ફૂંકણી : ધાતુ, વાંસ કે લાકડાની પોલી નળી, જેના દ્વારા હવા ફૂંકીને છાણાં, લાકડાં કે કોલસાનું દહન તીવ્ર બનાવાય છે. ગામડાંની સ્ત્રીઓ ચૂલાનો અગ્નિ જલાવવામાં અને સોની લોકો પણ છાણાં કે કોલસાને સળગાવવામાં ફૂંકણીઓનો ઉપયોગ કરે છે. ધાતુઓના રેણકામમાં તેમજ કાચના કામમાં પણ ધાતુની ફૂંકણીઓ વપરાય છે. ફૂંકણીઓનો આ પ્રકારનો ઉપયોગ સદીઓ જૂનો છે.
રાસાયણિક વિશ્લેષણમાં ફૂંકણીનો પ્રથમ ઉપયોગ કરનાર કૉન્સ્ટેટ તથા ઍંગ્સ્ટ્રૉમ હતા, ત્યારબાદ બર્જિલિયસ અને બુન્સેને તેમાં ઘણા સુધારા કર્યા. જે ધાતુ પિગાળવી હોય કે તપાવવી હોય તેને કોલસાના ટુકડામાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ ફૂંકણી દ્વારા અગ્નિજ્વાળાને તેના પર કેન્દ્રિત કરવામાં આવે છે. બહુ લાંબા સમય માટે તેમજ વધુ પ્રમાણમાં હવા ફેંકવાની હોય ત્યારે ફૂંકણી વાપરી શકાતી નથી. તેવા સંજોગોમાં હાથથી કે પગથી ચલાવાતી ધમણો અથવા તો વિદ્યુત મોટરથી ચાલતા બ્લોઅરનો ઉપયોગ કરાય છે.
ગાયત્રીપ્રસાદ હીરાલાલ ભટ્ટ