ફુલર, રિચાર્ડ બકમિન્સ્ટર (જ. 1895, મિલ્ટન, મૅસેચૂસેટ્સ; અ. 1983) : નામી શોધક, ડિઝાઇનકાર, કવિ અને તત્વજ્ઞાની. તેમણે હાર્વર્ડમાં અભ્યાસ કર્યો. પછી 1917થી ’19 દરમિયાન અમેરિકાના નૌકાદળમાં કામ કર્યું. 1927માં ‘ડાઇમૅક્સિયન હાઉસ’ (ડાઇનૅમિક ઍન્ડ મૅક્સિમમ એફિશિયન્સી) નામનું ઉપકરણ વિકસાવ્યું.
1929માં ‘ડાઇમૅક્સિયન સ્ટ્રીમલાઇન્ડ ઑમ્નિડિરેક્શનલ’ એ નામની કાર વિશે પણ તેમણે સંશોધન કર્યું અને તેને વિકસાવી. જિયૉડેસિક એટલે કે અલ્પાન્તરીય રેખાઓ અનુસાર ટૂંકા દાંડાઓના ઘૂમટની ડિઝાઇન પણ તેમણે તૈયાર કરેલી.
વળી તે ઉત્સાહી શિક્ષણકાર હતા. 1959થી ’75 દરમિયાન દક્ષિણ ઇલિનૉઈ યુનિવર્સિટી ખાતે ઉચ્ચકોટીના અધ્યાપક તરીકે પ્રતિષ્ઠા મેળવી. 1962માં તેઓ હાર્વર્ડ ખાતે કવિતાના પ્રોફેસર નિમાયા. તેમનાં અનેક પુસ્તકોમાં ‘નાઇન ચેન્સ ટુ ધ મૂન’ (1938) અને ‘ક્રિટિકલ પાથ’ (1981) ઉલ્લેખપાત્ર છે.
મહેશ ચોક્સી