો. ફ્રેન્ચ ક્રાંતિએ માનવ-અધિકારોની કરેલી જાહેરાત તે તેનું માનવજાતને વિશિષ્ટ પ્રદાન કહી શકાય. તેણે સ્વાધીનતા, સમાનતા તથા બંધુતા(liberty, equality તથા fraternity)ની કરેલી જાહેરાતે રાજકીય તથા સામાજિક એકતા સ્થાપવામાં બહુમૂલ્ય ફાળો આપ્યો. આ ક્રાન્તિએ રાષ્ટ્રીયતા તેમજ લોકશાહીના આધુનિક ખ્યાલોને પ્રચલિત કર્યા. તેમજ તેમણે પછીની રશિયા તથા ચીનની ક્રાન્તિને અને વિશ્વની અન્ય સ્વાતંત્ર્ય ચળવળોને પ્રેરણા આપી.
રમણલાલ ક. ધારૈયા