ફુલાણી, લાખો

February, 1999

ફુલાણી, લાખો (જ. 920; અ. 979, આટકોટ, સૌરાષ્ટ્ર) : કચ્છનો સમા વંશનો મૂળરાજ સોલંકીનો સમકાલીન રાજવી. તેના પિતાનું નામ ફૂલ તથા માતાનું નામ સોનલ હતું. તેનો જન્મ ‘યશોરાજ’ની કૃપાથી થયો હતો એવી માન્યતા છે. પિતાનું નામ ફૂલ હોવાથી તે ફુલાણી તરીકે ઇતિહાસમાં જાણીતો થયો. લાખાના ‘લખમસી’, ‘લાખણસી’, ‘લક્ષરાજ’ જેવાં અન્ય નામો પણ હતાં. લાખાએ અણગોર ગઢમાંથી રાજધાની કેરા ખાતે ફેરવી અને ફરતો કોટ બંધાવ્યો. તેથી આ સ્થળ કેરાકોટ તરીકે ઓળખાય છે.

મૂળરાજ સોલંકીએ લાખાના રાજ્ય પર અગિયાર વાર ચડાઈ કરી અને અગિયારે વાર લાખાએ તેને હરાવીને પાછો કાઢ્યો. છેલ્લી બારમી લડાઈમાં મૂળરાજના હાથે લાખાનું મૃત્યુ થયું.

હેમચંદ્રાચાર્ય પ્રમાણે, મૂળરાજે જૂનાગઢના રાજા ગ્રાહરિપુના રાજ્ય ઉપર ચડાઈ કરી હતી. લાખો ગ્રાહરિપુનો મિત્ર હતો. તેથી તે તેની મદદે આવ્યો. આ યુદ્ધમાં ગ્રાહરિપુ કેદ પકડાયો અને લાખાનું જંબુમાલી (ભાદર) નદીના કાંઠે આટકોટ પાસે મૃત્યુ થયું. અહીં આટકોટ નજીક ભાદર-કાંઠે તેનો પાળિયો છે.

લાખાએ કોટ ઉપરાંત અનેક શિવમંદિરો, કિલ્લા, મહેલો અને તળાવો વગેરે બંધાવ્યાં હતાં. લાખા ફુલાણી અંગેની વિગત હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્ય અને મેરુતુંગના ‘પ્રબંધચિતામણિ’ ગ્રંથમાંથી મળે છે; પરંતુ આ ઇતિહાસ અનુશ્રુતિ ઉપર આધારિત છે.

શિવપ્રસાદ રાજગોર