ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ

February, 1999

ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમ (1883) : ભારતના પાટનગર દિલ્હીમાં આવેલું એ નામનું સ્ટેડિયમ. તે 40થી 45 હજાર પ્રેક્ષકો સમાવવાની ક્ષમતા ધરાવે છે.

મુહમદ તઘલખના ઉત્તરાધિકારી ફિરોજશાહ (1351–1388) તઘલખે ફિરોજાબાદ વસાવ્યું. તે પરથી તે સ્થળ ફિરોજશાહ કોટલા તરીકે પ્રસિદ્ધ છે. દિલ્હીના કેટલાક અગ્રણીઓ અને કેટલાંક દેશી રજવાડાંઓના રાજવીઓએ મળીને 1883માં ફિરોજશાહ કોટલા સ્ટેડિયમ બંધાવ્યું હતું. 1933માં વિજયનગરના મહારાજા(બ)એ વાઇસરૉય લૉર્ડ વિલિંગ્ડનની સ્મૃતિમાં વિલિંગ્ડન પેવિલિયન બંધાવ્યું હતું.

દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની સ્થાપના 1930માં થવા છતાં તેનું પોતાનું ક્રિકેટ સ્ટેડિયમ નહોતું. હાલ આ સ્ટેડિયમની માલિકી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનની છે. સ્ટેડિયમમાં ઘણા સુધારા-વધારા કરી તેને અદ્યતન બનાવવામાં આવ્યું છે.

1948–49માં ટ્રેવર ગોડાર્ડના નેતૃત્વ હેઠળ વેસ્ટ ઇન્ડિઝની ક્રિકેટ ટીમે ભારતનો પ્રવાસ ખેડ્યો હતો ત્યારે ભારત–વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની સૌપ્રથમ ટેસ્ટ 10થી 14 નવેમ્બર 1948 દરમિયાન ફિરોઝશાહ કોટલા મેદાન પર રમાઈ હતી અને એ સાથે દિલ્હીમાં ટેસ્ટક્રિકેટના શ્રીગણેશ થયા હતા. ફિરોઝશાહ કોટલા મેદાન આજેય ભારતનું એક મહત્વનું ટેસ્ટ મેદાન છે.

જગદીશ બિનીવાલે