ફિરોજાબાદ : ઉત્તરપ્રદેશ રાજ્યના પશ્ચિમ ભાગમાં  આવેલો જિલ્લો, તાલુકો અને તે જ નામ ધરાવતું જિલ્લામથક, તાલુકામથક તથા શહેર. ભૌ. સ્થાન : તે 27° 09´ ઉ. અ. અને 78° 25´ પૂ. રે.ની આજુબાજુના પ્રદેશને આવરી લે છે. તેનો કુલ વિસ્તાર આશરે 2,362 ચોકિમી. જેટલો છે. તેની ઉત્તર, ઈશાન અને વાયવ્યમાં ઇટાહ જિલ્લો, પૂર્વ તરફ મૈનપુરી જિલ્લો, અગ્નિ તરફ ઇટાવાહ જિલ્લો, દક્ષિણ તરફ આગ્રા જિલ્લો તથા પશ્ચિમ તરફ મથુરા જિલ્લો આવેલા છે.

પ્રાકૃતિક રચના-જળપરિવાહ : આ જિલ્લો યમુના નદીના દોઆબના પ્રદેશમાં આવેલો છે. મોટાભાગની જમીનો નદીના કાંપથી બનેલી છે. જિલ્લાના નૈર્ઋત્ય અને દક્ષિણ ભાગની સીમા પરથી યમુના નદી પસાર થાય છે, યમુનાને મળતી શાખા-નદીઓમાં સિરસા, અરિન્ડ અને સેનગરનો સમાવેશ થાય છે. અહીં યમુનાએ ઘણાં નાનાં કોતરો રચ્યાં છે તથા તે નાના-મોટા, પહોળા-સાંકડા વળાંકોમાં વહે છે. અહીંના કેટલાક ભાગમાં જમીનો સમતળ છે; પરંતુ સખત હોવાથી ખેતી માટે અનુકૂળ આવતી નથી. જિલ્લામાં સરોવરો પણ આવેલાં છે.

વનસ્પતિ-પ્રાણીજીવન : જિલ્લામાં બાવળનાં વૃક્ષોનું પ્રમાણ વધુ જોવા મળે છે, જંગલી ઝાંખરાં તેમજ જંગલી પ્રાણીઓનું પ્રમાણ ઓેછું છે; તેમ છતાં કોતરોમાં દીપડા, ચિત્તા, વરુ, જરખ તથા અન્યત્ર કાળિયાર, નીલગાય, ચિંકારા જેવાં પ્રાણીઓ વસે છે. સરોવરો નજીક જંગલી પ્રાણીઓ જોવા મળે છે. યમુના નદીના થાળાના વિસ્તારમાં જુદી જુદી જાતનાં પક્ષીઓ તથા કૂવાઓમાં કબૂતરો વસે છે.

ખેતી : જિલ્લાના ઘણાખરા વિસ્તારોમાં વર્ષમાં ત્રણ પાક લેવાય છે. ડાંગર, બાજરો, મકાઈ અને ઘઉં અહીંના મુખ્ય કૃષિપાકો છે. મોટાભાગની ખેતી કૂવા–પાતાળકૂવાની સિંચાઈથી કરવામાં આવે છે. ખેતી સાથે પશુપાલન પણ થાય છે. ગાય, બળદ, ભેંસ, ઘેટાં, બકરાં જેવાં પશુઓનો ઉછેર થાય છે, પરંતુ તેમની ઓલાદ ઊતરતી કક્ષાની છે. તેમને માટે પશુદવાખાનાંની સગવડ છે. આ ઉપરાંત ડુક્કર તથા મરઘાં-ઉછેર-કેન્દ્રો પણ વિકસ્યાં છે.

ઉદ્યોગો : ફિરોજાબાદ અને કાચનો માલસામાન આ બે પર્યાયો ભારતભરમાં સમાનાર્થી બની રહેલા છે. ભારતનું કાચના માલસામાનનું 70% જેટલું ઉત્પાદન ફિરોજાબાદની વાંકીચૂકી ધૂળિયા શેરીઓમાંથી થાય છે. અહીંના આ ઉદ્યોગમાં 350 જેટલા અધિકૃત એકમો વિકસ્યા છે, જેમાં આશરે દોઢ લાખ માણસો કામ કરે છે. બંગડીઓના ઉત્પાદનનો ઇજારો ફિરોજાબાદ ભોગવે છે. એકલું ફિરોજાબાદ જ બે લાખ ટન કાચનું ઉત્પાદન કરે છે, તેનું વાર્ષિક ટર્ન ઓવર આશરે 100 કરોડ રૂપિયાનું ગણાય છે. અહીંનાં બધાં કારખાનાં 40 કિમી. ત્રિજ્યાના વિસ્તારમાં પથરાયેલાં છે, આ વિભાગ ‘તાજ ટ્રપેઝિયમ’ નામથી જાણીતો છે. 1992માં અહીં સેન્ટર ફૉર ધ ડેવલપમેન્ટ ઑવ ગ્લાસ-ઇન્ડસ્ટ્રી(CDGI)ની સ્થાપના કરવામાં આવી છે. આ યુનાઇટેડ નૅશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઉત્તરપ્રદેશ સરકાર – બંનેનું સંયુક્ત સાહસ છે. આ ઉપરાંત અહીં ઇંધન માટેના કુદરતી વાયુની પ્રાપ્તિ માટે ગૅસ ઑથોરિટી ઑવ્ ઇન્ડિયા લિમિટેડ (GAIL) પણ સ્થપાયું છે.

વેપાર : આ જિલ્લામાં કાચ, કાચનો માલસામાન બંગડીઓ અને અન્ય કાચનાં વૈજ્ઞાનિક ઉપકરણો, આરસપહાણની ચીજવસ્તુઓ, માટીનાં રમકડાં, સાબુ, પગરખાં, લોખંડનો સામાન તથા ચોખા અને કઠોળનો વેપાર થાય છે. આ બધી ચીજવસ્તુઓ ઉપરાંત વીજળીના ગોળા, યાંત્રિક ચીજો, ખાદ્યાન્ન, શાકભાજી અને બટાટા અહીંથી બહાર મોકલાતો નિકાસી સામાન છે; જ્યારે આયાતી ચીજોમાં સોડા-ઍશ, સોડિયમ, અગ્નિજિત ઈંટો, કાપડ, કંતાન, અનાજ, રોજબરોજની ઉપયોગની વસ્તુઓ, ચામડું, ખાંડ, કાચ વગેરેનો સમાવેશ થાય છે.

પરિવહન : જિલ્લામથક ફિરોજાબાદ તેના વેપાર-વાણિજ્ય તેમજ લોકોની અવરજવરની સુવિધા માટે એક તરફ ટુંડલા અને અલીગઢ મારફતે તથા બીજી તરફ કાનપુર દ્વારા દિલ્હી સાથે સંકળાયેલું છે. ફિરોજાબાદ આગ્રા સાથે બ્રૉડગેજ રેલમાર્ગથી જોડાયેલું છે. કાનપુરને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 2 અને જિલ્લામાર્ગ ફિરોજાબાદમાંથી પસાર થાય છે. જિલ્લાભરમાં માર્ગો સારી રીતે ગૂંથાયેલા જોવા મળે છે.

જોવાલાયક સ્થળો : જિલ્લામાં પ્રવાસન-યોગ્ય જોવાલાયક સ્થળો ઘણાં છે. જસરાના તાલુકામાં આવેલા પધમ ગામમાં લોકવાયકા મુજબ પૌરાણિક રાજા જનમેજયે તૈયાર કરાવેલો એક ખાડો છે, જેને અહીંના સ્થાનિક લોકો પરીક્ષિતકુંડ તરીકે ઓળખે છે અને તેને ઘણું ધાર્મિક મહત્ત્વ આપે છે. આ ઉપરાંત પરીક્ષિતનો પ્રાચીન કૂવો, પાષાણશિલ્પો તથા કિલ્લાનાં ખંડિયેરો અહીં આવેલાં છે. જસરાના તાલુકા પૈન્ધાત (Paindhat) સ્થળે આવેલા જોખૈયાના મંદિરે વર્ષમાં બે વાર, મહા અને અષાઢ માસમાં મોટા મેળા ભરાય છે. વળી વારતહેવારે જુદી જુદી જગાઓમાં પણ મેળાઓ ભરાય છે તથા પરંપરાગત તહેવારોની ઉજવણી પણ થાય છે.

વસ્તી–વસાહતો : 1991 મુજબ આ જિલ્લાની વસ્તી 15,33,054 જેટલી છે. આ પૈકી 75% ગ્રામીણ અને 25% શહેરી છે; આશરે 88% હિન્દુ, 10% મુસ્લિમ, 1% જૈન છે અને બાકીના 1%માં બૌદ્ધ, શીખ, ખ્રિસ્તી તથા અન્યનો સમાવેશ થાય છે. વસ્તી પૈકી આશરે 37% લોકો શિક્ષિત છે. અહીંનાં મોટાભાગનાં નગરો અને શહેરોમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓ છે. ફિરોજાબાદમાં નવ જેટલી ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ તથા પુસ્તકાલય છે. ફિરોજાબાદ તેમજ કેટલાંક નગરોમાં દવાખાનાંની સગવડો ઉપલબ્ધ છે. અહીં મુખ્ય ભાષા હિન્દી છે, ઉર્દૂ બીજા ક્રમે ઉપયોગમાં લેવાતી ભાષા છે.

વહીવટી વિભાજન : 1981થી 90ના દસકા દરમિયાન મૂળ આગ્રા જિલ્લાના ફિરોજાબાદ તાલુકાને તથા મૈનપુરી જિલ્લાના જસરાના અને શિકોહાબાદ તાલુકાઓને અલગ કરી નવા ફિરોજાબાદ જિલ્લાની રચના કરવામાં આવેલી છે, તેમજ આ નવા જિલ્લામાં પણ એ જ તાલુકાઓને યથાવત્ રાખવામાં આવેલા છે. આ ઉપરાંત ફિરોજાબાદ, જસરાના, શિકોહાબાદ, ટુંડલા, એકા, ખેરગઢ, નારખી, અરાવન અને મદનપુરના નવ સમાજ-વિકાસ-ઘટકો બનાવેલા છે. જિલ્લામાં 9 નગરો અને 815 ગામડાં (20 વસ્તીવિહીન) આવેલાં છે.

ફિરોજાબાદ (શહેર) : ફિરોજાબાદ જિલ્લાનું મુખ્ય શહેર. ભૌ. સ્થાન : 27° 09´ ઉ. અ. અને 78° 25´ પૂ. રે. પર આગ્રા–મૈનપુરી માર્ગ પર આવેલું છે. અહીં એક જૂની મસ્જિદ, મંદિર, હૉસ્પિટલ અને ગિરજાઘર આવેલાં છે. આ શહેરમાં કપાસ લોઢવાનાં જિન તથા કાચની બંગડીઓ બનાવવાનું કામ વિશેષ પ્રમાણમાં થાય છે. મુઘલ શહેનશાહ અકબરના આદેશથી સોળમી સદીમાં મલિક ફિરોજ નામના એક હીજડાએ નષ્ટ થઈ ગયેલા આ નગરનો પુનરુદ્ધાર કરાવેલો. 1991 મુજબ આ શહેરની વસ્તી 2,71,000 જેટલી છે.

ગિરીશભાઈ પંડ્યા