ફૂગજન્ય વિષ : યજમાન વનસ્પતિ કે પ્રાણીકોષોને ઈજા પહોંચાડતા અથવા તેમની ચયાપચયની પ્રક્રિયાઓને છિન્નભિન્ન કરતા ફૂગ દ્વારા સ્રવતા બિન-ઉત્સેચકીય પદાર્થો. તે યજમાન પેશીમાં થતી ઉત્સેચકીય પ્રક્રિયાને નિષ્ક્રિય બનાવે છે અને અત્યંત અલ્પ સાંદ્રતાએ પણ વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે હાનિકારક અથવા વિનાશક હોય છે. મોટાભાગનાં વિષ તેમની ક્રિયા બાબતે વિશિષ્ટ હોતાં નથી. તે અસંબંધિત પ્રજાતિઓ કે કુળની ઘણી જાતિઓને નુકસાન પહોંચાડે છે. બહુ ઓછાં વિષ જાતિ-વિશિષ્ટ (species-specific) હોય છે. તે રોગજનક દ્વારા સંવેદી યજમાન સજીવને જ અસર પહોંચાડે છે. તેના દ્વારા પ્રતિરોધી યજમાનને નુકસાન થતું નથી. યજમાનવિશિષ્ટ વિષને

સારણી 1 : રોગજનક ફૂગ, વિષ, રાસાયણિક બંધારણ, પ્રક્રિયા અને તેની ક્રિયાવિધિ અને યજમાન વનસ્પતિ

ક્રમ રોગજનક ફૂગનું નામ વિષ રાસાયણિક બંધારણ પ્રક્રિયા અને તેની ક્રિયાવિધિ યજમાન વનસ્પતિ અને રોગ
1 Alternaria tenuis Nees અલ્ટર્નેરિક ઍસિડ ડાઇબેઝિક ઍસિડ યજમાન-વિશિષ્ટ નથી. પપૈયાનો પોચો સડો
2 Fusarium oxysporum Schl. f. sp. lycopersici (sacc.) Syn. et Hans. લાયકોમેરેસ્મિન ડાઇપેપ્ટાઇડ યજમાન-વિશિષ્ટ નથી. તે સ્ટ્રેપ્ટોજેનિન ન્યૂનતા ઉત્પન્ન કરે છે; કુલીરન  (chelation) કરે છે. મુક્ત કે બદ્ધ Fe+++ પર્ણના કોષોની પારગમ્યતાને નુકસાન પહોંચાડે છે. ટામેટાનો સુકારો
3 Fusarium heterosporium, F. lycopersici, F. vasinfectum, F. cubense, F. moniliforeme, Nectria cinnabarina ફ્યુસેરિક ઍસિડ 5-n બ્યૂટાઇલ પિકોલિનિક ઍસિડ યજમાન-વિશિષ્ટ નથી. પારગમ્યતા અને જલસમતોલન પર અસર કરે છે; શ્વસન, પૉલિફિનૉલ ઑક્સિડેઝ અને અન્ય ઉત્સેચકોની પ્રક્રિયાઓ ધીમી કરે છે; Feનું કુલીરન કરે છે. ટામેટાં, કપાસ, મકાઈ, ચોખા, કેળાં, કાષ્ઠમય (દ્વિદળીઓ). Gleditsia tria canthos (મધતીડ, honey locust) પર
4 Helminthosporium carbonum Ulstr. Syn. Drechslera carbonum; Cochliobolus carbonum HCટૉક્સિન યજમાન-વિશિષ્ટ મકાઈના પાનનાં ટપકાંનો રોગ
5 Helminosporium victoria Meehan et Murphy HVટૉક્સિન અથવા વિક્ટોરિન સૅક્વીટર્પિન (અર્ધાંશ) સાથે સંલગ્ન પેપ્ટાઇડ યજમાન-વિશિષ્ટ; રસસ્તર પર પ્રાથમિક અસર નિપજાવી પારગમ્યતાને નુકસાન પહોંચાડે છે; શ્વસનનો દર વધે છે અને દ્વિતીયક અસર તરીકે કેટલીક ચયાપચયિક પ્રક્રિયાઓ પર અસર કરે છે. બટાટાનો રૂપેરી ખોડો (silver scurf)
6 Pericornia circinata (Mang). Sacc. PC–ટૉક્સિન યજમાન-વિશિષ્ટ જુવારના મૂળ અને છત્ર- (crown)નો સડો

કેટલાક સંશોધકો રોગ-વિષ (pathotoxin) તરીકે ઓળખાવે છે અને તે સંવેદી યજમાનમાં રોગનાં બધાં જ લક્ષણો ઉત્પન્ન કરે છે; પરંતુ પ્રતિરોધી જાતિ(સિવાય કે વિષની સાંદ્રતા ખૂબ વધારે હોય)ને ખૂબ ઓછી અસર થાય છે અથવા બિલકુલ અસર થતી નથી. રોગજનક પ્રભેદ(strain)ની ઉગ્રતા (virulence) તેની વિષનિર્માણક શક્તિ પર અવલંબિત હોય છે. વિષની સાંદ્રતાનો ઉગ્રતા સાથે સહસંબંધ ન પણ હોઈ શકે. યજમાન-વિશિષ્ટ વિષ જટિલ રસાયણ છે. કોઈ પણ વિષને શુદ્ધ સ્વરૂપમાં પૃથક કરવું મુશ્કેલ હોય છે. પૃથક કરેલા વિષની વિષાળુતા(toxicity)નો ગુણધર્મ જળવાઈ રહેતો હોય છે. તે પૈકી કેટલાંક વિષ ઓછો અણુભાર ધરાવતાં પેપ્ટાઇડ હોય છે. તે કોષના રસસ્તર પર ક્રિયાશીલ બની રોગિષ્ઠ પેશીની પારગમ્યતા (permeability) અને શ્વસનમાં ફેરફારો લાવે છે. કેટલાંક વિષ વનસ્પતિની વિવિધ પ્રકારની પેશીઓને અસર કરે છે; તો અન્ય કેટલાંક વિષ ચોક્કસ પ્રકારની પેશીને જ નુકસાન પહોંચાડે છે. યોગ્ય સાંદ્રતાએ યજમાન સજીવને તેની ચિકિત્સા આપતાં તે ખાસ પ્રકારના સંલક્ષણ(syndrome)ને પ્રેરે છે.

