ફિલિપ્સ, એ. ડબ્લ્યૂ. એચ. (જ. 1914; અ. 1975) : જાણીતા અર્થશાસ્ત્રી. વિદ્યુત ઇજનેર તરીકે શરૂઆતમાં ઘણી પેઢીઓમાં કામ કર્યું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન ઇંગ્લૅન્ડના વિમાની દળમાં તકનીકી નિષ્ણાત તરીકે સેવાઓ આપી. 1950માં લંડન સ્કૂલ ઑવ્ ઇકોનૉમિક્સમાં અર્થશાસ્ત્ર વિભાગમાં જોડાયા (1950–58). 1958માં લંડન યુનિવર્સિટીમાં ‘ટૂક પ્રોફેસર ઑવ્ ઇકોનૉમિક્સ, સાયન્સ ઍન્ડ સ્ટેટિસ્ટિક્સ’ના પદ પર નિમાયા (1958–67). 1968માં ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટીના કૅમ્બેરા ખાતેના અર્થશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે જોડાયા, જ્યાં અવસાન સુધી કામ કર્યું.

ગુણક અને ગતિવર્ધનના આંતરસંબંધો અંગે તથા સમષ્ટિલક્ષી આર્થિક સંબંધોના વિશ્લેષણ માટે ઇજનેરી તકનીકના ઉપયોગ દ્વારા તેમણે પ્રદાન કર્યું છે, પરંતુ નાણાકીય વેતનમાં થતા ટકાવારી ફેરફારો અને બેરોજગારીની સપાટી વચ્ચેના અનુભવાશ્રિત વિગતો પર આધારિત આંતરસંબંધો જે ‘ફિલિપ્સ રેખા’ તરીકે જાણીતા થયા છે તેના માટે તેઓ વિશેષ જાણીતા બન્યા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે