ફિર્સેન હાઇલિકન ચર્ચ

February, 1999

ફિર્સેન હાઇલિકન ચર્ચ (1743) : પાશ્ચાત્ય સ્થાપત્યની ધાર્મિક ઇમારતોની શૈલીમાં રેનેસાં પછી અઢારમી સદીનું અત્યંત અગત્યનું સ્થાપત્ય. તે સંકલિત ક્ષેત્રના વિકાસ સાથે સંકળાયેલું રહેલું. ગણિતશાસ્ત્રના વિકાસ સાથે લંબ ગોળાકાર ક્ષેત્રોની ગણતરી વગેરે શક્ય બન્યાં અને તેનાથી ઇમારતોની ઇજનેરી વિગતોનું પૃથક્કરણ પણ શક્ય બન્યું. આને લીધે સ્થપતિઓ અને ઇજનેરો મકાનોના આયોજનમાં લંબગોળાકાર બાંધકામો અજમાવવા લાગ્યા જેનાથી ચર્ચની અંદરની યોજનાઓ – વિવિધ જરૂરિયાતોને અનુરૂપ અત્યંત આકર્ષક રીતે એકબીજી સાથે સંયોજિત થવા લાગી. લંબગોળાકાર, સ્થાપત્યશૈલી રેનેસાં પછીની ઇજનેરી વિજ્ઞાનની ર્દષ્ટિએ એક અત્યંત મહત્વાકાંક્ષી-પ્રણાલી બની રહી. આ શૈલીનાં ર્દષ્ટાંતો ખાસ કરીને જર્મનીમાં ખૂબ જ જોવા મળે છે. ત્યાં બરોક શૈલીની એક શાખા રૂપે આ શૈલી સુવિકસિત થઈ. આ શૈલીનો એક ર્દષ્ટાંત રૂપે ફિર્સેન હાઇલિકનનું ચર્ચ મહત્વની ઇમારત છે.

આ દેવળમાં મુખ્ય ભાગ 3 લંબગોળાકાર ક્ષેત્રમાં વહેંચાયેલ છે. તેના વડે તેના આધારોની રચના થયેલી છે. આ આધારો તેની ઉપર કમાનાકાર રીતે બારીઓની રચના કરી વોલ્ટને બાજુમાંથી ખુલ્લો રખાય છે તેનાથી દેવળના આંતરિક વિસ્તારમાં કુદરતી ઉજાસ આવી શકે છે. આ જાતની વિશિષ્ટ બાંધકામની શૈલી વોલ્ટની ઇજનેરી શક્યતાઓના વિકાસને લીધે જ શક્ય બનેલ. આ અંદરના વિસ્તારની સાથે દેવળની અન્ય ધાર્મિક જરૂરિયાતોને અનુરૂપ અલાયદી વ્યવસ્થા માટે પણ લંબગોળકાર વિભાગોને આવરી લેવાયેલ.

આ સમગ્ર રચનામાં ઇમારત એક સળંગ બાહ્ય આવરણ તરીકે જોવા મળે છે અને તેના વિસ્તારને અનુરૂપ તેના આંતરિક વિભાગો સાથે અત્યંત સંકલિત ઇમારત તરીકે વણાઈ ઇજનેરી કૌશલ્યના વિકાસમાં અને સ્થાપત્યના ઇતિહાસમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે.

રવીન્દ્ર વસાવડા