ફોટોગ્રાફિક સર્વેક્ષણ (Photographic survey) : કોઈ પણ વિસ્તારનો ફોટોગ્રાફ લઈને, સર્વેક્ષણ કરવાની પદ્ધતિ. ખૂબ ઊંચાઈએથી ફોટોગ્રાફ લેવામાં આવે ત્યારે ભૂમિનો ઘણોબધો વિસ્તાર આવરી લઈ શકાય છે. પહેલા તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લશ્કરી માહિતી મેળવવા માટે ઊંચે ઊડતા વિમાનમાં ખાસ પ્રકારના કૅમેરા ગોઠવીને, આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
અવકાશયુગના પ્રારંભ પછી પૃથ્વીને ફરતા ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકી તેની અંદર રાખેલા આધુનિક કૅમેરા દ્વારા ફોટોગ્રાફ લઈને ભૂ-સંપત્તિના સર્વેક્ષણની રીત પ્રચલિત બની છે; જે ‘રિમોટ સેન્સિંગ’ તરીકે ઓળખાય છે. તેના દ્વારા અનેકવિધ માહિતી (જેવી કે, ભૂમિ, ખડકોના પ્રકાર, વનસ્પતિ, હવામાન, સમુદ્રની સપાટી ઉપરનું તાપમાન વગેરે) પ્રાપ્ત થઈ શકે છે.
આ પ્રકારના સર્વેક્ષણમાં વર્ણપટના અધોરક્ત (infrared) વિસ્તારમાં લેવામાં આવતાં અવલોકનો મહદંશે વધુ ઉપયોગી નીવડે છે; કારણ કે આ વિસ્તારમાં જુદા જુદા ભાગમાં થતો તાપમાનનો તફાવત વધુ સ્પષ્ટ જણાઈ આવે છે. તથા જુદા જુદી વનસ્પતિ અને જુદા જુદા પ્રકારની જમીન દ્વારા ઉદભવતા વિકિરણના પરાવર્તનમાં મળતો તફાવત પણ ઘણી વાર બહુ સ્પષ્ટ જણાઈ આવે છે. છેલ્લા ત્રણ દાયકા દરમિયાન વીજાણુ(electronic)ના ક્ષેત્રે પ્રગતિ થતાં ‘ચાર્જ કપલ્ડ ડિવાઇસ’ (C.C.D.) તથા ‘ઇન્ફ્રારેડ એરે ડિટેક્ટર’ જેવાં ઉપકરણોનો વિકાસ થતાં, સર્વેક્ષણ માટેના ઉપગ્રહમાં ફોટોગ્રાફિક ફિલ્મને સ્થાને તેમનો ઉપયોગ કરવામાં આવે છે. ભારત દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવતા Indian Remote Sensing, IRS ઉપગ્રહો આ પ્રકારના છે.
જ્યોતીન્દ્ર ન. દેસાઈ