ફૉગેસાઇટ (Vogesite) : અગ્નિકૃત ખડકો પૈકીના લેમ્પ્રોફાયર ખડકસમૂહનો એક પેટાપ્રકાર. તે મુખ્યત્વે હૉર્નબ્લેન્ડ(ક્યારેક ઑગાઇટ)થી બનેલો હોય છે, તેમજ તેમાં ફેલ્સ્પાર તરીકે ઑર્થોક્લેઝની કે સેનિડિનની હાજરી હોય છે. જોકે પ્લેજિયોક્લેઝ ફેલ્સ્પાર પણ ઘણા ફૉગેસાઇટમાં જોવા મળે છે ખરો. આ ઉપરાંત ક્યારેક બાયોટાઇટ અને ઑલિવિન પણ હોઈ શકે છે.

ગ્રૅનાઇટિક – ગ્રૅનોડાયોરાઇટિક મૅગ્માના ઘણા સ્વભેદિત પ્રકારો પૈકીનો આ એક ખડકપ્રકાર ગણાય છે. લેમ્પ્રોફાયર ખડકજૂથના ચાર મુખ્ય પ્રકારો – મિનેટ, ફૉગેસાઇટ, કરસન્ટાઇટ અને સ્પેસરટાઇટ – પૈકીનો આ એક છે અને બંધારણીય રીતે સાયનાઇટ પૈકીનો આ એક છે અને તે સાયનાઇટ લેમ્પ્રોફાયર સમૂહમાં મુકાય છે.

અંતિમ કાર્બોનિફેરસ કાળના પર્વતપ્રદેશો(હર્સિનિયન ગિરિનિર્માણ)ના ઘણા વિભાગો(ઇંગ્લૅન્ડ, જર્મની)માં તે વધુ જોવા મળે છે. મોટેભાગે તે નાના પરિમાણવાળાં અને છીછરી ઊંડાઈએ રહેલાં ડાઇક, સિલ જેવાં અંતર્ભેદનો તરીકે મળી આવે છે.

ગિરીશભાઈ પંડ્યા