સુકારો (wilting) ઘણાં વિષની સામાન્ય અસર રૂપે જોવા મળે છે. તેનાથી કોષની આશૂનતા(turgidity)માં ફેરફાર થતાં પર્ણ શિથિલ (flaccid) બને છે અને છેવટે સમગ્ર પ્રરોહ(shoot)ને સુકારો થાય છે. આવા વિષને મેરેસ્મિન અથવા સુકારાનું વિષ (wilting toxin) કહે છે. લાયકોમેરેસ્મિન અને ફ્યુસેરિક ઍસિડ આ કક્ષાનાં વિષ છે. જે વિષ દ્વારા ઉતકક્ષય (necrosis) થાય છે, તેમને ઉતકક્ષયી (necrotic) વિષ કહે છે. આવાં વિષ અલ્ટરનેરિયા અને ફાઇટોફથોરાની જાતિઓ દ્વારા ઉત્પન્ન થાય છે. સૂક્ષ્મ જીવમાં વિષ-નિર્માણની ક્ષમતાનું નિયમન જનીનો દ્વારા થાય છે; છતાં કેટલાંક રસાયણો જનીનોની ક્રિયાશીલતાને અવરોધે છે અથવા કોષની ચયાપચયની પ્રક્રિયાઓ પર થતી તેની અસરને અટકાવે છે. વિષજનકતા (toxigenicity) રોગજનકતા (pathogenicity) માટે હંમેશાં આવશ્યક હોય તેવું નથી. કેટલીક વાર વિષ એકલું અસરકારક હોતું નથી; પરંતુ તે ગતિશીલ આંતરસંબંધિત તંત્રમાં અન્ય રોગજનક અને યજમાન દ્વારા ઉત્પન્ન થતા પદાર્થો સાથે રહીને અસર કરે છે.

ફૂગજન્ય વિષ કેટલાંક પૉલિસૅકેરાઇડ સ્વરૂપે તો અન્ય પેપ્ટાઇડની શૃંખલાના સ્વરૂપમાં હોય છે; જેમાં એસ્પાર્ટિક ઍસિડ, ગ્લૂટામિક ઍસિડ, ગ્લાયસીન, વેલાઇન અને આઇસોલ્યૂસીન જેવા ઍમિનોઍસિડ સામાન્ય બંધ વડે જોડાયેલા હોય છે. ઉપરાંત, ફૂગની ઘણી જાતિઓ ઍસિટોજેનિન પ્રકારનો ઉદભવ ધરાવતાં ઍન્થ્રેક્વિનૉનનાં વ્યુત્પન્નો (derivatives) આપે છે. કેટલાંક વિષ ટર્પેનૉઇડ પ્રકારનાં હોય છે.

કેટલીક ફૂગ દ્વારા ઉત્પન્ન થતાં વિષ, તેમની સાથે સંકળાયેલાં સજીવો અને પ્રક્રિયા સારણીમાં આપવામાં આવેલ છે.

આફ્લાટૉક્સિન : તે Aspergillus flavus અને Penicilliumની કેટલીક જાતિઓ દ્વારા સ્રવતો ઝેરી પદાર્થ છે. તેની શોધ 1960માં ઇંગ્લૅન્ડમાં થઈ હતી. તે સમયે ઇંગ્લૅન્ડમાં અસંખ્ય બતકો અને ટર્કી (બતક જેવું પક્ષી) A. flavusના ચેપવાળી મગફળીમાંથી બનાવેલ બ્રેડ ખાવાથી મૃત્યુ પામ્યાં હતાં. આફ્લાટૉક્સિનની વિષાળુ અસરથી પ્રાણીઓના યકૃત અને મૂત્રપિંડમાં નુકસાન થયું હોવાથી તેઓ મૃત્યુ પામ્યાં હતાં. આધુનિક સંશોધનો મુજબ આફ્લાટૉક્સિનના B1, B2, G1, G2, M1, M2 એવા અનેક પ્રકારો છે. A. flavus મગફળી ઉપરાંત. ઘઉં, ચોખા, મકાઈ, ઓટ વગેરે પાકોમાં ચેપ લગાડી આફ્લાટૉક્સિન ઉત્પન્ન કરે છે. તેના દ્વારા માછલી, ઘેટાં, ડુક્કર, બકરી, કૂતરાં, વાંદરાં અને અનેક પક્ષીઓને કૅન્સરની અસર નિપજાવે છે. મનુષ્યને પણ તેની ઝેરી અસર થાય છે. આ વિષ ઉત્પન્ન કરતી ફૂગના ચેપવાળું ધાન્ય ખાવાથી કેટલીક સ્ત્રીઓના દૂધમાં પણ આફ્લાટૉક્સિનનું અસ્તિત્વ માલૂમ પડ્યું છે.

વનસ્પતિમાં આફ્લાટૉક્સિનને કારણે બીજાંકુરણ, ક્લૉરોફિલ અને mRNA સંશ્લેષણમાં અવરોધ થાય છે; કણાભસૂત્રોને નુકસાન પહોંચે છે અને વિવિધ ઉત્સેચકોનો નાશ થાય છે.

બળદેવભાઈ પટેલ