ફૂગનાશકો (fungicides)

February, 1999

ફૂગનાશકો (fungicides) : ફૂગનો નાશ કરતાં આર્થિક અગત્યનાં રસાયણો. આ ફૂગનાશકો મુખ્યત્વે વનસ્પતિ-રોગ-નિયંત્રણ માટે વપરાતાં હોય છે. વનસ્પતિ-રોગ-નિયંત્રણમાં વપરાતાં વિવિધ રસાયણો કાર્બનિક કે અકાર્બનિક પ્રકારનાં હોય છે. દરેકની સૂક્ષ્મજીવનાશક કાર્યપદ્ધતિ જુદી જુદી હોય છે. કેટલાંક રસાયણો સૂક્ષ્મ જીવને જરૂરી ઉત્સેચકોને નિષ્ક્રિય કરી, ચયાપચયની અગત્યની ક્રિયામાં અવરોધ ઊભો કરી, તેમનો નાશ કરતાં હોય છે; જ્યારે કેટલાંક સૂક્ષ્મજીવના કોષના અગત્યના અંગને નુકસાન કરી તેમનો નાશ કરે છે.

આ રસાયણો વાપરવાની પદ્ધતિ પણ જુદી જુદી હોય છે. તે કાં તો લૂગદીના સ્વરૂપમાં – બીજ કે ફળ ઉપર લગાડીને, પ્રવાહી સ્વરૂપમાં છંટકાવ કરીને કે તેની વરાળ કે ધુમાડા ઇન્જેક્ટર ગન દ્વારા જમીનમાં દાખલ કરીને અથવા તો પાઉડર સ્વરૂપમાં વેરી કે છાંટીને વાપરવામાં આવે છે.

વિવિધ પ્રકારનાં ફૂગનાશકો નીચે પ્રમાણે છે :

(1) સલ્ફર ફૂગનાશકો (sulphur fungicides) : વનસ્પતિ રોગનિયંત્રણ માટે સલ્ફરનો ઉપયોગ સૌથી જૂનો છે. સલ્ફરનો ઉપયોગ મુખ્યત્વે પાઉડર સ્વરૂપમાં થાય છે.

(1.1) અકાર્બનિક સલ્ફર ફૂગનાશકો : ચૂનો અને સલ્ફર-મિશ્રિત પાઉડરનો ઉપયોગ કરવામાં આવે છે.

સલ્ફરનું ઝેરી H2Sમાં રૂપાંતર થવાથી ફૂગ નાશ પામે છે.

ગેરુ(rust)ના રોગ માટે તેમજ પીચ, સફરજન વગેરે ફળોમાં થતા પાનનો કોકડવા (leaf curl); ભૂકી છારો (powdery mildew); તપખીરિયો સડો (brown rot) જેવા રોગોને અટકાવવા માટે આ સલ્ફર ફૂગનાશકો વપરાય છે.

(1.2) કાર્બનિક સલ્ફર ફૂગનાશકો : સલ્ફરનાં કાર્બનિક સંયોજનો જીવાણુઓ અને ફૂગ પર અસરકારક પુરવાર થયાં હોવાને કારણે સૌથી વધુ વપરાવા લાગ્યાં છે. તે ક્રૅબ્સચક્રના ઉત્સેચકોને નિષ્ક્રિય કરી ફૂગનો નાશ કરતાં હોય છે.

આ બધાં સંયોજનો ડાઇથાયોકાર્બામિક ઍસિડની વ્યુત્પત્તિઓ છે. થિરેમ, ઝિરેમ, ફેરબામ, નેબામ, ઝિનેબ અને મેનબ જેવા કાર્બનિક સલ્ફર ફૂગનાશકોનો વધુ પ્રમાણમાં ઉપયોગ થાય છે.

થિરેમનો ઉપયોગ બીજ તેમજ જમીન બંનેને ફૂગમુક્ત કરવા માટે થાય છે. ફેરબામનો ઉપયોગ મરચાં, ચોખા, ટામેટાં વગેરેમાં થતો સુકારાનો રોગ અટકાવવા માટે થાય છે. ઝિનેબનો ઉપયોગ બટાટા અને ટામેટાના આગોતરા તેમજ પાછોતરા સુકારાના (early blight and late blight) રોગ માટે તેમજ ચોખામાં સુકારો અને ગેરુના રોગ સામે રક્ષણ મેળવવા માટે થાય છે.

(2) તામ્ર ફૂગનાશકો (copper fungicides) : તામ્ર ફૂગનાશકો મુખ્યત્વે અકાર્બનિક સંયોજનો છે. તેમાં મુખ્યત્વે કૉપર સલ્ફેટ (CuSo4); કૉપર કાર્બોનેટ (CuCo3); ક્યુપ્રસ ઑક્સાઇડ (Cu2O) અને કૉપર ઑક્સિક્લોરાઇડ [CuCl2·3 CuCOH)2] આવેલાં હોય છે.

તામ્ર ફૂગનાશકોનો સલ્ફર સાથે સંયુક્ત રીતે ઉપયોગ વનસ્પતિરોગ-નિયંત્રણ માટે અસરકારક પુરવાર થયો છે.

ફ્રાન્સના વૈજ્ઞાનિક પ્રો. મિલાર્ડેટે દ્રાક્ષમાં થતા તળ છારા(downey mildew)ના રોગને કાબૂમાં લેવા 1822માં બોર્ડો-મિશ્રણની શોધ કરી. બોર્ડો-મિશ્રણ પાણીમાં કૉપર-સલ્ફેટ સાથે કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ(lime)ને મિશ્ર કરીને બનાવવામાં આવે છે. તેમાં કૉપર સલ્ફેટ : કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડ : પાણીનું પ્રમાણ 4 : 4 : 50નું હોય છે.

આ મિશ્રણ જીવાણુઓ તેમજ ફૂગથી થતા ઘણા વનસ્પતિરોગોમાં ઉપયોગી છે. તે બટેટાના પાછોતરા સુકારામાં ખૂબ અસરકારક સાબિત થયું છે; ઉપરાંત તે પર્ણ પર ડાઘા (leaf spot), બળિયા (canker) વગેરે રોગોમાં પણ કામ આપે છે.

બોર્ડો-લૂગદી (bordeaux pest), બરગંડી અને ચેશંટ-સંયોજન (cheshunt compound) પણ અગત્યનાં તામ્ર ફૂગનાશક રસાયણો છે. બરગંડી મિશ્રણમાં કૅલ્શિયમ હાઇડ્રૉક્સાઇડને બદલે સોડિયમ કાર્બોનેટ વપરાય છે. ચેશંટ-સંયોજન બનાવવા માટે બે ભાગ કૉપર સલ્ફેટ અને અગિયાર ભાગ એમોનિયમ કાર્બોનેટને પાણીમાં મિશ્ર કરવામાં આવે છે. આ ફૂગનાશકનો ઉપયોગ જમીનને સૂક્ષ્મજીવથી મુક્ત કરવા માટે વપરાય છે.

આ ઉપરાંત અદ્રાવ્ય કૉપર-સંયોજનો પણ રોગનિયંત્રણ માટે વપરાય છે. તે વનસ્પતિ માટે ઓછાં ઝેરી હોય છે. આ સંયોજનોમાં કૉપર ઑક્સિક્લોરાઇડ મુખ્ય રસાયણ છે. આવાં સંયોજનોમાં તામ્ર ધાતુનું પ્રમાણ 4 %થી 50 % સુધીનું હોય છે. તે પાઉડર કે ભૂકી રૂપે મળે છે. કૉપર ઑક્સિક્લોરાઇડ ધરુના કોહવાટ (lamping off) અને પાનના સુકારા (leaf blight) જેવા રોગો સામે રક્ષણ આપે છે.

તાંબું ઘણાખરા ઉત્સેચકો માટે ઝેરી હોવાથી, તેનાથી તેમનો અને તે સાથે સૂક્ષ્મજીવોનો નાશ થાય છે.

(3) પારદ ફૂગનાશકો : પારદ ધાતુ મનુષ્યને  માટે પણ ઝેરી હોવાથી તેનો ઉપયોગ ફક્ત બીજજન્ય રોગોના નિયંત્રણ માટે જ કરવામાં આવે છે. બીજને ફૂગથી મુક્ત કરવા માટે મર્ક્યુરીનાં અકાર્બનિક તેમજ કાર્બનિક સંયોજનો અસરકારક પુરવાર થયાં છે. પારદનાં અકાર્બનિક સંયોજનો ફૂગ તેમજ જીવાણુઓ બંનેનો નાશ કરે છે.

બીજની માવજત માટે 1:1000 મંદતાવાળા મર્ક્યુરી ક્લોરાઇડ (HgCl2) અને મર્ક્યુરસ ક્લોરાઇડ (HgCl) જેવાં અકાર્બનિક સંયોજનો વપરાય છે. ફળોના બગીચામાં ડાળખી અને પાંદડાંઓને થયેલ ઈજાને સૂક્ષ્મજીવથી મુક્ત બનાવવા માટે મર્ક્યુરી ક્લોરાઇડનો ઉપયોગ થાય છે.

ઇથાઇલ મર્ક્યુરી ક્લૉરાઇડ, ઇથાઇલ મર્ક્યુરી સલ્ફેટ, ફિનાઇલ મર્ક્યુરી એસિટેટ જેવાં કાર્બનિક મર્ક્યુરી સંયોજનો બીજને સૂક્ષ્મજીવથી મુક્ત કરવા માટે વપરાય છે.

પારદ ફૂગનાશકોમાં મર્ક્યુરીનું પ્રમાણ લગભગ 1% જેટલું હોય છે.

(4) ક્વિનોન ફૂગનાશકો : આ વર્ગમાં ક્લોરેનીલ અને ડાઇક્લોન ફૂગનાશકો ખૂબ જાણીતાં થયાં છે. ક્લોરેનીલ બીજ-માવજત માટે વપરાય છે. જવ અને સરગવાનો અંગારિયો (smut) તેમજ વાલ, કપાસ, કોબીજ વગેરેનાં બીજ અને ધરુનો કોહવાટ અટકાવવા માટે ક્લૉરેનીલ અસરકારક છે. ડાઇક્લોન બીજ માવજત તેમજ પર્ણછંટકાવ માટે વપરાય છે. પીચનાં પર્ણનો કોકડવા (peach leaf curl), સફરજનનો ભીંગડાનો રોગ (apple scabe), જુવારનો અંગારિયો (grain smut of jowar) વગેરે રોગોના નિયંત્રણ માટે ડાઇક્લોન વપરાય છે.

(5) બેન્ઝિન ફૂગનાશકો : ઘણાં ઍરોમૅટિક સંયોજનો સૂક્ષ્મજીવનાશક ગુણધર્મ ધરાવે છે. આવાં સંયોજનોનો ઉપયોગ કરીને ઘણા વ્યાપારિક ફૂગનાશકો વિકસાવવામાં આવ્યા છે; દા.ત., ડેક્ષોન, ડેકોનિલ, PCNB વગેરે.

ડેક્ષોન બીજ અને જમીનની માવજત માટે વપરાય છે. તેથી કોઈ પણ પાકમાં મૂળનો સડો તેમજ કોહવાણ થતું અટકે છે.

ડેકોનિલ જુદાં જુદાં ફળોના છોડવાઓનાં પર્ણ તેમજ ફળ પર છાંટવામાં આવે છે, જેથી પર્ણ કે ફળ પર ડાઘ(spot)નો રોગ થતો નથી.

ભારતમાં PCNB (penta chloro nitro benzene) બ્રેસિકોલના નામે ખૂબ જાણીતું થયું છે. આનો ઉપયોગ સ્ક્લેરોટિયમ તેમજ સ્ક્લેરોટિનિયા નામની ફૂગથી થતા બીજજન્ય રોગોના નિયંત્રણ માટે થાય છે.

(6) વિષમચક્રીય નાઇટ્રોજન સંયોજનો (heterocyclic nitrogen compounds) : આ વર્ગમાં ગ્લાયોડિન, ઑક્ઝિન તેમજ કૅપ્ટાન મુખ્ય ફૂગનાશકો છે. ભારતમાં કૅપ્ટાન ખૂબ પ્રચલિત છે. તેનો ઉપયોગ બીજ-માવજત તેમજ પર્ણ-છંટકાવ માટે થાય છે. પિથિયમ ફૂગ સામે તે સૌથી વધુ અસરકારક છે.

ડાઇફૉલ્ટન નામનું ફૂગનાશક કૅપ્ટાન જેવાં જ લક્ષણો ધરાવે છે. તેનો ઉપયોગ બટાટાનો આગતરો તેમજ પાછોતરો સુકારો અટકાવવા માટે થાય છે.

(7) સિસ્ટેમિક ફૂગનાશકો (systemic fungicides) : સિસ્ટેમિક ફૂગનાશક એક એવા પ્રકારનું ફૂગનાશક છે કે જે વનસ્પતિ દ્વારા લેવાયા પછી વનસ્પતિ-દેહમાં પેશીઓ-વાહિનીઓ સુધી સર્વત્ર પ્રસરણ પામે છે. પરિણામે રોગકારક ફૂગ માટે વનસ્પતિમાં પૂર્ણપણે ઝેરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અને રોગકારક ફૂગનો નાશ થાય છે. પ્રતિજૈવકો (antibiotics) પણ આ જ રીતે રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરે છે. તફાવત એટલો જ કે પ્રતિજૈવકો જૈવિક પેદાશ છે, જ્યારે સિસ્ટેમિક ફૂગનાશકો કૃત્રિમ પેદાશ છે.

