ફિરાસ-અબૂલ (‘અબૂલ ફિરાસ’)

February, 1999

ફિરાસ-અબૂલ (‘અબૂલ ફિરાસ’) (જ. 932) : અરબી ભાષાના ખ્યાતનામ કવિ. પૂરું નામ અલ-હારિસ બિન અલી અલ-આલા સઈદ બિન હમ્દાન અલ-તઘલિબી અલ-હમ્દાની છે. તેઓ ઇરાકના તઘલિબી વંશના નબીરા હતા. તેઓ નાની વયે મન્બિજ તથા હર્રાનના ગવર્નર બન્યા હતા. તેમણે ભરયુવાનીમાં બાઇઝૅન્ટાઇન રાજ્ય વિરુદ્ધની લડાઈઓમાં ભાગ લીધો હતો અને કૉન્સ્ટન્ટિનૉપલ શહેરમાં રોમનોની કેદમાં પણ રહ્યા હતા. તેમણે આ કારાવાસમાં જે કાવ્યો લખ્યાં હતાં તે ‘રૂમિયાત’ના નામે ઓળખાય છે.

અબૂલ-ફિરાસ દેખાવડા અને બહાદુર તેમજ ઉદાર સજ્જન હતા. તેમણે શરૂઆતમાં અરબીની પ્રાચીન શૈલીમાં કાવ્યો લખ્યાં હતાં. પાછળથી ઇરાકી શૈલીમાં પ્રેમવિષયક સુંદર ગીતો પણ લખ્યાં. અબૂલ-ફિરાસની કવિતામાં સચ્ચાઈ, નિખાલસતા, અકૃત્રિમતા અને સહજભાવ જોવા મળે છે. તેમના મૃત્યુ પછી તેમના ગુરુ અને પરમમિત્ર ઇબ્ન ખાલૂયા(અ. 980)એ અબૂલ-ફિરાસના કાવ્યસંગ્રહનું સંપાદન કર્યું હતું અને તેની ઉપર ટિપ્પણી પણ લખી હતી.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી