ફેકનર ગુસ્તાવ થિયૉડૉર

February, 1999

ફેકનર, ગુસ્તાવ થિયૉડૉર (જ. 1801; અ. 1887) : જર્મન વૈજ્ઞાનિક અને દર્શનશાસ્ત્રી. ફેકનરે મનોભૌતિક પદ્ધતિઓના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો. મનોભૌતિકશાસ્ત્રના મુખ્ય સ્થાપક તરીકે તેનું નામ હંમેશાં રહેશે. મનોભૌતિકશાસ્ત્ર પ્રાયોગિક મનોવિજ્ઞાનની સર્વપ્રથમ શાખા છે, જે ભૌતિક ઉદ્દીપક અને એના સાંવેદનિક અનુભવ વચ્ચેના સંબંધનું સ્વરૂપ જાણવાનો અને એ સંબંધને નિયમ રૂપે રજૂ કરવાનો પ્રયાસ કરે છે. મનોભૌતિક પદ્ધતિઓ એટલે ભૌતિક ઉદ્દીપક અને એના સંવેદન વચ્ચે કેવા  પ્રકારનો સંબંધ પ્રવર્તે છે તેનું ચોક્કસ પ્રમાણાત્મક જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રયોજવામાં આવેલી માપનપદ્ધતિઓ. મનોભૌતિક પદ્ધતિઓ જીવંત પ્રાણીઓની ઉદ્દીપકો પ્રત્યેની પ્રતિક્રિયાઓનો અભ્યાસ કરવા માટેનાં શક્તિશાળી સાધનો પૂરાં પાડે છે. આ પદ્ધતિઓ વિકસાવવા પાછળનો ફેકનરનો મુખ્ય હેતુ તત્ત્વજ્ઞાન સંબંધી હતો. તે મન અને શરીર વચ્ચે એટલે કે માનસિક અને ભૌતિક જગત વચ્ચે સંબંધ શોધવા માગતો હતો.

ફેકનરે સંવેદન ઉંબર તેમજ ઉદ્દીપકોનાં ભેદક મૂલ્યો અને સંવેદનો વિશેનાં સંશોધનો દ્વારા મનોભૌતિક શાસ્ત્રમાં પાયાનું પ્રદાન કર્યું છે. તેણે ઈ. એચ. વેબરના નોંધનીય નિમ્નતમ પરિવર્તન (Just noticeable differences (JND) in stimulation) અંગેનાં સંશોધનોનું અનુસરણ કર્યું અને વેબરના નિયમને ચોક્સાઈપૂર્વકનું ગાણિતિક સ્વરૂપ આપ્યું. વેબરનો નિયમ જણાવે છે કે સંવેદનમાં જરાક જેટલું પરિવર્તન અનુભવવા માટે ઉદ્દીપકના મૂળ જથ્થામાં એના સ્થિર ગુણોત્તર જેટલો ફેરફાર કરવો જોઈએ. (DL is a constant fraction of the standard stimulus, DL = CST) ફેકનર આ દિશામાં એક કદમ આગળ વધ્યો. ફેકનરે બતાવ્યું કે ઉદ્દીપકના માપનની જેમ સંવેદનનું પણ પ્રમાણાત્મક માપન શક્ય છે. તેણે જણાવ્યું કે સંવેદનોને મધ્યાંતર તુલા (interval scale) અને/અથવા ગુણોત્તર તુલા(ratio scale)માં માપી શકાય છે. ફેકનરે સંવેદનોની તીવ્રતા માપવા માટે નોંધનીય નિમ્નતમ પરિવર્તન(JND)ના વૈજ્ઞાનિક એકમનો ઉપયોગ દર્શાવ્યો.

ફેકનરે સંવેદન-માપનનો નિયમ આપ્યો છે. ફેકનરનો નિયમ જણાવે છે કે વ્યક્તિના સંવેદનની તીવ્રતા ભૌતિક ઉદ્દીપકના લઘુગણકને પ્રમાણસર હોય છે; દા.ત., બુલંદતા એ ધ્વનિ-ઉદ્દીપકની તીવ્રતાના લઘુગણકને અનુરૂપ હોય છે. આ નિયમને સૂત્ર રૂપે નીચે પ્રમાણે રજૂ કરવામાં આવે છે;

S = K log I અથવા S = K log R અથવા RS = C log S

જેમાં, S (RS) = સંવેદન, I = ઉદ્દીપકની તીવ્રતા, K (C) = વેબરનો સ્થિર ગુણોત્તર, R = ઉદ્દીપક (German Reiz), log = લઘુગણક.

ઉપરનો નિયમ વેબરના નિયમનો વિસ્તાર છે અને તેને વેબરફેકનર નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ફેકનર આ સિદ્ધાંતને ‘મનના પ્રથમ નિયમ’ તરીકે ગણતો હતો. કારણ કે તે માનતો હતો કે આ સિદ્ધાંત ભૌતિક અને માનસિક બનાવો વચ્ચેના ચોક્કસ સંબંધને વર્ણવે છે. આ સિદ્ધાંતની શોધને લીધે મનોવિજ્ઞાનનો જન્મ તત્ત્વજ્ઞાનથી અલગ એક વિજ્ઞાન તરીકે થયો એમ ઘણા માને છે.

ફેકનરનો નિયમ સૈદ્ધાંતિક અને વ્યાવહારિક રીતે ઉપયોગી હોવા છતાં એની પણ કેટલીક મર્યાદાઓ દર્શાવવામાં આવી છે : (1) આ નિયમ વેબરના નિયમ પર આધારિત છે. વેબરનો નિયમ સાર્વત્રિક રીતે સાચો નથી. આ નિયમ ઉદ્દીપક-તીવ્રતાની, કેવળ મધ્યમ કક્ષા માટે જ સાચો છે. (2) દરેક JND સંવેદનાના પ્રમાણમાં સમાન ફેરફાર કરે છે, એ ધારણા શંકાસ્પદ છે. (3) નિરપેક્ષ ઉંબર સંવેદનતુલાનું આરંભબિંદુ છે, એ ધારણા પ્રત્યે પણ શંકા ઉઠાવવામાં આવી છે. (4) તાજેતરનાં સ્ટીવન્સનાં સંશોધનો સૂચવે છે કે મનોભૌતિક સંબંધ ઘાતસંબંધ રૂપે હોય છે.

આ નિયમ ઉપરાંત ફેકનરે પૂરક રંગો અને પશ્ચાત્ પ્રતિમાઓ વિશે પણ વ્યાપક પ્રાયોગિક સંશોધનો કર્યાં છે અને પ્રાયોગિક સૌંદર્યશાસ્ત્રનો પાયો નાખ્યો છે.

બિપીનચંદ્ર મગનલાલ કોન્ટ્રાક્ટર