ફૂલોની ગોઠવણી

February, 1999

ફૂલોની ગોઠવણી : ઘર કે અન્ય સ્થાનોની સુંદરતા વધારવા માટે ફૂલોની ચોક્કસ પદ્ધતિએ થતી ગોઠવણી.

સામાન્ય રીતે ફૂલને ઘરમાં રાખવા માટે ફૂલદાનીનો ઉપયોગ થાય છે. હવે તો એ ફૂલદાનીના ઘાટ અને જેમાંથી એ ફૂલદાની બને છે તે વસ્તુઓ(સ્ટીલ, કાંસું, પિત્તળ, પ્લાસ્ટિક, કાચ વગેરે)ની પુષ્કળ વિવિધતા જોવા મળે છે. ક્યારેક તો ફૂલ કરતાં ફૂલદાની વધારે આકર્ષક લાગે છે !

ફૂલદાનીમાં રાખવાનાં ફૂલોને આકર્ષક રીતે ચઢતા-ઊતરતા સ્તરમાં ગોઠવવામાં આવે છે. આ ફૂલોને ગોઠવવાની એક ખૂબ જ પ્રચલિત જાપાની પદ્ધતિને ‘ઇકેબાના’ કહેવામાં આવે છે.

ફૂલદાનીમાં રાખવાનાં ફૂલ લાંબો સમય સારી રીતે ટકે તે માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે : પ્રથમ તો આ માટે એવી જાતો પસંદ કરવી જે  સામાન્ય રીતે જ લાંબો વખત ટકતી હોય. દા.ત., ગ્લૅડિયોલી, ગુલછડી, પીળી ડેઇઝી (ગોલ્ડન રૉડ). વળી ફૂલદાનીના પાણીમાં ફૂલ લાંબો વખત ટકે તે માટે ફૂલની ડાળીને છોડ ઉપરથી તોડતી વખતે જ્યાંથી તે કાપવાની હોય તે ભાગને પાણીમાં રાખીને કાપવામાં આવે છે અને ફૂલદાનીને એ પાણીમાં જ લઈ જઈને એ ફૂલને તેમાં ગોઠવવામાં આવે છે. તેથી કાપેલા ભાગમાં બિલકુલ હવા પ્રવેશતી નથી અને તે કારણે ફૂલ લાંબો વખત ટકે છે. તે શક્ય ન બને તો ફૂલની ડાળીને ફૂલદાનીમાં મૂકતાં પહેલાં નીચેનો 3થી 4 સેમી. ભાગ પાણીમાં રાખીને કાપીને પાણીની અંદર જ મૂકી દેવામાં આવે છે. ક્યારેક ડાળીને બહાર કાપીને, કાપેલા ભાગને થોડી વાર દીવા આગળ લઈ જઈને પછી ફૂલદાનીમાં મૂકવામાં આવે છે. પાણીમાં બહુ જ થોડા પ્રમાણમાં મીઠું કે ખાંડ નાખવાથી પણ ફૂલનો આવરદા વધે છે.

જ્યાં શક્ય હોય ત્યાં ફૂલદાનીમાં એવાં ફૂલ પસંદ કરવાં કે જેમાં નીચેનાં ફૂલ ખીલીને પડી જાય તેમ તેમ ઉપરનાં ફૂલ ખીલતાં જતાં હોય. જરૂર પડે તો રોજ ડાળીનો નીચેનો ભાગ થોડો થોડો કાપી નાખવો. ગોલ્ડન રૉડ, ગુલછડી, ગ્લૅડિયોલી અને કેટલીક જાતની ડેઇઝીમાં આ પદ્ધતિ અનુસરવામાં આવે છે.

ફૂલદાનીનાં ફૂલોની ગોઠવણી ઉપરાંત ગુચ્છ (બોકે), રંગોળી, હારતોરા વગેરેમાં પણ ફૂલોની ગોઠવણી કરીને શોભા કરાય છે. આમાં પણ ઉપર કહી તેવી જાતો પસંદ કરવા ઉપરાંત સહેલાઈથી ચીમળાય નહિ એવાં ફૂલ પસંદ કરવામાં આવે છે; દા.ત., હઝારી ગલગોટા, ગોમ્ફ્રિના, ઍસ્ટર અને કેલેન્ડ્યુલા. આવી ગોઠવણીમાં પાણી મળતું નહિ હોવાથી વધારે ધ્યાન રાખવું પડે છે. સીધો તડકો આવતો હોય તેવી જગ્યાએ એ ફૂલ રાખવામાં આવતાં નથી. જરૂર પડે તો ક્યારેક આછું પાણી પણ છાંટવામાં આવે છે.

કોઈ કોઈ જગ્યાએ ફૂલોની પાંખડીઓની પણ ગોઠવણી કરીને શોભા કરાય છે, પણ એ શોભા લાંબો વખત ટકતી નથી.

ફૂલોની ગોઠવણીમાં રંગોનું સુમેલન (matching) તથા વિરોધાભાસ (contrast) વગેરેનું જ્ઞાન ઉપયોગી નીવડે છે.

વળી આકાર(shape)નું સુમેલન પણ મહત્વનું છે.

ફૂલોની સાથે હંસરાજ, મોરપંખી વગેરે છોડનાં પર્ણો સુંદર પૃષ્ઠભૂમિ પૂરી પાડે છે.

ઘણી વખત અર્ધાં ખીલેલાં ફૂલવાળી ડાળીઓ વાપરવાથી તે ફૂલ ધીરે ધીરે ખીલે છે અને તેમની શોભા લાંબો વખત ટકે છે.

ખૂબ નાની જગ્યા હોય ત્યાં મોટી ફૂલદાની કે મોટાં ફૂલ વાપરવાથી શોભા ઘટી જાય છે. તે જ પ્રમાણે ખૂબ મોટા ખંડમાં નાનાં નાનાં ફૂલ કે નાની ફૂલદાની બહુ આકર્ષક લાગતાં નથી.

આ સિવાય કોટ ઉપર લગાવવા માટે ‘બટન’ના રૂપમાં પણ ગુલાબ જેવા ફૂલની કળીઓ એક, બે કે ત્રણ નંગમાં વપરાય છે.

ક્યારેક બહુ સામાન્ય ન હોય તેવાં ફૂલ પણ ફૂલદાનીમાં મૂકવાથી જોનારાઓનું ધ્યાન આકર્ષી શકાય છે.

મ. ઝ. શાહ