ફ્રિગેટ : વળાવિયા તથા ચોકિયાત તરીકે તથા દુશ્મનનાં જહાજો ઉપર અચાનક છાપો મારવા માટે વપરાતું પ્રમાણમાં નાનું યુદ્ધજહાજ. સોળમી સદીમાં ભૂમધ્ય સમુદ્ર ઉપરના મોટાભાગના દેશોમાં આ નામનું જહાજ નાનાં, ઝડપી, હલેસાં અને સઢોથી ઝડપથી ખેપ કરતા યુદ્ધજહાજ તરીકે પણ ઓળખાતું. તે વિનાશિકા (destroyer) કરતાં નાનું, ઓછું શક્તિશાળી અને ઓછું ખર્ચાળ હોય છે, જ્યારે કોરવેટ્ટ કરતાં વધારે ઝડપી અને વધારે ભારે શસ્ત્રોથી સજ્જ હોય છે. સઢ-સંચાલિત વહાણોના યુગમાં તે સ્કાઉટ માફક દુશ્મનોની હિલચાલની દેખરેખ રાખી નૌકાકાફલાને તેની જાણ કરવાનું કામ કરતું હતું. તેની ઝડપી ગતિને કારણે તે અચાનક છાપો મારીને દુશ્મનના નૌકાકાફલાને વેરવિખેર કરવાનું કામ કરતું હતું. ભારે મોટાં યુદ્ધજહાજો જલદીથી હરીફરી શકતાં નથી અને તેમની ઓછી ગતિ અને મોટાં કદને કારણે ફ્રિગેટનો ઝડપથી પીછો કરી શકતાં નથી. ફ્રિગેટની દાવપેચની કે અટપટી હિલચાલ કરવાની (manoeuvering) ક્ષમતા વિશેષ હોય છે અને તેથી તે તોપોનું નિશાન ચૂકવી દઈ શકે છે.

અઢારમી અને ઓગણીસમી સદીના પૂર્વાર્ધ દરમિયાન ફ્રિગેટ ત્રણ કૂવાસ્થંભ (mast), ચોરસ સઢ તથા એક કે બે તૂતકો ધરાવતી હતી. એક તૂતક ઢંકાયેલું રાખવામાં આવતું હતું. તેની ઉપર 24થી 50 તોપો રખાય છે.

1830 પછી સઢનું સ્થાન વરાળયંત્રે લેતાં ફ્રિગેટનું સ્થાન ક્રૂઝરે લીધું. પણ વીસમી સદી દરમિયાન બીજા વિશ્વયુદ્ધ વખતે (1939–45) પાછો તેનો ઉપયોગ વધ્યો. ટૉર્પિડો તથા રૉકેટથી સજ્જ બનીને તે દુશ્મન સબમરીનને શોધીને તેનો નાશ કરે છે. તે નિર્દેશિત પ્રક્ષેપાસ્ત્રો (guided missiles) દ્વારા વિમાનો તથા સમુદ્રની સપાટી ઉપરનાં જહાજોનો નાશ કરે છે. સબમરીન વગેરે છૂપાં લક્ષ્યાંકો શોધી કાઢવા માટે ફ્રિગેટને રડાર અને સોનારથી સજ્જ કરવામાં આવે છે.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લૅન્ડ અને યુ.એસ. વચ્ચેનો ધોરી જળમાર્ગ ખુલ્લો રાખવા માટે, નિયમિત અનાજ અને શસ્ત્રોનો પુરવઠો મળતો રહે તે માટે, વેપારી જહાજોના કાફલાની રક્ષા માટે, ચોકિયાત તરીકે ફ્રિગેટ કામ કરતી હતી.

સામાન્ય રીતે ફ્રિગેટ 1,000થી 3,000 મેટ્રિક ટનની હોય છે. ઑસ્ટ્રેલિયન નૌકાસૈન્યની ‘રિવર’ વર્ગની ફ્રિગેટ 2,750 મે. ટનની અને 113 મી. લાંબી હોય છે. બ્રિટિશ નૌકાકાફલાની બ્રૉડવર્ડ વર્ગની ફ્રિગેટ 4,000 મે. ટનની, 131 મી. લાંબી હોય છે. પ્રથમ પ્રકારની ફ્રિગેટની ગતિ દર કલાકે 50 કિમી. હોય છે અને તે સ્ટીમ-ટર્બાઇન દ્વારા સંચાલિત હોય છે. બીજા પ્રકારની ફ્રિગેટની 55 કિમી.ની ઝડપ હોય છે અને તે ગૅસ-ટર્બાઇન-સંચાલિત હોય છે. આ ફ્રિગેટો ઉપર બે હેલિકૉપ્ટરો રાખી શકાય છે. ફ્રિગેટનું બખ્તર હળવું વજન ધરાવતાં ઍલ્યુમિનિયમનાં પતરાંનું હોય છે. તેનાથી વધારે મજબૂત અને ટકાઉ લોખંડનું બખ્તર ભારતમાં મુંબઈના મઝગાંવ ડૉક તથા કલકત્તાના ગાર્ડન રીચ ડૉકમાં બંધાય છે.

શિવપ્રસાદ રાજગોર