ફૈઝ અહમદ ફૈઝ (જ. 1911, સિયાલકોટ; અ. નવેમ્બર 1984, લાહોર) : ભારતીય પ્રગતિશીલ સાહિત્યકારોની પ્રથમ પંક્તિના કવિ, લેખક, પત્રકાર અને પ્રાધ્યાપક. તેમના પિતા ચૌધરી સુલતાન મોહમ્મદખાન સિયાલકોટના ખ્યાતનામ બૅરિસ્ટર અને સાહિત્યપ્રેમી જીવ હતા.
ફૈઝ અહમદે પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ લાહોરમાં મેળવીને સરકારી કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. તે પછી અરબીમાં પણ સ્નાતક થયા તેમજ 1932માં અંગ્રેજી વિષય સાથે સરકારી કૉલેજમાંથી એમ.એ. થયા અને ત્યારપછી ઑરિયેન્ટલ કૉલેજ, લાહોરમાંથી જ અરબી ભાષા સાથે એમ.એ. થયા. તેમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ ઉજ્જ્વળ અને અપ્રતિમ હતી. 1935માં અમૃતસરની જાણીતી એમ. એ. ઓ. કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. લખવા-વાંચવાનો શોખ અને રુચિ તો હતાં જ તેથી 1935માં લાહોરના પ્રખ્યાત સાહિત્યિક માસિક ‘અદબે લતીફ’ના સંપાદનની જવાબદારી તેમણે સ્વીકારી. અમૃતસરમાં વાતાવરણ અનુકૂળ ન રહેતાં 1940માં લાહોરમાં અંગ્રેજીના વ્યાખ્યાતા નિમાયા અને 1941માં એક અંગ્રેજ મહિલા ઍલિસ જ્યૉર્જ સાથે ઇસ્લામી વિધિ મુજબ લગ્ન કર્યાં. પત્નીનું નામ ‘કુલસુમ’ રાખ્યું. ફૈઝ અહમદના નિકાહની વિધિ કાશ્મીરના મશહૂર રાજકીય નેતા અને સાહિત્યકાર શેખ મોહમ્મદ અબ્દુલ્લાહે અદા કરી હતી. પોતાનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘નકશે ફરિયાદી’ ઉર્દૂમાં પ્રસ્તુત કરી, તેમણે લગ્નની અનોખી ભેટ ધરી.
કોઈ અકળ કારણોએ આ જ સમય દરમિયાન અધ્યાપનનો વ્યવસાય છોડીને તેઓ લશ્કરમાં કૅપ્ટન તરીકે જોડાયા અને દિલ્હીમાં આવીને વસ્યા. મહેનત, ખંત, શિસ્ત અને પ્રામાણિકતાના પરિણામે તેઓ મેજર અને ત્યારપછી કર્નલના હોદ્દા સુધી પહોંચ્યા, પરંતુ લશ્કરી સેવામાં જીવ ન લાગતાં તેઓ લાહોર પાછા ફર્યા અને દૈનિક સમાચારપત્રો ‘પાકિસ્તાન ટાઇમ્સ’ તેમજ ‘ઇમરોઝ’(ઉર્દૂ)ના તંત્રી થયા.
લિયાકતઅલીખાનની સત્તા ઉથલાવવાની સાઝિશમાં અનેક લોકોની સાથે તેમને પણ ગિરફતાર કરવામાં આવ્યા અને 4 વર્ષના લાંબા કારાવાસ પછી તેમણે જેલમુક્તિ મેળવી.
તેઓ એક વિશિષ્ટ પરિબળ સમા પ્રગતિશીલ કવિ હતા તે તેમના કાવ્યસંગ્રહો ‘દસ્તે સબા’ અને ‘ઝિન્દાનામા’ પરથી ફલિત થાય છે. તેઓ 1958માં સુરક્ષા અધિનિયમ હેઠળ ફરી વાર પકડાયા, પરંતુ ટૂંક સમયમાં તેમને છોડી મૂકવામાં આવ્યા. આ જ વર્ષે તાશ્કંદ મુકામે ઍશિયા-આફ્રિકન સાહિત્યકારોની સૌપ્રથમ કૉન્ફરન્સમાં પ્રગતિશીલ લેખકસંઘના એક અગ્રણી તરીકે ફૈઝ અહમદ ઉપસ્થિત રહ્યા.
