ફિલિપ્સ, માર્ક કૅપ્ટન (જ. 1948, ઇંગ્લૅન્ડ) : પ્રિન્સેસ ઍનના અગાઉના પતિ અને નામાંકિત નિષ્ણાત અશ્વચાલક. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી અને 1969માં ‘ક્વીન્સ ડ્રગૂન ગાર્ડ્ઝ’માં જોડાયા. 1973માં તેઓ પ્રિન્સેસ ઍન (પ્રિન્સેસ રૉયલ) સાથે લગ્નગ્રંથિથી જોડાયા; પણ 1992માં તેમનાથી છૂટાછેડા લીધા. 1970થી 1976 સુધી તેઓ બ્રિટિશ અશ્વારોહી ટુકડીના નિયમિત સભ્ય હતા અને 1972માં મ્યુનિક ખાતે યોજાયેલી ઑલિમ્પિક રમતોમાં સુવર્ણચન્દ્રક જીતવા ઉપરાંત અનેક સાંઘિક રમતો(team events)માં વિજેતા બનેલા.

મહેશ ચોક્સી