ફિરિશ્તા, મોહંમદ કાસિમ (જ. 1570; અ. 1620) : યુરોપના ફારસી તવારીખનવીસોમાં પ્રસિદ્ધ ઇતિહાસકાર. કાસ્પિયન સમુદ્રને કિનારે આવેલા અસ્તરાબાદ મુકામે જન્મ્યા હતા. તેમના પિતા ગુલામઅલી હિન્દુશાહ પણ વિદ્વાન પુરુષ હતા, ફિરિશ્તાને બાલ્યાવસ્થામાં પોતાની સાથે હિંદ લઈ આવીને દક્ષિણ હિંદમાં અહમદનગર મુકામે વસવાટ કર્યો હતો. અહીં મુર્તુઝા નિઝામશાહે પોતાના પુત્ર મીરાન હુસયનના શિક્ષણ અર્થે તેમને શિક્ષક તરીકે નીમ્યા હતા. ફિરિશ્તા પોતાના પિતાના અવસાન પછી કેટલોક સમય મુર્તુઝા નિઝામશાહના આશ્રય અને નોકરીમાં રહ્યા. 1589માં અહમદનગરની સ્થાનિક રાજકીય ઘટનાઓથી તંગ આવીને બીજાપુર જઈને રહ્યા. અહીં બીજાપુરમાં વજીર દિલાવરખાને તેમનો પરિચય ઇબ્રાહીમ આદિલશાહ સાથે કરાવ્યો. ઇબ્રાહીમ આદિલશાહે સત્ય હકીકતો પર આધારિત અને ખાસ કરીને દક્ષિણના ઇતિહાસને આવરી લે તેવો ઇતિહાસ લખવા માટે ફરમાવ્યું.
મોહંમદ કાસિમ ફિરિશ્તાએ બીજાપુરના એલચી તરીકે મુઘલ શહેનશાહ જહાંગીરના દરબારમાં પોતાની સેવાઓ આપી હતી. ઈ. સ. 1606માં જહાંગીરના કાશ્મીરપ્રવાસ દરમિયાન લાહોરમાં ફિરિશ્તાની મુલાકાત થઈ હતી.
ફિરિશ્તાની કૃતિઓમાં ‘તારીખે ફિરિશ્તા’ પ્રસિદ્ધ છે. તે ‘ગુલશને ઇબ્રાહીમી’ તરીકે પણ જાણીતી છે. તેમાં ફારસી કવિઓની ઉક્તિઓનો પણ સમાવેશ થયો છે. તેની શૈલી અલંકૃત છે. આમ છતાં તે સરળ અને સ્પષ્ટ છે. આ કૃતિની રચના વિશ્વાસપાત્ર ગ્રંથોને આધારે થઈ છે અને લેખક ઐતિહાસિક સત્યોને વફાદાર રહ્યા છે. તેમાં કોઈ કોમ, જાતિ કે ધર્મ તરફ પક્ષપાત નથી તથા પોતાના આશ્રયદાતા એવા શાહની ખુશામત પણ નથી. ‘તારીખે ફિરિશ્તા’ ઇતિહાસ ઉપરાંત સાહિત્યની ર્દષ્ટિએ પણ ઉપયોગી અને અગત્યની કૃતિ છે.
ફિરિશ્તાએ તેમના ગ્રંથમાં તેરમીથી સોળમી સદી સુધીનો દિલ્હી સલ્તનત અને ભારતનાં અન્ય રાજ્યોનો ઇતિહાસ લખવા માટે વિવિધ સંદર્ભોનો ઉપયોગ કર્યો છે. તેમણે બહ્મની રાજ્યો અને વિજયનગર સામ્રાજ્યનો ઇતિહાસ લેખિત અને મૌખિક માહિતી તથા અહમદનગર અને બીજાપુર રાજ્યના સુલતાનોની તેમની નોકરીઓના અનુભવના આધારે લખ્યો છે. જહાંગીરના અમલ દરમિયાન તેમણે ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો હતો. તેના અનુભવના આધારે શરૂના મુઘલ શહેનશાહો વિશે પણ લખ્યું છે. સમકાલીન પુરાવાના આધારે ફિરિશ્તાનો હેવાલ પ્રમાણભૂત માનવામાં આવે છે. એમાં 1583 સુધીનો ગુજરાતનો સળંગ ઇતિહાસ આપ્યો છે. આ ગ્રંથ તેમણે 1611માં પૂરો કર્યો હતો.
ઈસ્માઈલ કરેડિયા