ફૈઝ અહમદ વિશે કહેવાય છે કે તેઓ આજીવન પ્રણયવાદી ક્રાંતિકારી હતા. તેમની સમગ્ર કવિતા ક્રાંતિ અને પ્રણયની રૂપકકથા છે. દેશનું વિભાજન થયું અને દેશની પ્રજાએ આઝાદી મળ્યાની ખુશીમાં ભારે મોજ માણી; પરંતુ તે જ સમયે ફૈઝની ખૂબ જ જાણીતી કાવ્યરચના ‘સુબહે આઝાદી’ની કેટલીક પંક્તિઓએ ઉચ્ચ કોટિના પ્રગતિશીલ સાહિત્યકારોમાં ભારે ચર્ચા જગાવી. એક મત અનુસાર ફૈઝની આવી કાવ્યરચનાઓ જુનવાણી અભિગમની રખેવાળ હતી; જ્યારે બીજો એક ખૂબ પ્રબળ મત એવો હતો કે અર્વાચીન યુગની સાચી ઝાંખી કરાવતી પ્રગતિશીલ કવિતાનાં જો કોઈ લક્ષણો હોઈ શકે તો તે લક્ષણોને રજૂ કરવા આવાં જ કાવ્યોનો આધાર લેવો પડે. ગમે તેમ, પણ ફૈઝ સાચા અર્થમાં યુગકવિ હતા.
ફૈઝનો સૌપ્રથમ કાવ્યસંગ્રહ ‘નકશે ફરિયાદી’ 1941માં પ્રસિદ્ધ થયો હતો. તે નાનકડા કાવ્યસંગ્રહમાંનાં ‘મુઝ સે પહલી સી મોહબ્બત….’ અને ‘સોચ’, ‘રકીબસે’, ‘તન્હાઈ’, ‘ચંદ રોઝ ઔર’ અને ‘મૌઝુએ સુખન’ જેવાં પ્રથમ પંક્તિનાં કાવ્યોએ ફૈઝની કીર્તિ ફેલાવી. ફૈઝના અન્ય કાવ્યસંગ્રહમાં ‘દસ્તે સબ્ઝ’, ‘ઝિન્દાનામા’, ‘દસ્તે તહે સંગ’, ‘સૈરેવાદીએસીના’, ‘શામે શહરે યારાં’ અને ‘દિલ મેરે મુસાફિર દિલ’નો સમાવેશ થાય છે. વળી ‘સલીબેં મેરે દરિયે મેં’ના નામે તેમના પત્રો અને ‘મીઝાન’ના નામે તેમના સમીક્ષારૂપ નિબંધો પણ લોકપ્રિય બન્યા છે.
ફૈઝ માત્ર એક કવિ ન હતા. કવિતા તો તેમની વિચારધારાનું જબરદસ્ત પ્રભાવશાળી માધ્યમ હતું. તેમના ચિંતનની અભિવ્યક્તિ તેમની કવિતામાં જોવા મળે છે. તેમની વિચારધારામાં સામ્યવાદી ચિંતનનો અનુભવ થાય છે. તેથી જ 1962માં આંતરરાષ્ટ્રીય કક્ષાના લેનિન પારિતોષિકથી તેમને નવાજવામાં આવ્યા હતા. તેમને કુરાને શરીફ મોઢે હોવાનું પણ કહેવાતું હતું. ફૈઝે ઇંગ્લૅન્ડ, રશિયા, અલ્જિરિયા, ઇજિપ્ત તેમજ હંગેરી અને ક્યૂબા વગેરેના પ્રવાસો કર્યા હતા. તેના અનુભવો તેમનાં પ્રવાસવર્ણનોમાં રજૂ થયા છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા