ફૂગ

ક્લૉરોફિલરહિત, સુકોષકેન્દ્રી (cukaryotic), એકકોષી અથવા બહુકોષી, ઘણુંખરું તંતુમય સુકાય (thallus) ધરાવતા, મૃતોપજીવી (saprobes) કે પરોપજીવી (parasites) બીજાણુધારક સજીવો. તે બહુ થોડા અપવાદો બાદ કરતાં સૅલ્યુલોસ અથવા કાઇટિનની અથવા બંનેની કે અન્ય કાર્બોદિતોની બનેલી કોષદીવાલ ધરાવે છે.

મિસિતંતુ (mycelium) : તેનો સુકાય આધારતલમાં બધી દિશામાં ફેલાતા જાલમય બહુશાખિત તંતુઓનો બનેલો હોય છે. તેના પ્રત્યેક તંતુને કવકતંતુ (hypha) કહે છે. તે પાતળી પારદર્શક નલિકાકાર દીવાલ ધરાવે છે. તેની અંદરની કિનારીએ વિવિધ જાડાઈ ધરાવતો જીવરસ ચીપકેલો હોય છે. કવકતંતુઓ વડે બનતી જાલને કવકજાલ (hyphae) કહે છે અને તેના જથ્થાને મિસિતંતુ કહે છે. તે ફૂગના સુકાયનું નિર્માણ કરે છે.

મોટાભાગની તંતુમય ફૂગની કવકજાલમાં આવેલો જીવરસ અનિયમિત અંતરે આડી દીવાલો વડે વિભાજિત થાય છે. આ આડી દીવાલોને પટ (septa) કહે છે. વધારે સરળ ફૂગ પદરહિત (nonseptate) કે સંકોષી (coenocytic) હોય છે એટલે કે તે એકકોષી બહુકોષકેન્દ્રી હોય છે. અને પ્રજનન અંગોના તલમાં જ માત્ર પટ-નિર્માણ કરે છે. ઉચ્ચકક્ષાની ફૂગમાં કવકજાલ પટીય હોવાથી તે બહુકોષીય હોય છે. પટમાં આવેલું છિદ્ર સરળ અથવા ઢોલછિદ્રી (dolipore) હોય છે.

આકૃતિ 1 : કાયિક કવકજાલ : (અ) સંકોષી કવકતંતુનો ભાગ; (આ) પટીય કવકતંતુનો ભાગ.

મિસિતંતુની વૃદ્ધિ અમર્યાદિત હોવાથી તે સામાન્યત: વિસ્તૃત હોય છે. મોટાભાગે તે અલ્પકાલિક (ephemeral) હોય છે; છતાં કેટલીક જાતિઓ બહુવર્ષાયુ (perennial) હોય છે. તે શિથિલ અને મૃદુ કવકજાલ સ્વરૂપે અથવા કેટલાકમાં ચામડા જેવી સઘન અને સખત જથ્થા સ્વરૂપે જોવા મળે છે. અંત:કોષી (intracellular) પરોપજીવી ફૂગની કવકજાલ ચૂષકાંગો (haustoria) ધરાવે છે. તે વિશિષ્ટ અવશોષી અંગો હોય છે અને ગોળાકાર, લાંબાં કે શાખિત હોય છે.

આકૃતિ 2 : પરોપજીવી ફૂગનાં ચૂષકાંગો

કેટલીક ફૂગમાં કવકજાલ પરસ્પર ગાઢ રીતે ગૂંથાઈને આભાસી મૃદુતક (plectenchyma) પેશી બનાવે છે. તે કાયિક (somatic) અને પ્રાજનનિક (reproductive) રચનાઓ ઉત્પન્ન કરે છે. પીઠિકા (stroma) અને જાલાશ્મ (sclerotium) આવી કાયિક રચનાઓ છે. પીઠિકા ગાદી જેવી સઘન રચના છે. તેના પર ફલકાય (fructification) ઉત્પન્ન થાય છે. જાલાશ્મ એક સખત સુપ્ત અંગ છે; જે પ્રતિકૂળ સંજોગોનો પ્રતિકાર કરે છે અને લાંબા સમય સુધી સુષુપ્ત રહે છે. સંજોગો અનુકૂળ થતાં તે અંકુરણ પામે છે.

ફૂગનાં કેટલાંક અગત્યનાં કોષવિદ્યાકીય લક્ષણો નીચે પ્રમાણે છે :

(1) સેલ્યુલોસ અથવા કાઇટિન કે બંનેની અથવા અન્ય જટિલ કાર્બોદિતોની બનેલી કોષદીવાલ. (2) કોષદીવાલના રાસાયણિક બંધારણનું નિયમન કરતી લોમાસોમ નામની આવૃત કે અનાવૃત અંગિકાઓ; (3) સરળ અથવા ઢોલછિદ્રી પટ, (4) રસસ્તર સાથે સંપર્ક રહિત અંત:રસજાલ; (5) કોષરસમાં વીખરાયેલાં રિબોસોમ, (6) ચપટા અંત:પ્રવર્ધો(ristae)વાળાં કણાભસૂત્રો; (7) વનસ્પતિસમ અને પ્રાણીસમ રચના ધરાવતાં અને કાર્યો કરતાં ગૉલ્ગીસંકુલો; (8) રસધાનીપટલ (tonoplast) એકવડો; (9) તારાકેન્દ્ર કે ત્રાક-ધ્રુવકાય (spindle polarbodies) અથવા કોષકેન્દ્ર સંબંધિત અંગિકાઓ(nucleus associated organelles)ની હાજરી; (10) કોષકેન્દ્ર-પટલમાં આવેલાં છિદ્રો મોટાં અને 10થી 12 બાજુઓવાળાં; (11) અંત:કોષકેન્દ્રી સમસૂત્રીભાજન (endomitosis) દ્વારા કોષવિભાજન.

પોષણ : ફૂગની પોષણપદ્ધતિ ક્લૉરોફિલરહિત હોવાથી વિષમપોષી(heterotrophic)ની હોય છે. તેની કેટલીક જાતિઓ સડતા કાર્બનિક દ્રવ્યનું શોષણ કરી પોષણ પ્રાપ્ત કરે છે. તેમને મૃતોપજીવી કહે છે, જ્યારે અન્ય જાતિઓ સજીવો (વનસ્પતિઓ અને મનુષ્યસહિત પ્રાણીઓ)ને ચેપ લગાડી તેમાંથી શોષણ દ્વારા પોષક પદાર્થો પ્રાપ્ત કરે છે. આવી ફૂગને પરોપજીવી ફૂગ કહે છે. તે વાતજીવી (aerobic) અથવા અવાતજીવી (anaerobic) હોય છે. મૃતોપજીવી છતાં અન્ય સજીવને ચેપ લગાડવા માટે અસમર્થ ફૂગને સદામૃતોપજીવી (obligate saprobe) કહે છે. સંજોગો અનુસાર મૃતોપજીવન કે પરોપજીવન ગુજારી શકતી ફૂગને વૈકલ્પિક (facultative) મૃતોપજીવી કે પરોપજીવી કહે છે. જીવંત સજીવમાંથી જ માત્ર પોષણ મેળવતી ફૂગને સદાપરોપજીવી (obligate parasite) કહે છે. મૃતોપજીવન કે પરોપજીવન અવશોષી (absorptive) પોષણપદ્ધતિના પ્રકાર ગણાય છે. શ્લેષ્મી ફૂગમાં ભક્ષપોષિત (phagotrophic) પ્રકારની પોષણપદ્ધતિ જોવા મળે છે.

આકૃતિ 3 : પીઠિકા અને જાલાશ્મ

ખોરાકસંગ્રહ મેદબિંદુઓ કે ગ્લાયકોજેનની કણિકા સ્વરૂપે થાય છે. યીસ્ટમાં સંગૃહીત ખોરાક વૉલ્યુટિનની કણિકાઓના સ્વરૂપે જોવા મળે છે.

કેટલીક ફૂગ સર્વભક્ષી (omnivorous) હોય છે અને કાર્બનિક દ્રવ્ય ધરાવતા કોઈ પણ પદાર્થ પર જીવી શકે છે. Penicillium અને Aspergillusની જાતિઓ થોડાક ભેજવાળા વાતાવરણમાં પનીરથી માંડી ચામડા સુધીના પદાર્થો ઉપર થઈ શકે છે. અન્ય કેટલીક ફૂગમાં ખોરાક ચોક્કસ હોય છે. સદાપરોપજીવી ફૂગને માત્ર જીવંત જીવરસની જ જરૂર હોતી નથી; તે યજમાનની જાતિ કે ઉપજાતિ માટે વિશિષ્ટ હોય છે.

પ્રજનન : પોતાની જાતિનાં જેવાં જ લક્ષણો ધરાવતા નવા સજીવના નિર્માણની પ્રક્રિયાને પ્રજનન કહે છે. તેના મુખ્ય બે પ્રકાર છે : (1) અલિંગી (asexual) પ્રજનન અને (2) લિંગી (sexual) પ્રજનન. અલિંગી પ્રજનનને કેટલીક વાર વાનસ્પતિક (vegetative) પ્રજનન કહે છે; જેમાં કોષકેન્દ્રો, લિંગી કોષો કે લિંગી અંગોનો સંયોગ થતો નથી. લિંગી પ્રજનનમાં બે કોષકેન્દ્રોનો સંયોગ થાય છે. કેટલીક આદિકક્ષાની ફૂગમાં અલિંગી કે લિંગી પ્રજનનાંગોના નિર્માણ દરમિયાન સમગ્ર સુકાય એક કે તેથી વધારે પ્રાજનનિક રચનાઓમાં રૂપાંતર પામે છે, જેથી કાયિક અને પ્રાજનનિક અવસ્થા એકસાથે જોવા મળતી નથી. આ પ્રકારની ફૂગને પૂર્ણકાયફલિક (holocarpic) કહે છે. મોટાભાગની ફૂગમાં સુકાયના અમુક ભાગમાં પ્રજનનનાંગો ઉત્પન્ન થાય છે અને બાકીનો ભાગ સામાન્ય કાયિક પ્રક્રિયાઓ કરે છે. આ પ્રકારની ફૂગને અંશકાયફલિક (eucarpic) કહે છે. પૂર્ણકાયફલિક સ્વરૂપો અંશકાયફલિક સ્વરૂપો કરતાં ઓછું વિભેદન પામેલાં હોય છે.

આકૃતિ 4 : ફૂગમાં વિવિધ પ્રકારના બીજાણુઓ

અલિંગી પ્રજનન : જાતિનાં ઝડપી પ્રવર્ધન માટે આ પ્રકારનું પ્રજનન લિંગી પ્રજનન કરતાં વધારે મહત્વનું છે; કારણ કે તેના દ્વારા તે જાતિનાં અસંખ્ય સજીવોનું નિર્માણ થાય છે. ફૂગમાં પ્રજનન ઋતુ દરમિયાન અલિંગી ચક્ર ઘણી વાર પુનરાવર્તનો પામે છે. જ્યારે લિંગી અવસ્થા માત્ર એક જ વાર જોવા મળે છે. અલિંગી પ્રજનનની વિવિધ પદ્ધતિઓ નીચે પ્રમાણે છે : (1) અપખંડન (fragmentation) – સુકાયનો પ્રત્યેક ખંડ નવી ફૂગનું નિર્માણ કરે છે. (2) દ્વિભાજન (fission) – દૈહિક કોષના વિભાજનથી દુહિતૃકોષો ઉદભવે છે અને (3) બીજાણુનિર્માણ

(spore-formation) – બીજાણુઓના મહત્વના કેટલાક પ્રકારો નીચે મુજબ છે :

બીજાણુધાની-બીજાણુ (sporangiospores) : તેઓ એકકોષી કોથળી જેવી રચનાઓમાં ઉત્પન્ન થાય છે. તેમને બીજાણુધાનીઓ કહે છે. તેઓ વાનસ્પતિક કોષના અથવા નવી ઉદભવતી વધારે વિશિષ્ટ રચનાઓના વિભેદન દ્વારા ઉત્પન્ન થાય છે. આ રચનાઓ લાંબો દંડ કે બીજાણુધાનીધર (sporangiophore) ધરાવે છે. બીજાણુધાની- બીજાણુઓના બે પ્રકાર છે : (1) ચલબીજાણુઓ (zoospores) – તેઓ કશાધારી અને ચલિત હોય છે. (2) અચલ બીજાણુઓ (aplanospores) – તેઓ કશાવિહીન અને અચલિત હોય છે. બીજાણુધાનીમાં થોડાથી માંડી અસંખ્ય બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ સમસૂત્રીભાજન (mitosis) પ્રકારનાં વિભાજનો દ્વારા ઉત્પન્ન થતાં હોય તો તેમને સમસૂત્રી બીજાણુઓ (mitospores) કહે છે; દા.ત., મ્યુકર. જો તેમની ઉત્પત્તિ અર્ધસૂત્રીભાજન (meiosis) દ્વારા થાય તો તેમને અર્ધસૂત્રીબીજાણુઓ (meiospores) કહે છે; દા.ત., પેનિસિલિયમમાં ધાનીબીજાણુઓ (ascospores) અને બિલાડીના ટોપ(Agaricus)માં પ્રકણીબીજાણુઓ (basidiospores).

કણીબીજાણુઓ (conidia) આકાર, કદ અને રચનાની ર્દષ્ટિએ અચલબીજાણુઓ સાથે સામ્ય ધરાવે છે. છતાં તે બીજાણુધાનીમાં ઉત્પન્ન થતા નથી, પરંતુ તે સરળ કે જટિલ રચનાવાળા કણીવૃત (conidiophore) પરથી ઉદભવે છે.

લઘુઅંડાણુ (oidium) અથવા સંધિબીજાણુ (arthospores) કવકજાલના સ્વઅપખંડન(autofragmentation)ને પરિણામે ઉત્પન્ન થતા પાતળી દીવાલ ધરાવતા બીજાણુઓ છે. જો તે અંડાકાર હોય તો તેમને લઘુઅંડાણુ કહે છે. તેમની અંતિમ દીવાલો ચપટી હોય તો તેમને સંધિબીજાણુઓ કહે છે. જો આ કોષો જાડી દીવાલવાળા બને તો તેમને કંચુકબીજાણુઓ (chlamydospores) કહે છે. આ કંચુકબીજાણુઓ પ્રતિકૂળ સંજોગોમાં સુષુપ્તાવસ્થા ભોગવે છે અને અનુકૂળ સંજોગોમાં અંકુરણ પામી નવી ફૂગ ઉત્પન્ન કરે છે.

બીજાણુઓના ઉપર કહેલા મૂળભૂત પ્રકારોમાં થતાં રૂપાંતરથી તેમનાં અનેક અન્ય સ્વરૂપો ઉત્પન્ન થાય છે. બીજાણુની દીવાલમાં વિવિધ પ્રકારનાં રંજકદ્રવ્યોનું સ્થાપન થતાં તે વિવિધ રંગનાં બને છે. અલિંગી બીજાણુઓ અંકુરણનલિકા (germtube) દ્વારા અથવા સીધેસીધું અંકુરણ પામી વાનસ્પતિક મિસિતંતુ ઉત્પન્ન કરે છે.

લિંગી પ્રજનન : આ પ્રક્રિયા ત્રણ તબક્કાઓમાં વહેંચાયેલી છે : (1) જીવરસસંયોગ (plasmogamy), (2) કોષકેન્દ્રસંયોગ (karyogamy) અને (3) અર્ધસૂત્રીભાજન.

(1) જીવરસસંયોગ : આ ક્રિયા દરમિયાન બે જીવરસનું મિલન એક કોષમાં થાય છે, જેથી કોષકેન્દ્રો એકબીજાંની નજીક આવે છે.

(2) કોષકેન્દ્રસંયોગ : જીવરસસંયોગને અનુસરતા આ તબક્કા દરમિયાન નજીક આવેલાં બંને સંગત (compatible) કોષકેન્દ્રો જોડાય છે. વધારે સરળ ફૂગમાં જીવરસસંયોગ પછી લગભગ તરત જ કોષકેન્દ્રસંયોગની ક્રિયા થાય છે; પરંતુ વધારે જટિલ ફૂગમાં આ બંને તબક્કાઓ સ્થાન અને સમયના સંદર્ભમાં એકબીજાથી અલગ પડે છે; તેથી આવી ફૂગમાં જીવરસસંયોગ પછી કોષ દ્વિકોષકેન્દ્રી બને છે. આ બંને કોષકેન્દ્રો બે જુદા જુદા પિતૃઓમાંથી આવે છે. જોડમાં રહેલાં આ કોષકેન્દ્રોને કોષકેન્દ્રયુગ્મ (dikaryon) કહે છે. આ કોષકેન્દ્રયુગ્મોના એકસાથે થતાં વિભાજનોને સંયુગ્મી વિભાજન (conjugate division) કહે છે. આ અવસ્થાને દ્વિકોષકેન્દ્રી (dikaryophase) અવસ્થા કહે છે. આ અવસ્થા ફૂગના જીવનચક્રનો મોટો ભાગ રોકે છે. જુદા જુદા પિતૃઓનાં બે સંગત કોષકેન્દ્રોના સંયોગથી દ્વિગુણિત (diploid) સ્થિતિ ઉત્પન્ન થાય છે. તેને દ્વિગુણિત અવસ્થા (diplophase) કહે છે.

(3) અર્ધસૂત્રીભાજન : કોષકેન્દ્રસંયોગ પછી તરત જ અથવા અમુક નિશ્ચિત સમય બાદ અર્ધસૂત્રીભાજન થતાં રંગસૂત્રોની એકગુણિત (haploid) સ્થિતિની પુન:સ્થાપના (reestablishment) થાય છે. વાસ્તવિક (true) લિંગી ચક્ર દરમિયાન આ ત્રણેય તબક્કાઓ જીવનચક્રનાં વિશિષ્ટ બિંદુએ ચોક્કસ ક્રમમાં થાય છે; છતાં ડ્યુટેરોમાયસેટિસ વર્ગની ફૂગમાં વાસ્તવિક લિંગી ચક્ર જોવા મળતું નથી. તેના જીવનચક્ર દરમિયાન આ ત્રણ તબક્કાઓ ચોક્કસ બિંદુએ થતા નથી; તેમજ લિંગી અંગો ઉત્પન્ન થતાં નથી. આ પ્રકારના જીવનચક્રને પરાલૈંગિક (parasexual) જીવનચક્ર કહે છે અને ડ્યુટેરોમાયસેટિસમાં તેનું સર્વોપરી (paramount) મહત્વ છે; પરંતુ વાસ્તવિક અને પરાલૈંગિક જીવનચક્ર પરસ્પર વિરલ (exclusive) હોતાં નથી, કારણ કે કેટલીક ફૂગ વાસ્તવિક લિંગી ચક્ર ધરાવતી હોવા છતાં તે પરાલૈંગિકતા દર્શાવે છે.

વિષમકોષકેન્દ્રિતા (heterokaryosis) : કેટલીક ફૂગની વાનસ્પતિક કવકજાલમાં જનીનિક ર્દષ્ટિએ અસમાન કોષકેન્દ્રો જોવા મળે છે. બધા જ કોષોમાં કોષકેન્દ્ર સરખી સંખ્યામાં હોતાં નથી તેમજ તે એક પ્રકારનાં હોતાં નથી અથવા કોષકેન્દ્રો એકસરખા પ્રમાણમાં હોતાં નથી અથવા કોષકેન્દ્રોના મિશ્રણમાં એકસરખા પ્રમાણમાં હોતાં નથી. આ પરિઘટનાને વિષમકોષકેન્દ્રિતા કહે છે.

આકૃતિ 5 : ફૂગમાં લિંગીપ્રજનન : (અ) olpidiumના એકકોશીય સમજન્યુઓ; (આથી ઉ) સમયુગ્મનની અવસ્થાઓ; (ઊ) allomyces arbusculaની જન્યુધાની શાખા, જેના અગ્ર ભાગે સ્ત્રીધાની અને તેની નીચે પુંધાની છે; (ઋ) વિષમજન્યુઓ; (એ અને ઐ) Monoblepharellaમાં અંડયુગ્મન; (અં) saprolegniaમાં જન્યુધાનીય સંપર્ક; (અ:) Pyronemaમાં જન્યુધાનીય સંપર્ક.

ફૂગના જીવનચક્રમાં તેનો સુકાય કાં તો માત્ર એકગુણિત દ્વિગુણિત હોય છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધજીવી (haplobiontic) કહે છે. કેટલીક ફૂગના જીવનચક્રમાં એકગુણિત સુકાય દ્વિગુણિત સુકાય સાથે એકાંતરે ગોઠવાયેલા હોય છે. આવા જીવનચક્રને દ્વિવિધજીવી (diplobiontic) જીવનચક્ર કહે છે. ફૂગના ઉમાયસેટિસ વર્ગમાં દ્વિગુણિત મિસિતંતુ હોય છે. તેના જીવનચક્રમાં જન્યુઓ (gametes) જ માત્ર એકગુણિત હોય છે. જલીય ફૂગ (allomyces), કીટક-પરોપજીવી (coelomyces), કેટલીક યીસ્ટ અને સંભવત: પ્લાસ્મોડિયોફોરોમાયસેટિસમાં દ્વિવિધજીવી જીવનચક્ર જોવા મળે છે.

ફૂગની કેટલીક જાતિઓના પ્રત્યેક સુકાય દ્વારા નર અને માદા પ્રજનનાંગો ઉદભવે છે. આવી જાતિઓને દ્વિલિંગી  (hermophrodite) કે એકગૃહી (monoecious) કહે છે. અન્ય જાતિઓમાં નર અને માદા સુકાય જુદા જુદા હોય છે, જે અનુક્રમે નર અને માદા પ્રજનનાંગો ઉત્પન્ન કરે છે. આવી જાતિઓને દ્વિગૃહી (dioecious) કહે છે.

ફૂગનાં લિંગી પ્રજનનાંગોને જન્યુધાનીઓ (gametangia) કહે છે. તેમાં ઉત્પન્ન થતા જન્યુઓ ચલિત કે અચલિત હોય છે. આ જન્યુધાનીઓ આકારવિદ્યાકીય ર્દષ્ટિએ નર અને માદા પ્રજનનાંગો તરીકે ઓળખી શકાય તેવી ન હોય તો તેમને સમજન્યુધાનીઓ (isogametangia) કહે છે. તે આકારવિદ્યાકીય ર્દષ્ટિએ સમાન જન્યુઓ ઉત્પન્ન કરે છે. તેમને સમજન્યુઓ (isogametes) કહે છે. આકારવિદ્યાકીય ર્દષ્ટિએ અલગ ઓળખી શકાય તેવી જન્યુધાનીઓને વિષમ જન્યુધાનીઓ (heterogametangia) કહે છે. તે વિષમજન્યુઓ (heterogametes) ઉત્પન્ન કરે છે. આ વિષમજન્યુઓ અસમાન હોય છે. આવા કિસ્સામાં નર પ્રજનનાંગને પુંધાની (antheridium) અને માદા પ્રજનનાંગને અંડધાની (oogonium) કહે છે.

આકૃતિ 6 : લિંગી પ્રજનન : (અથી ઈ) મ્યુકરમાં સમજન્યુધાની સંયુગ્મન, (ઉ) pleurage anserinaમાં સ્ત્રીધાનીરોમ સહિતની રેણુપુટધાની; (ઊ) અચલપુંજન્યુ સહિતની સ્ત્રીધાનીરોમની ટોચ; (ઋ) અચલ પુંજન્યુઓનું ગુચ્છ; (એ) Ascophanusમાં કાયિક યુગ્મન.

જીવરસસંયોગ અથવા લિંગી પ્રજનન દરમિયાન બે સંગત કોષકેન્દ્રો નજીક આવે છે, જેના પ્રકારો નીચે મુજબ છે :

(1) જન્યુક સંયુગ્મન (gametic copulation), (2) જન્યુધાનીય સંપર્ક (gametangial contact = gametangy), (3) જન્યુધાનીય સંયુગ્મન (gametangiogamy = gametangial copulation), (4) અચલપુંજન્યુ યુગ્મન (spermatization) અને (5) કાયિક યુગ્મન (somatogamy).

જન્યુક સંયુગ્મન દરમિયાન જન્યુધાનીમાં ઉત્પન્ન થયેલા એકકોષી સમ કે વિષમજન્યુઓનો સીધેસીધો સંયોગ થાય છે; દા.ત., olpidium (સમયુગ્મન – isogamy), Allomyces arbuscula (અસમયુગ્મન – anisogamy), Monoblepharella (અંડયુગ્મન).

જન્યુધાનીય સંપર્ક દરમિયાન બંને જન્યુધાનીઓ એકબીજાના સંપર્કમાં આવે છે. સંપર્કસ્થાનેથી તેમની સામાન્ય દીવાલો દ્રવી જતાં એક પથ અથવા ફલનનલિકા (fertilization tube) ઉદ્ભવે છે. પુંધાનીનું સમગ્ર દ્રવ્ય આ પથ કે ફલનનલિકા દ્વારા અંડધાનીમાં પ્રસરણ પામે છે. બંને જન્યુધાનીઓનું કદી યુગ્મન થતું નથી અથવા તે તેમની ઓળખ (identity) ગુમાવતી નથી. મોટાભાગના કિસ્સાઓમાં પુંધાનીના સમગ્ર દ્રવ્યનું સુઆયોજિત પુંજન્યુઓમાં વિભેદન થતું નથી; પરંતુ તેઓ બહુકોષકેન્દ્રી જીવરસના જથ્થા સ્વરૂપે જ રહે છે; દા.ત., saprolegnia, pyronema.

જન્યુધાનીય સંયુગ્મન દરમિયાન બંને જન્યુધાનીની દીવાલો સંપર્કસ્થાનેથી દ્રવી જતાં એક કોષ બને છે અને તેમના જીવરસ પરસ્પર જોડાઈ જાય છે. બંને જન્યુધાનીઓની ઓળખ તદ્દન રહેતી નથી; દા.ત., Mucor.

અચલપુંજન્યુયુગ્મન દરમિયાન કેટલીક ફૂગમાં બીજાણુઓ જેવા સૂક્ષ્મ, એકકોષી અને એકકોષીકેન્દ્રી રચનાઓ ઉદભવે છે; જેમને અચલપુંજન્યુઓ (spermatia) કે લઘુકણી બીજાણુઓ (microconidia) કહે છે. આ રચનાઓનું કીટકો, પવન કે પાણી દ્વારા વહન ગ્રાહક કવકતંતુ (receptive hypha) અથવા સ્ત્રીધાનીરોમ (trichogyne) પ્રતિ થાય છે. સંપર્ક-સ્થાનની દીવાલો દ્રવી જતાં અચલ પુંજન્યુઓના દ્રવ્યનું વહન થાય છે અને દ્વિકોષકેન્દ્રિતાની સ્થાપના થાય છે. આ પ્રક્રિયાને અચલપુંજન્યુયુગ્મન કહે છે; દા.ત., Pleurage anserina.

કાયિક યુગ્મન દરમિયાન કવકજાલના વિભેદનરહિત વિભિન્ન પૈતૃક વાનસ્પતિક કોષોનું જોડાણ થાય છે અને દ્વિકોષકેન્દ્રી સ્થિતિ પ્રાપ્ત થાય છે; દા.ત., Ascophanus.

વર્ગીકરણ અને જાતિવિકાસ (phylogeny) : વર્ગીકરણની એક પદ્ધતિ અનુસાર ફૂગ વનસ્પતિસૃષ્ટિનો એક વિભાગ (division) બનાવે છે. આ વિભાગને 8 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે : ચિટ્રિડિયોમાયસેટિસ, હાઇફોચિટ્રિડિયોમાયસેટિસ, પ્લાસ્મોડિયોફોરોમાયસેટિસ, ઉમાયસેટિસ, ઝાયગોમાયસેટિસ, ટ્રાઇકોમાયસેટિસ, ઍસ્કોમાયસેટિસ, બેસિડિયોમાયસેટિસ અને અન્ય બે વર્ગો – ડ્યુટેરોમાયસેટિસ અને લાઇકેન. પ્રથમ 6 વર્ગો માટે સામૂહિક રીતે ‘ફાઇકોમાયસેટિસ’ શબ્દ વપરાય છે. કેટલાક ફૂગવિજ્ઞાનીઓ ફૂગમાં મિક્સોમાયસેટિસ (માયસેટોઝુઆ અથવા મિક્સોમાયકોફાઇટા) વર્ગ ઉમેરે છે.

સી. જે. ઍલેક્સોપાઉલોસ અને સી. ડબ્લ્યૂ. મિમ્સે (1979) શ્લેષ્મી ફૂગ સહિત બધી ફૂગને ‘માયસેટી’ નામની સૃષ્ટિમાં મૂકી નીચે પ્રમાણેની વિવિધ કક્ષાઓમાં તેનું વર્ગીકરણ કર્યું છે :

વિભાગ I : જિમ્નોમાયકોટા

ઉપવિભાગ 1 ઍક્રેસિયોજિમ્નોમાયકોટિના
       વર્ગ 1 ઍક્રેસિયોમાયસેટિસ.
ઉપવિભાગ 2 પ્લાસ્મોડિયોજિમ્નોમાયકોટિના
       વર્ગ 1 પ્રોટોસ્ટેલિયોમાયસેટિસ
           2 મિક્સોમાયસેટિસ
ઉપવર્ગ 1 : સૅરેશિયોમિક્સોમાયસેટિડી
2 : મિક્સોગેસ્ટ્રોમાયસેટિડી
3 : સ્ટૅમોનાઇટોમાયસેટિડી

વિભાગ II : મૅસ્ટીગોમાયકોટા

ઉપવિભાગ 1 હેપ્લોમૅસ્ટીગોમાયકોટિના
       વર્ગ 1 ચિટ્રિડિયોમાયસેટિસ
            2 હાઇફોચિટ્રિડિયોમાયસેટિસ
            3 પ્લાસ્મોડિયોફોરોમાયસેટિસ
ઉપવિભાગ 2 ડિપ્લોમૅસ્ટીગોમાયકોટિના
       વર્ગ 1 ઉમાયસેટિસ

વિભાગ III : ઍમેસ્ટીગોમાયકોટા

ઉપવિભાગ 1 ઝાયગોમાયકોટિના
       વર્ગ 1 ઝાયગોમાયસેટિસ
            2 ટ્રાઇકોમાયસેટિસ
ઉપવિભાગ 2 ઍસ્કોમાયકોટિના
       વર્ગ 1 ઍસ્કોમાયસેટિસ
ઉપવર્ગ 1 : હેમીઍસ્કોમાયસેટિડી
         2 : પ્લેક્ટોમાયસેટિડી
         3 : હાઇમેનોઍસ્કોમાયસેટિડી
         4 : લૅબાલ્બેનિયોમાયસેટિડી
         5 : લોક્યુલોઍસ્કોમાયસેટિડી
ઉપવિભાગ 3 બૅસિડિયોમાયકોટિના
       વર્ગ 1 બૅસિડિયોમાયસેટિસ
ઉપવર્ગ 1 : હોલોબેસિડિયોમાયસેટિડી
         2 : ફ્રેગ્યોબૅસિડિયોમાયસેટિડી
         3 : ટેલિયોમાયસેટિડી
ઉપવિભાગ 4 ડ્યુટેરોમાયકોટિના
       વર્ગ 1 ડ્યુટેરોમાયસેટિસ
ઉપવર્ગ 1 : બ્લાસ્ટોમાયસેટિડી
        2 : સિલોમાયસેટિડી
        3 : હાઇફોમાયસેટિડી

ફૂગના જાતિવિકાસ (phylogeny) માટેનો સૌથી સ્વીકૃત સિદ્ધાંત એકસ્રોતોદભવી (monophyletic) ઉત્ક્રાંતિની સંકલ્પના પર આધારિત છે. તે મુજબ નીચલી કક્ષાની ફાઇકોમાયસેટિસ ફૂગનો ઉદભવ. કશાધારી લીલ અથવા પ્રજીવ પૂર્વજમાંથી થયો અને ઉત્ક્રાંતિ દરમિયાન ઉચ્ચ કક્ષાની ફાઇકોમાયસેટિસ, ઍસ્કોમાયસેટિસ અને બૅસિડિયોમાયસેટિસનો ક્રમિક ઉદભવ થયો. એવું માનવામાં આવે છે કે ફાઇકોમાયસેટિસની બીજાણુધાનીમાંથી ધાની (ascus) ઉદભવી અને તેમાંથી પ્રકણીધર(basidium)ની ઉત્ક્રાંતિ થઈ.

બીજો સિદ્ધાંત ફૂગના બહુસ્રોતોદભવી (polyphyletic) જાતિવિકાસને પ્રસ્થાપિત કરે છે. તે મુજબ નીચલી કક્ષાની ફાઇકોમાયસેટિસ કશાધારી હરિત લીલમાંથી અને ઍસ્કોમાયસેટિસ લાલહરિતલીલની શ્રેણી ફ્લોરિડી જેવા પૂર્વજોમાંથી સ્વતંત્રપણે ઉદભવી છે. ફાઇકોમાયસેટિસમાંથી અન્ય કોઈ જૂથ ઉત્પન્ન થયું નથી; પરંતુ ઍસ્કોમાયસેટિસમાંથી બૅસિડિયોમાયસેટિસનો ઉદભવ થયો. આ બંને સિદ્ધાંતના સમર્થકો ફૂગને વનસ્પતિસૃષ્ટિમાં ર્દઢ માન્યતા સાથે મૂકે છે.

વનસ્પતિઓને થતા ફૂગજન્ય રોગો : કેટલીક આર્થિક અગત્યના પાક પર નભતી પરોપજીવી ફૂગ છે. તે રોગો ઉત્પન્ન કરી ગંભીર પરિણામો લાવે છે. એવું માનવામાં આવે છે કે વનસ્પતિ-રોગો અને અપતૃણો દ્વારા કૃષિવિદ્યાકીય રીતે ઓછા પ્રગતિશીલ દેશોમાં પાકને લગભગ 10 % કે તેથી વધારે નુકસાન પહોંચે છે. વનસ્પતિને થતા કેટલાક રોગો વિશેની માહિતી સારણી 1માં આપેલી છે :

આકૃતિ 7 : ફૂગનાં મુખ્ય જૂથો વચ્ચે રહેલા સંભવિત જાતિવિકાસી સંબંધો

 

સારણી 1 : કેટલાક પાકોને થતા ફૂગજન્ય રોગો

ક્રમ

રોગજનક ફૂગનું નામ રોગનું નામ

પાકનું નામ

 1. Pythium de Baryanum P. aphanidermatum (Edson) Fitz. આર્દ્ર પતન (damping off) તમાકુ, મૂળો, કોબીજ, અશેળિયો ટામેટાં
 2. P. aphanidermatum (Edson) Fitz. પાદવિગલન (foot-rot) પપૈયું
 3. P. aphanidermatum (Edson) Fitz. પોચો સડો આદુ
 4. Phytophthora infestans (mont.) de Bary. આગોતરો અને પાછોતરો સુકારો (early and late blight) બટાટા
 5. Sclerospora graminicola (Sacc.) Schroet. લીલા કણસલાનો રોગ (green ear disease) કે તળછારો (downy mildew) બાજરી
 6. Plasmopara viticola (Berk. & Curt.) Berlse & de Toni તળછારો દ્રાક્ષ
 7. Albugo candida Kuntz. સફેદ ગેરુ રાઈ, મૂળો, સલગમ, કોબીજ
 8. Taphrina deformans વાંકડિયાં પાન (Berk.) Tulsane આલુ (peach) (leaf curt)
 9. Aspergillus niger Van Tiegh ફળનો પોચો સડો સફરજન
10. Erysiphe graminis Dc. ભૂકી છારો (powdery mildew) ઘઉં, જવ
11. Claviceps purpurea (Fr) Tul. મધિયાનો રોગ (honey dew) અર્ગટ (ergot) ઘઉં, જવ, રાય
12. Mycosphaerella rabiei Kov. સુકારો ચણા
13. Helminthosporium oryzae Breda de haan. પાનનાં ટપકાં (leaf-spot) ચોખા
14. Sclerotina Sclerotiorum થડનો સડો તમાકુ
15. Ustilago tritici (Pers.) Rostr. અંગારિયો ઘઉં
16. U. hordei (Pers.) Lagerheim આવૃત અંગારિયો જવ
17. U. Scitaminea sydow અંગારિયો શેરડી
18. U. maydis (DC.) Cda. અંગારિયો મકાઈ
19. Sphacelotheca sorghi (Link.) clin ton. દાણાનો અંગારિયો જુવાર
20. Tolyposporium penicillariae Brefeld અંગારિયો બાજરી
21. Puccinia graminis Pers. કાળો ગેરુ ઘઉં
22. P. triticiana Erikss બદામી ગેરુ ઘઉં
23. P. glumurum (Schmidt) Erikss & Henn. પીળો ગેરુ ઘઉં
24. Melamspora lini (Pers.) Lev. ગેરુ અળસી
25. Exobasidium vexans Massee ઉત્સ્ફોટ (blister) સુકારો ચા
26. Pellicularia Koleroga Cooue સડો કૉફી
27. Alternaria solani (Ell. & Mart.) Jones & Grent. આગોતરો સડો બટાટા, મરચી
28. Cercospora archidicola Hori & ever C. Personata (Berket. Curt) Ell. પાનનાં ટપકાં અથવા ‘ટીક્કા’નો રોગ મગફળી
29. Fusarium oxysporum F. Sp. સુકારો કપાસ
30. Macrophomina Phaseoli (Maubl.) Ashby. થડ અને મૂળનો સડો કપાસ, શણ, મગફળી, મગ

મનુષ્ય અને પ્રાણીઓને થતા ફૂગજન્ય રોગો : મનુષ્યને રોગ લાગુ પાડતી ફૂગની જાતિઓ મર્યાદિત છે અને મોટાભાગની ડ્યુટેરોમાયસેટિન વર્ગની અને થોડીક ઍસ્કોમાયસેટિસની છે. કેટલીક ફૂગ ચર્મરોગો ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. તે ત્વચાનાં કૅરેટિનયુક્ત સ્તરોમાં પ્રવેશી વાળ, નખ, પીંછાં, ખરી અને શિંગડાંની રચનામાં ફેરફારો ઉત્પન્ન કરે છે; જેથી વાળનો ખોડો, ઉંદરી, ખરજવું, દાદર, ધોબીની ખૂજલી, હજામની ખૂજલી, પગની દરાજ (athlete’s foot), પરિસર્પ (herpes), ફેવસ કે કેરિયૉન થાય છે. આ રોગો માટે Tricholphyton, Microsporum અને Epidermophytum નામની પ્રજાતિઓ જવાબદાર છે. Candida albicans (Robin.) Berkhout દ્વારા છાલા(thrush)નો રોગ થાય છે; તેને મોનિલિયેસિસ કહે છે. આ ફૂગ દ્વારા મુખ, ત્વચા, નખ (પૅરોનિકિયા), શ્વાસનલિકાઓ કે ફેફસાંમાં ચાંદાં પડે છે.

હવામાં રહેલા ફૂગના બીજાણુઓ કે કણીબીજાણુઓ શ્વસનતંત્ર દ્વારા શરીરમાં દાખલ થઈ વિવિધ પ્રકારના સર્વાંગી (systemic) રોગો ઉત્પન્ન કરે છે. Blastomyces dermatitidis Gilchrist & stokes અને B. brasiliensis અનુક્રમે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં સ્થાનિક છે. તેમના દ્વારા થતા બ્લાસ્ટોમાયકોસિસના (1) સર્વાંગી અથવા પરિક્ષેપિત (disseminated) અને, (2) ત્વચીય (cutaneous)  એમ બે પ્રકારના ચેપ ઓળખવામાં આવ્યા છે. આ રોગોમાં ફેફસાં, મૂત્રપિંડ અને ત્વચા પર સોજો આવી પરુ થાય છે.

રહીનોસ્પોરિડિયેસિસ ત્વચા, આંખો અને કાનના શ્લેષ્મપટલને થતો ચેપ છે; જે Rhinosporidium seeberi (Wernicke) Seeber. દ્વારા થાય છે. તેનું સંચારણ કંઠનળી, સ્વરપેટી, જનનાંગો અને મળાશયમાં પણ થાય છે. Sporotrichumથી સ્પોરોટ્રાઇકેસિસ અને Histoplasmaથી હિસ્ટોપ્લાસ્મોસિસ થાય છે.

આકૃતિ 8 : વિક્ષત (lesions) ચહેરાવાળા આ દર્દીમાંથી Cercospora apiiનું અલગીકરણ કરવામાં આવ્યું છે.

કેટલીક ફૂગના બીજાણુઓ અતિસંવેદનશીલ તત્વો દ્વારા ઍલર્જી કરે છે. કપાસની ફૅક્ટરીમાં કામ કરતા લોકોમાં બિસિનોસિસ; ખાંડ-શેરડીની ફૅક્ટરીમાં કામ કરતા મજૂરોને ઇક્ષુધૂલિમયતા (baggosis) અને કાપડની મિલોમાં કામ કરતા કામદારોને ન્યૂમોકોકોસિસ (pneumococcosis) નામના ઍલર્જિક રોગો થાય છે. ખેતરમાં કામ કરતા ખેતમજૂરોના પગના તળિયે દાણાદાર કણીઓનાં ચિહ્નો ધરાવતો મદુરાકવકતા (maduromycosis) થાય છે.

કેટલીક ફૂગ વિશિષ્ટ પ્રકારના વિષજન્ય પદાર્થો ઉત્પન્ન કરે છે; જે ખોરાકમાં ભળવાથી વિવિધ પ્રકારની ફૂગવિષતા (mycotoxicosis) સર્જાય છે; દા.ત., Aspergillus flavus અનાજના દાણાઓ પર આલ્ફા-વિષ (આલ્ફા – toxin) ઉત્પન્ન કરે છે; જે ખાવાથી યકૃતનું કૅન્સર થાય છે.

Aspergillas જેવી ફૂગના બીજાણુઓ દ્વારા ક્ષય જેવા રોગનાં ચિહ્નો ધરાવતો ઍસ્પરજિલોસિસ નામનો રોગ થાય છે.

અન્ય ફૂગ, સૂક્ષ્મ પ્રાણીઓ, સૂત્રકૃમિઓ અને કીટકોને થતા ફૂગજન્ય રોગો : કેટલીક ફૂગ વનસ્પતિઓને રોગ લાગુ પાડતી ફૂગ સહિત અન્ય ફૂગ પર આક્રમણ કરે છે; તેથી તેનો ઉપયોગ પરોપજીવી ફૂગને મારવા કરી શકાય છે (જૈવિક નિયંત્રણ); દા.ત., Darluca filum (Biv.) Cast. ધાન્ય પર થતા વિવિધ પ્રકારના ગેરુ પરની અતિપરજીવી (hyper-parasite) ફૂગ હોય છે.

મોટાભાગની પરભક્ષી (preducious) ફૂગનો સમાવેશ ઝૂપેગેસી (વર્ગ-ઝાયઝોમાયસેટિસ) અને મોનિલિયેસી (ડ્યુટેરોમાયસેટિસ) કુળમાં થાય છે. ઝૂપેગેસી કુળની ફૂગ સામાન્યત: અંત:જંતુક (endozoic) અને જંતુભક્ષી હોય છે. અંત:જંતુક ફૂગ મુખ્યત્વે પ્રજીવ સમુદાયનાં પ્રાણીઓ પર આક્રમણ કરે છે. બીજાણુઓ કાં તો યજમાનને ચોંટે છે અથવા તેનું અંત:ગ્રહણ (ingestion) થાય છે. જંતુભક્ષી ફૂગ ભૂમિનિવાસી (terricolous) અમીબાની જાતિઓનું ભક્ષણ કરે છે. કેટલીક મોટી ફૂગના મિસિતંતુ ચીકણા સ્રાવ દ્વારા ઇલવૉર્મને પકડે છે અને ચૂષકાંગોની મદદથી પકડાયેલા પ્રાણીના દ્રવ્યનું શોષણ કરે છે. મોનિલિયેસી કુળની મોટાભાગની પરભક્ષી ફૂગ સૂત્રકૃમિઓ ઉપર આક્રમણ કરે છે. Arthrobotrys, Dactylella અને Dactylariaની જાતિઓ પરભક્ષિતા સાથે સંકળાયેલી છે. શ્લેષ્મી કવકના પાશ (loop) અને જાલ, શ્લેષ્મી કંદુકો (knobs) કે શાખાઓ, અસંકોચનશીલ કવકવલયો (hyphal rings) જેવાં અંગો દ્વારા જીવંત ભક્ષ્ય સ્વયં ફસાય છે.

કીટકજાત (entomogenous) ફૂગ ખોરાકની બાબતમાં પુષ્કળ વૈવિધ્ય દર્શાવે છે. કેટલીક ફૂગ માત્ર જીવંત કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે; જ્યારે અન્ય ફૂગ અપમાર્જક (scavenger) તરીકે સંપૂર્ણપણે નભે છે. Empusa muscae Cohn. બહોળું વિતરણ ધરાવે છે અને સામાન્ય ઘરમાખી પર આક્રમણ કરે છે. Metarrhizium

આકૃતિ 9 : અ. Dactylaria brochopagaના કવકપાશમાં સપડાયેલું સૂત્રકૃમિ; આ. D. candidaની કવકજાલમાં ફસાયેલા કેટલાક સૂત્રકૃમિઓ. આ સૂત્રકૃમિઓમાં ફૂગની કવકજાલ દેખાય છે. આ કવકજાલમાં શ્લેષ્મીકંદુકો પણ છે.

anisopliae (metsch.) sorokin. મુંબઈ અને ચેન્નઈમાં તીતીઘોડાના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાય છે. Aspergillus flavus Link. રણમાં થતાં તીડ (Schistocera gregaria Forsk. માટે રોગજનક છે.

ખાદ્ય (edible) ફૂગ : કેટલીક ફૂગ ઘણા જૂના સમયથી ખોરાકના એક ખાસ પ્રકાર તરીકે મૂલ્ય ધરાવે છે. ખાદ્ય ફૂગમાં વિશિષ્ટ સોડમ હોય છે અને ખોરાકને સુશોભિત કરવા માટે ઉપયોગમં લેવાય છે. ખાદ્ય મશરૂમનું યુરોપ અને અમેરિકા જેટલું બહોળું વાવેતર ભારતમાં થતું નથી.

ભારતમાં થતી કેટલીક અગત્યની ખાદ્ય મશરૂમનું પોષણમૂલ્ય સારણી 2માં આપવામાં આવેલ છે :

સારણી 2 : વિવિધ પ્રકારની મશરૂમનું પોષણ મૂલ્ય

ક્રમ

વૈજ્ઞાનિક નામ ભેજ % પ્રોટીન % કાર્બોદિત % મેદ %

ભસ્મ %

1. Agaricus campestris 95.2 2.74 1.6 0.37 0.15
2. Collybia albuminosa (શુષ્ક) 12.8 14.8 અતિ અલ્પ
3. Hydnum repandum 92.68 1.79 3.41 0.23 0.69
4. Lentinus exilis 71.71 4.52 21.97 0.60 1.20
5. L. Squarrosulsus 70.77 2.44 24.24 0.99 1.56
6. Lepiota cepaestipes 79.19 4.81 13.38 0.60 2.02
7. Lycoperdon spp. 93.85 2.2 1.35 0.56 0.92
8. Morchella esculenta 89.07 3.59 5.73 0.27 1.34
9. Pleurotus ostreatus 73.70 3.94 19.92 0.84 1.60
10. Polyporus sulphreus 70.80 6.00 20.14 0.93 2.13
11. Volvaria terastria (શુષ્ક) 2.28 અતિ અલ્પ 0.18

મશરૂમની ભસ્મમાં મુખ્યત્વે પોટૅશિયમના ક્ષારો અને ફૉસ્ફેટ હોય છે. ખેતરાઉ મશરૂમ (Agaricus campestris) પ્રજીવક ‘બી’ સંકુલ (નિકોટિનિક ઍસિડ – 5.85; રિબોફ્લેવિન – 0.52; પૅન્ટોથેનિક ઍસિડ – 2.38; બાયોટિન – 0.018 અને થાયેમિન – 0.12 મિગ્રા./100 ગ્રા.), પ્રજીવક ‘સી’, પ્રજીવક ‘કે’ અને પ્રજીવક ‘ડી’નો સુંદર સ્રોત ગણાય છે અને તે સંસાધિત (processed) કે રાંધેલી સ્થિતિમાં સારી રીતે જળવાય છે. તે ઍમાઇલેઝ, માલ્ટેઝ, ગ્લાયકોજિનેઝ, પ્રોટિયેઝ, કૅટાલેઝ, ટાયરોસિનેઝ, ફૉસ્ફોમૉનોઍસ્ટરેઝ, પૉલિફૉસ્ફેટેઝ, પૉલિફિનોલ ઑક્સિડેઝ અને ડિહાઇડ્રૉપેપ્ટિડેઝ I અને II જેવા ઉત્સેચકો પણ ધરાવે છે.

યીસ્ટ(sacchromyces)ની જાતિઓ પ્રોટીન ધરાવતી હોવાથી તેમનો પણ ખોરાક તરીકે ઉપયોગ થાય છે. ઉપરાંત પેટ્રોલિયમના કચરા પર તેનું સંવર્ધન કરી એકકોષી પ્રોટીન(single cell protein)નું ઔદ્યોગિક પાયા પર ઉત્પાદન કરવામાં આવે છે. Torula નામની યીસ્ટમાંથી એકકોષી તેલ પ્રાપ્ત કરવામાં આવે છે. આ તેલના પ્રાશનથી ચરબીનું પ્રમાણ વધતું નથી. તેથી હૃદયરોગના દર્દી માટે તે આશીર્વાદરૂપ છે.

ડેરીઉદ્યોગમાં પનીર બનાવવા માટે Penicillium roqueforti ફૂગનો ઉપયોગ કરી તેમાં વિશિષ્ટ પ્રકારની સુવાસ પેદા કરવામાં આવે છે.

યીસ્ટ અને મોલ્ડ દ્વારા શર્કરાયુક્ત પદાર્થોમાંથી અનેક પ્રકારના આસવો (wines) મેળવવામાં આવે છે. આ આસવોમાં માદક દ્રવ્ય આલ્કોહૉલનું પ્રમાણ સાવ ઓછું હોવાથી તેનો ઉપયોગ પીણા તરીકે કરવામાં આવે છે.

ફૂગની ઔદ્યોગિક ઉપયોગિતા : કેટલીક ફૂગનો ખોરાકનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં પુષ્કળ ઉપયોગ થાય છે. અન્ય ફૂગનો ઉપયોગ કાર્બનિક ઍસિડ અને ઔદ્યોગિક ઉત્સેચકોના ઉત્પાદન માટે થાય છે. ઔદ્યોગિક ર્દષ્ટિએ અગત્યની પ્રજાતિઓમાં Aspergillus, Penicillium, Rhizopus, Mucor અને Saccharomycesનો સમાવેશ થાય છે. ફૂગ દ્વારા ઉત્પાદિત કાર્બનિક ઍસિડની માહિતી સારણી 3માં દર્શાવવામાં આવી છે.

સારણી 3 : ફૂગ દ્વારા ઉત્પાદિત કાર્બનિક ઍસિડ અને તેમના ઉપયોગો

ક્રમ ઉત્પાદક ફૂગનું નામ કાર્બનિક ઍસિડ ઉપયોગ
1. Aspergillus niger Penicillium luteum zukal; P. citrinum Thom. Mucor Pyriformis Fischer. Ustulina Vulgaris Tal. સાઇટ્રિક ઍસિડ ખાદ્ય-ઉદ્યોગ, ઠંડાં પીણાંની બનાવટ, સૌંદર્ય-પ્રસાધનો, કાપડઉદ્યોગ અને સિમેન્ટમાં
2. Rhizopus oryzae લૅક્ટિક ઍસિડ બેકરી તેમજ ખોરાકની જાળવણી, પાંડુરોગની ચિકિત્સા, શાહી-ઉત્પાદન અને ચર્મ-ઉદ્યોગમાં
3. Rhizopus nigricans ફ્યુમેરિક ઍસિડ આલ્કલીય રાળ (resin) અને ભીંજક પદાર્થોની બનાવટમાં
4. Aspergillus niger ગ્લુકોનિક ઍસિડ ઔષધ તરીકે, ઠંડાં પીણાં, સૌંદર્ય-પ્રસાધનની બનાવટ અને ફોટોગ્રાફીમાં
5. Aspergillus gallomyces calmette ગૅલિક ઍસિડ કોતરકામ, ચર્મશોધન (tanning), છાપકામ અને રંગરસાયણમાં
6. Aspergillus terreus ઇટાકૉનિક ઍસિડ પ્લાસ્ટિક ઉદ્યોગમાં અને કૃત્રિમ રેસાની બનાવટમાં
7. Aspergillus flavus કૉજિક ઍસિડ કીટાણુનાશક તેમજ પ્રતિજૈવિક તરીકે
8. Ustilago zei યુસ્ટિલેજિક ઍસિડ અત્તર-ઉદ્યોગમાં
9. Fusarium moniliforme Gibberella fujikuroi જિબરાલિક ઍસિડ (જિબરેલિન) વૃદ્ધિ અંત:સ્રાવ તરીકે, વનસ્પતિમાં ફળ અને બીજમાં વિપુલ ઉત્પાદન માટે

ઉત્સેચકોનું ઉત્પાદન : ફૂગ દ્વારા ઉત્પાદિત ડાયાસ્ટેઝ, ઇન્વર્ટેઝ, પ્રોટિયેઝ અને  પૅક્ટિનેઝ જેવા ઉત્સેચકો આર્થિક મહત્ત્વ ધરાવે છે. Aspergillus flavus oryzae જૂથની ફૂગનો ઉપયોગ ઉત્સેચકોના ઉત્પાદન માટે પુષ્કળ પ્રમાણમાં થાય છે.

આકૃતિ 10 : ખાદ્ય અને ઝેરી મશરૂમ :
ઉપર : Cantharellus cibarius,
Morchella esculenta.
નીચે : Agaricus campestris
Amamita phalloides.

સારણી 4 : ફૂગ દ્વારા ઉત્પાદિત ઉત્સેચકો અને તેમના ઉપયોગો
ક્રમ ફૂગનું નામ ઉત્સેચકનું નામ ઉપયોગો
1. Aspergillus flavus- oryzae Rhizopus ઍમાઇલેઝ કાપડ અને બેકરી ઉદ્યોગમાં
2. Aspergillus niger, Canadida spp. લિપેઝ ઔદ્યોગિક કચરાની માવજત માટે
3. Rhizopus Saccharomyces Aspergillus, Penicillium, Mucor પ્રોટિયેઝ ચર્મશોધન અને ગુંદરના ઉત્પાદનમાં
4. Trichoderma, Aspergillus સૅલ્યુલેઝ
5. Aspergillus niger ગ્લુકોઝ-ઑક્સિડેઝ લોહીમાં ગ્લુકોઝના અનુમાપન માટે.
6. Aspergillus oryzae, Saccharomyces, Saprolegnia ડાયાસ્ટેઝ કાપડઉદ્યોગમાં અને ઔષધની બનાવટમાં
7. Saccharomyces, candida, Aspergillus, Mucor, Penicillium ઇન્વર્ટેઝ મીઠાઈ, ચૉકલેટ વગેરેની બનાવટમાં અને કૃત્રિમ મધના ઉત્પાદનમાં
8. Aspergillus, flavus- oryzae Fusarium, Penicillium, notatum, P. glaucam, Rhizopus tritici પૅક્ટિનેઝ ફળોના રસના નિષ્કર્ષણમાં

મેદ-ઉત્પાદન : Penicillium javanicum (ઉત્પાદન : મિસિતંતુના વજનના 41.5%) અને stysanus spp. (ઉત્પાદન : 45%), Aspergillus nidulens અને Endomyces દ્વારા મેદનું ઉત્પાદન ઔદ્યોગિક કક્ષાએ કરવામાં આવે છે. Oidium lactis અને Mucor mucedoમાં પણ સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે.

પ્રજીવકોનું ઉત્પાદન : પ્રજીવક ‘ડી’ના પૂર્વગ અગૉસ્ટૅરોલનું ઉત્પાદન Aspergillus અને Penicilliumની જાતિઓ દ્વારા થાય છે. પ્રજીવક ‘સી’ Aspergillus nigerની ચયાપચયિક (metabolic) નીપજ છે. Ashbya gossypii અને Erethecium દ્વારા પ્રજીવક ‘બી2’નું ઉત્પાદન કરવામાં આવે છે. Blakeslea trisporaના નર અને માદા પ્રભેદના સંયુગ્મનથી પ્રાપ્ત થતા કોષોનો ઉપયોગ β-કૅરોટિન(પ્રજીવક ‘એ’નો પૂર્વગ)ના આથવણમાં કરવામાં આવે છે.

કેટલીક ફૂગને પોતાની સામાન્ય વૃદ્ધિ અને વિકાસ માટે વિશિષ્ટ પ્રજીવકોની આવશ્યકતા હોય છે અને તેથી તેમનો ઉપયોગ પ્રજીવકની સાંદ્રતાના પરિમાપન માટે કરવામાં આવે છે; દા.ત., Phycomyces blakesleeanus Burgeff. પ્રજીવક ‘બી1’ની હાજરીમાં જ વૃદ્ધિ પામે છે.

ઔષધોનું ઉત્પાદન : કેટલીક ફૂગ દ્વારા ઉત્પન્ન થતી ચયાપચયિક નીપજો બૅક્ટેરિયા અને અન્ય રોગજનક સૂક્ષ્મજીવોની વૃદ્ધિનો અવરોધ કરે છે અથવા તેમનો નાશ કરે છે. આવી નીપજોને પ્રતિજૈવિકો (antibiotics) કહે છે. Penicillium notatumમાંથી પેનિસિલીન નામનું પ્રતિજૈવિક ઔષધ પ્રાપ્ત કરવામાં આવે છે; જે મનુષ્યને બૅક્ટેરિયા દ્વારા થતા અનેક રોગોની ચિકિત્સામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ફૂગમાંથી બનાવાતાં અન્ય કેટલાંક જાણીતાં પ્રતિજૈવિક ઔષધો નીચે પ્રમાણે છે :

સિટ્રિનિન (Penicillium citrinum, P. lividum, Aspergillus niveus, A. terreus), ક્ટિોમિન (Chaetomium cochlioides),  ઍસ્પર્જિલિક ઍસિડ (Aspergillus flavus), ઍપેનાસિન (Fusarium avenaceum), કૅન્ડિડ્યુલિન (Aspergillus candidus), ક્લેવેસિન અથવા પૅટુલિન (Aspergillus clavatus અને Penicillium spp.), એન્નીએટિન ‘એ’ અને ‘બી’ (Fusarium spp.), ફ્યુમિગેસિન (Aspergillus fumigatus), ફુસિન (Oidiodendron fuscum), ગ્રિસિયોફલ્વિન (Penicillium griseofulvum), સ્પિન્યુલોસિન (P. spinulosum, A. fumigatus), ટ્રાઇકોથેસિન (Trichothecium roseum), વિરિડિન (Trichoderma vididae), ક્લાઇટોસાયબીન (Clitocybe gigantia), પૉલિપોરિન (Polystichus sanguinus).

Claviceps purpurea (Fr.) Tul.માંથી મળતું અગૉટેમિન, અર્ગોમેટ્રિન અને અર્ગાનોવિન જેવાં ઍલ્કેલૉઇડ સ્નાયુસંકોચનની પ્રક્રિયાનું નિયમન કરે છે. તેથી સ્ત્રીને પ્રસૂતિ સરળતાથી થાય તે માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે.

ફૂગમાંથી પ્રાપ્ત કરવામાં આવતા ઉત્સેચકો પાચનમાર્ગના રોગો અને અન્ય રોગોમાં વપરાય છે. A. flavus-oryzaeમાંથી પ્રાપ્ત કરેલા ડાયાસ્ટેઝ ઉત્સેચક લાળગ્રંથિની ત્રુટિમાં વપરાય છે. Agaricus competris નામના બિલાડીના ટોપના નિષ્કર્ષમાંથી ટાયરોસિનેઝ પ્રાપ્ત થાય છે, જે અંત:શિરામાં (intravenous) આપતાં અતિરક્તદાબ ધરાવતી વ્યક્તિના રક્તદાબમાં ઘટાડો કરે છે.

Agaricus campestris, Armillaria mellea, Daedalea microzona અને Polyporus schweinitzii જેવી બિલાડીના ટોપની જાતિઓમાં કેટલાક સક્રિય રાસાયણિક ઘટકો ઉત્પન્ન થાય છે, જે ગ્રામ-ધન-પ્રભેદ અને  ગ્રામ-ઋણ-પ્રભેદ બૅક્ટેરિયાની જાતિઓનો નાશ કરે છે. Agaricus campestrisનું સંવર્ધિત ગાળણ (filtrate) આંત્રજ્વર(typhoid)ના દર્દીઓને આપતાં સારાં પરિણામો પ્રાપ્ત થયાં છે.

આકૃતિ 11 : કવકમૂલના પ્રકારો : (અ) Pinusનાં કવકમૂલરિહત મૂળ; (આ) pinusનાં કવકમૂલ વડે આવરિત મૂળ, (ઇ) pinusના મૂળનો આડો છેદ; જેમાં બાહ્ય પોષિત કવકમૂલ દેખાય છે. (ઈ) ઑર્કિડના મૂળનો આડો છેદ, જેમાં અંત:પોષિત કવકમૂલ દેખાય છે; (ઉ) ઑર્કિડના મૂળના એકકોષ; જેમાં ફૂગની કવકજાલ દેખાય છે.

ફૂગને કારણે થતો બગાડ : ફૂગને કારણે ખોરાક, વસ્ત્ર-રેસા (textiles fibers), ઇમારતી લાકડું, ચામડું અને પ્રકાશિક (optical) સાધનોને નુકસાન પહોંચે છે.

ખોરાકનો બગાડ : બધા જ પ્રકારના ખોરાક પર વિવિધ માત્રામાં ફૂગ લાગુ પડે છે. ડેરીની નીપજો અને દૂધને Oosporaની જાતિઓ બગાડે છે. Oidium, Penicillium, Cladosporium, Aspergillus, Mucor, Trichothecium અને Fusariumની જાતિઓ માખણના બગાડ સાથે સંકળાયેલી છે.

P. expansum, A. glaucus, A. clavatus, A. niger, M. racemosus, R. nigricans, Alternaria tenuis, Monasus purpureus, Monilia sitophila, F. spp. અને C. herbardum સંગૃહીત માંસ પર કાળાં ટપકાં ઉત્પન્ન કરે છે.

A. nidulens, A. fumigatus, A. tamarii, P. atramentosum, P. fellutanum, Rhizopus arrhizus તૂટેલા ભાગોમાં પ્રવેશી કેરી, સફરજન, નારંગી, પીચ, દાડમ અને દ્રાક્ષમાં સડો ઉત્પન્ન કરે છે. A. niger, A. nidulens, Colletotricum capsici, Acrothecium penniseti ફળોને સીધો ચેપ લગાડે છે. P. digitatum અને P. italicum લીંબુ, નારંગી, મોસંબી અને પપનસનાં ફળોમાં બગાડ કરે છે.

વસ્ત્ર-રેસાનો બગાડ : A. niger, A. fumigatus, Chaetomium globosum, R. nigricans, Memnoniella echinata, Acrothecium spp., Torula spp. અને Metarrhizium glutinosum કપાસના બગાડ સાથે સંકળાયેલી ફૂગની જાતિઓ છે. કાચા શણ પર P. citrinum અને Aspergillusની જાતિઓ આક્રમણ કરે છે.

ઇમારતી લાકડા પરનો કોહવાટ : યુબૅસિડિયોમાયસેટિસ (અભરાઈ-ફૂગ = bracket-fungi) વર્ગની Fomes lividus, F. lignosus, Polystichus steinheildianus, Polyporus ostreiformis જેવી ફૂગ ઇમારતી લાકડાને કોહવાટ લાગુ પાડે છે. Ceratostomellaની જાતિ શીમળો (Salmalia malbarica), અરડૂસો (Ailanthus spp.), પાનરવો (Erythrina spp.), કદંબ (Anthocephalus cadamba) અને ગૂગળ (Boswellia serrata) પર આક્રમણ કરી નુકસાન પહોંચાડે છે. Schizophyllum અને Iprexની જાતિઓ દ્વારા ઇમારતી લાકડામાં સૂકો સડો પેદા થાય છે.

ફૂગ દ્વારા અન્ય ચીજોને થતું નુકસાન : ચોમાસાની ઋતુ દરમિયાન A. niger ચામડાને નુકસાન પહોંચાડે છે. Aspergillus, Penicillium અને Pulluleriaની જાતિઓ રંગ પર ભૂકી છારો (powdery mildew) લાગુ પાડે છે. A. niger, A. versicolor, A. oryzae, A. flavus, P. citrinum Neurospora crassa, Trichoderma spp. Stemophylium spp., Mucor spp. અને Rhizopus spp. ર્દક્કાચ અને પ્રિઝમ જેવાં પ્રકાશ-સાધનો ગંદાં કરે છે.

કૃષિક્ષેત્રે ફૂગની અગત્ય : મોટાભાગની ફૂગ ભૂમિની ફળદ્રૂપતાની જાળવણી અને તેમાં વધારો કરે છે. તે ભૂમિમાં આવેલા જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરી તેમને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. તે વિઘટકો (decomposers), રૂપાંતરકો (transformers) તરીકે કાર્ય કરી જૈવ-ભૂ-રાસાયણિક ચક્રો (biogeochemical cycles)ને ગતિમાન રાખવામાં મહત્વનો ફાળો આપે છે.

કવકમૂલ (mycorrhiza) વનસ્પતિના મૂળમાં થતી ફૂગ છે. તે વનસ્પતિની વૃદ્ધિમાં અગત્યની પુરવાર થઈ છે. જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલયના જીવવિજ્ઞાન વિભાગમાં કરવામાં આવેલાં સંશોધનો મુજબ, તે વનસ્પતિના મૂળને થતા રોગો અટકાવે છે; ઉપરાંત ખોરાકના બદલામાં વનસ્પતિને મૂળ દ્વારા પાણી અને પોષકતત્વોને શોષવામાં અત્યંત સહાયકારી નીવડે છે. ખાણ-કાર્ય(mining)ને લીધે ઉજ્જડ થયેલી જમીનને નવસાધ્ય બનાવવામાં પણ તે મહત્વનો ભાગ ભજવે છે.

પ્રમોદ રતિલાલ શાહ

મધુસૂદન જાંગીડ

બળદેવભાઈ પટેલ