અગત્યના સિસ્ટેમિક ફૂગનાશકો :

(ક) ઓક્ષાથિનસ : આ જૂથમાં કાર્બોક્સિન અને ઑક્સિકાર્બોક્સિન અગત્યનાં ફૂગનાશકો છે.

કાર્બોક્સિન ઘઉં અને જવમાં અંગારિયાનો રોગ અટકાવવા માટે સફળ પુરવાર થયું છે. થિરેમ સાથેના સંયોજનમાં કાર્બોક્સિનની અસરકારકતા વધે છે.

ઑક્સિકાર્બોક્સિન, બેઝિડિયોમાયસિટસ વર્ગની ફૂગ ઉપરાંત કેલ્મિન્થોસ્પોરિયમ, ર્ક્વુલેરિયા, એસ્પર્જિલસ, ક્લોડોસ્પોરિયમ, બોટ્રાયટિસ, મોનિલિનિયા, કનિંગકેમેલા વગેરે ફૂગ માટે ઝેરી છે.

(ખ) બેન્ઝિમિડેઝોલ્સ : આ જૂથમાં બેનોમિલ, થાયાબેન્ડેઝોલ વગેરે અગત્યનાં ફૂગનાશકો છે. આ બંને ફૂગનાશકો ઇરિસિફે; પૉડોસ્ફેરા; સ્ફેરોથિકા વેન્ટુરિયા; સરકોસ્પોરા; ફ્યુઝેરિયમ વર્ટિસિલિયમ, સેફેલોસ્પોરિયમ; બોટ્રાઇપ્સી; મોનિલિનિયા વગેરે ફૂગ સામે અસરકારક છે.

બેનોમિલ સફરજન, ધાન્યવર્ગ તેમજ કોબીજ વર્ગનો ભૂકી છારો (powdery mildew), સફરજનનો  તપખીરિયો સડો (brown rot of apple), ઘઉંનો નેત્રડાઘ (eye spot of wheat) વગેરે રોગના નિયંત્રણમાં પણ છંટકાવ માટે વપરાય છે. કેળાનો સડો (banana fruit rot), શક્કરિયાના મૂળનો સડો (root rot of sweet potato) વગેરે રોગોના નિયંત્રણ માટે ફળ અને મૂળને બેનોમિલમાં બોળી રાખવામાં આવે છે.

(ગ) પિરિમિડિન્સ અને RH-124 વગેરેને પણ આધુનિક સિસ્ટેમિક ફૂગનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.

(ઘ) પ્રતિજૈવકો (antibiotics) : પ્રતિજૈવકો યજમાન-છોડની અંદરની પેશીઓમાં ફેલાઈને રોગકારક જીવાણુનો નાશ કરે છે અને સાથોસાથ જીવાણુઓથી થતા બાહ્ય હુમલા સાથે કામચલાઉ રક્ષણ આપે છે.

યજમાન વનસ્પતિ મૂળ કે પર્ણ દ્વારા પ્રતિજૈવકને શોષી લે છે અને પછી બીજા ભાગોમાં વાહિનીઓ દ્વારા પ્રસરણ પામે છે. જુદા જુદા ભાગમાં રહેલ રોગકારક સૂક્ષ્મજીવો પર પ્રતિજૈવકો સીધો હુમલો કરી તેમને મારી નાંખે છે. અથવા તો યજમાનની દેહધાર્મિક ક્રિયાઓમાં પરિવર્તન લાવીને રોગકારક સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે.

વનસ્પતિ-રોગનિયંત્રણમાં વપરાતા અગત્યના ફૂગવિરોધી પ્રતિજૈવકોમાં (1) સ્ટ્રેપ્ટોમાયસિન; (2) ઓરિયોફ્રેન્જિન; (3) સાઇક્લૉહેક્ઝામાઇડ; (4) ગ્રિસિયોફલ્કિન; (5) ટેટ્રાસાઇક્લિન; (6) બ્લાસ્ટિસિડિન વગેરે ગણાવી શકાય.

પ્રમોદ રતિલાલ શાહ