ફૉગેલ, રૉબર્ટ વિલિયમ

February, 1999

ફૉગેલ, રૉબર્ટ વિલિયમ (જ. 1 જુલાઈ 1926, ન્યૂયૉર્ક) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. અભ્યાસ ન્યૂયૉર્ક ખાતે. ન્યૂયૉર્ક સિટી યુનિવર્સિટી ઉપરાંત અમેરિકાની અન્ય યુનિવર્સિટીઓમાંથી પણ અર્થશાસ્ત્ર વિષયમાં ઉચ્ચ કક્ષાની પદવીઓ મેળવી છે જેમાં કોલંબિયા, હાર્વર્ડ, કૅમ્બ્રિજ અને જ્હૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીઓનો સમાવેશ થાય છે. શિકાગો યુનિવર્સિટીમાં તેઓ અર્થશાસ્ત્ર વિષયના પ્રોફેસર છે. ‘ઇકોનૉમિક્સ ઑવ્ ધ અમેરિકન નિગ્રોઝ સ્લેવરી’ શીર્ષક હેઠળના તેમના એક લેખમાં તેમણે અમેરિકાના નિગ્રો જાતિની ગુલામીની એમ કહીને તરફેણ કરી હતી કે નિગ્રો જાતિની ગુલામી આત્મનાશ કરનાર (self-destructive) પરિબળ નહિ પરંતુ નિગ્રો લોકોની આર્થિક સ્થિતિને સુધારનાર પરિબળ તરીકે સાબિત થઈ છે અને તે પદ્ધતિનું પતન આર્થિક કારણોસર નહિ પરંતુ રાજકીય કારણોસર થયેલું છે જે નિગ્રો લોકો માટે નુકસાનકારક સાબિત થયેલું છે. તેમના આ વિચારોને કારણે અમેરિકામાં માત્ર અશ્વેત લોકોમાં જ નહિ પરંતુ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા શ્વેત લોકોમાં પણ તેમની સામે વિરોધનું વંટોળ ઊભું થયું હતું. તેમની સામેનો રોષ ખાળવા માટે તેમણે 1989–’92 દરમિયાન ‘વિધાઉટ કન્સેન્ટ ઑર કૉન્ટ્રેક્ટ : ધ રાઇઝ ઍન્ડ ફૉલ ઑવ્ અમેરિકન સ્લેવરી’ નામનું પુસ્તક લખ્યું અને તેમાં માનવતા અને નૈતિકતાના ધોરણે નિગ્રો લોકોની ગુલામીને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. 1993માં તેમણે કરેલ સંશોધને ભૂખમરાની આર્થિક અસરો તથા આર્થિક વિકાસની દિશામાં પોષક આહારના મહત્વ ઉપર પ્રકાશ પાડ્યો છે.

રૉબર્ટ વિલિયમ ફૉગેલ

અર્થશાસ્ત્રના સિદ્ધાંતો તથા અર્થમિતિશાસ્ત્રની પદ્ધતિઓનો આર્થિક સમસ્યાઓના નિરાકરણ માટે કેવી રીતે ઉપયોગ કરી શકાય તે અંગે તેમણે રજૂ કરેલા વિચારોની નોબેલ પારિતોષિક એનાયત સમિતિએ ખાસ નોંધ લીધી છે.

1993ના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિકના તેમના સહવિજેતા ડગ્લસ સેસિલ નૉર્થ વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર હતા (1953–’83).

બાળકૃષ્ણ માધવરાવ મૂળે