ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ

February, 1999

ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ, વડોદરા : મહરાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ્ વડોદરાની લલિતકળાના શિક્ષણ માટેની જાણીતી ફૅકલ્ટી.

રાજકીય સ્વાતંત્ર્ય પછી વડોદરાની મ. સ. યુનિવર્સિટીના તત્કાલીન વાઇસ ચાન્સેલર હંસા મહેતાને લલિતકળાના ઔપચારિક શિક્ષણની ખોટ જણાઈ અને તેમના માર્ગદર્શન અને સંનિષ્ઠ પ્રયત્નોથી 1950માં મ. સ. યુનિવર્સિટીએ ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સની સ્થાપના કરી. યુનિવર્સિટીના માળખા હેઠળ લલિતકળાની વિદ્યાશાખા (ફૅકલ્ટી) દ્વારા  શિક્ષણ આપવાનો આ પ્રયત્ન ભારતમાં પ્રથમ હતો. આ નવા અભિગમ સામે દેશની કેટલીક યુનિવર્સિટીઓ તેમજ કળાકારોનાં વર્તુળોમાંથી વિરોધ થયો. પણ પછીનાં વર્ષોમાં આ ફૅકલ્ટીની સફળતાથી એ વિરોધ ધીમે ધીમે દૂર થઈ ગયો.

હંસાબહેનને તત્કાલીન ભારતના નારાયણ શ્રીધર બેન્દ્રે, આંબેરકર,  શંખો ચૌધરી, માર્કંડ ભટ્ટ, રવિશંકર રાવળ જેવા કેટલાક નામાંકિત લલિતકળાકારોનો આ માટે સાથ મળ્યો. કળાકારોના આ જૂથે જ આ ફૅકલ્ટીના પાયા નાંખ્યા. મધ્ય યુરોપની બઉહઉસ(BAUHAUS)- સ્કૂલના નમૂનાને નજર સમક્ષ રાખીને અભ્યાસક્રમ ઘડવાનું કામ બેન્દ્રેએ કર્યું. શાંતિનિકેતને ભારત, ચીન, ઈરાન અને જાપાન જેવા પૂર્વીય દેશોની પરંપરાગત કલાના શિક્ષણને પ્રાધાન્ય આપી એક આધુનિક પૌરસ્ત્ય કળાશાળા ઊભી કરી તો તેનાથી જુદા જ પ્રકારની એક ઉત્તમ કળાશાળાનું નિર્માણ મ. સ. યુનિવર્સિટીએ કર્યું, જેની સુવાસ વિદેશોમાં પ્રસરી. ઇંડોનેશિયા ચીન, જાપાન, કોરિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, યુરોપ અને અમેરિકાના અનેક વિદ્યાર્થીઓ સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો માટે આ ફૅકલ્ટીમાં જોડાતા હોય છે.

માર્કંડ ભટ્ટ અમેરિકાથી લલિતકળાનું શિક્ષણ મેળવીને આવ્યા હતા. તેમણે અને બેન્દ્રેએ ચિત્રકળાવિભાગ, શંખો ચૌધરીએ શિલ્પ-વિભાગ અને એન. બી. જોગલેકરે મુદ્રણક્ષમ કળા(graphics)વિભાગ સંભાળ્યો અને આમ આ ત્રણ વિભાગમાં આ ફૅકલ્ટી જૂના કલાભવનમાં શરૂ થઈ. તે પછી 1958માં કાલાઘોડા પાસે આવેલા ગુજરાતી સાહિત્યકાર રમણલાલ વસંતલાલ દેસાઈના વિશાળ નિવાસસ્થાન પુષ્પાબાગ ખાતે તે ખસેડવામાં આવી, જ્યાં આજેય તે ચાલે છે. સમય જતાં મ્યૂરલ, વ્યવહારુ કળા (applied art), કળા-ઇતિહાસ તથા વિવેચન અને સંગ્રહાલયવિદ્યા(museology)ના જેવા નવા વિભાગો ઉમેરાયા અને લલિતકળાના આર્કાઇવ્ઝની સ્થાપના પણ કરવામાં આવી.

આ સંસ્થાનું મહત્વનું યોગદાન તે તેણે સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં થઈ રહેલ ઔદ્યોગિકીકરણ સાથે તાલ મેળવીને કળાની શહેરી (urban) ભાષા ઉપજાવી તે છે. શાંતિનિકેતનના પૂર્વીય અને ગ્રામીણ કળાઓ પરના સુષ્ઠુ ઝોકને બદલે ‘બૉમ્બે પ્રોગ્રેસિવ આર્ટ ગ્રૂપ’ના પશ્ચિમી વલણનો તેણે સ્વીકાર કરી લીધો. આમ છતાં, શાંતિનિકેતનની સંપૂર્ણ અવગણના કરાઈ ન હતી. કે. જી. સુબ્રમણ્યમ શાંતિનિકેતનમાં નંદલાલ બોઝના શિષ્ય બિનોદ બિહારી મુખર્જી પાસે ભણ્યા હતા.

આ ફૅકલ્ટીના કળાકારોએ જે મહત્વની ભાષા નિપજાવી તે સામાન્ય રીતે ‘નૅરટિવ સ્કૂલ’ તરીકે ઓળખાય છે. નામ મુજબ જ અહીં કથાનું નિરૂપણ કરવાની નેમ હોય છે; પરંતુ આ નિરૂપણ અરૂઢ હોય છે.

ફૅકલ્ટી ઑવ્ ફાઇન આટ્ર્સે કે. જી. સુબ્રમણ્યમ, જ્યોતિ ભટ્ટ, ગુલામ મહંમદ શેખ, રતન પારીમૂ, રમેશ પંડ્યા, ગિરીશ ભટ્ટ, રાઘવ કનેરિયા, ફિરોઝ કાટપીટિયા, જ્યોત્સ્ના ભટ્ટ, વિનોદરાય પટેલ, વિનોદ શાહ, નસરીન મહમ્મદી, ધ્રુવ મિસ્ત્રી, હકુ શાહ, કુમુદ પટેલ, વી. એસ. પટેલ, ભૂપેન ખખ્ખર, વિવાન સુન્દરમ્, નીલિમા ઢઢઢા, નાગજી પટેલ જેવા રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે જાણીતા કલાકારો આપ્યાં છે :

1960ના દાયકામાં અમદાવાદમાં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇનની સ્થાપના થતાં, તેના વિકાસમાંયે ઉપર્યુક્ત ફૅકલ્ટીનું કેટલેક અંશે યોગદાન રહેલું છે.

ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સની ડીનશિપ આ કલાકારોને દર્શાવેલા સમય માટે મળી : માર્કંડ ભટ્ટ (1950થી 1959); એન. એસ. બેન્દ્રે (1959થી 1966); શંખો ચૌધરી (1966થી 1968); કે. જી. સુબ્રમણ્યમ્ (1968થી 1974); એન. બી. જોગલેકર (1974થી 1975); ડૉ. રતન પારીમૂ (1975થી 1979); જેરામ પટેલ (1979થી 1986); વી. એસ. પટેલ (1986થી (1992); પી. ડી. ધુમાલ (1992થી).

અમિતાભ મડિયા