ફિરાક, રઘુપતિસહાય ગોરખપુરી (જ. 18 ઑગસ્ટ 1896, ગોરખપુર; અ. 3 માર્ચ 1982, દિલ્હી) : ઉર્દૂના ખ્યાતનામ કવિ અને જ્ઞાનપીઠએવૉર્ડ વિજેતા. તે સમીક્ષક તરીકે પણ નામના પામ્યા છે. તેમના પિતા પણ ઉર્દૂના એક સારા કવિ હોઈ ફિરાકને કવિતાના સંસ્કાર વારસામાં મળ્યા હતા. 1913માં જ્યુબિલી સ્કૂલ, ગોરખપુરમાં માધ્યમિક શિક્ષણ મેળવીને અલાહાબાદની મ્યૂર સેન્ટ્રલ કૉલેજમાં દાખલ થયા. 1918માં અલાહાબાદ યુનિવર્સિટીમાંથી બી.એ.ની પરીક્ષા પાસ કરી. 1919માં આઇ.સી.એસ. માં પ્રવેશ મેળવ્યો.
આ સમયે ભારતમાં ગાંધીજીની દોરવણી હેઠળ સ્વાતંત્ર્ય આંદોલન પૂરજોશમાં ચાલતું હતું. ફિરાક પણ આ આંદોલનમાં જોડાયા. પરિણામે ભારે મુશ્કેલીઓ અને કસોટીનો સામનો કરવો પડ્યો. તેમના પિતાનું અને મોટાભાઈનું અવસાન થયું. અણગમતા સાથી સાથે લગ્ન થયાં. જીવનની ખૂબ જ કપરી ઘડીઓમાંથી તેઓ પસાર થતા હતા. પિતાની માંદગીએ મોટું કરજ માથા ઉપર ખડક્યું હતું. પિતાની નાનીમોટી મિલકતમાંથી કરજ ચૂકવવાની સાથે સાથે જીવન થોડું સરળ બન્યું.
પ્રિન્સ ઑવ્ વેલ્સનું 1920માં ભારતમાં આગમન થયું. તે વખતે ફિરાક પણ પકડાયા અને આગ્રા જેલમાં મોકલી દેવાયા; ત્યાં અન્ય મહાનુભાવોની સાથે સાથે મહાદેવભાઈ દેસાઈનો સાથ સાંપડ્યો. આ ગિરફતારી 6 ડિસેમ્બર 1920ના રોજ થઈ હતી. આ જેલયાત્રામાં તેમના કાવ્યલેખનના સંસ્કારો પક્વ થયા. અહીંયાં જે કેદીઓ હતા તેમણે દર અઠવાડિયે મુશાયરાનું આયોજન કરવાનું નક્કી કર્યું.
કવિતાની સાથે સાથે ફિરાક જેલમાં હિન્દીમાં નિબંધો-લેખો લખતા, જે ખ્યાતનામ લેખક મુનશી પ્રેમચંદને મોકલાતાં, પ્રસિદ્ધ થયા.
જેલમુક્તિ પછી, એક વખતે જવાહરલાલ નેહરુ ગોરખપુર આવ્યા, ફિરાકના મહેમાન થયા અને દૂરંદેશી સ્વભાવના કારણે ફિરાકની આર્થિક સ્થિતિને પામી જઈ ફિરાકને ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીના અન્ડર સેક્રેટરી તરીકે અલાહાબાદ જઈ ઑફિસની સઘળી જવાબદારી સંભાળી લેવા જણાવ્યું.
આ જવાબદારી બદલ તેમને મહિને રૂ. 250 મળતા થયા. ફિરાક કવિતા તથા ગઝલો લખતા રહ્યા પરંતુ તેમાંથી કંઈ મળતું નહિ. ફિરાકે હિન્દીમાં ઉર્દૂના કેટલાક અગ્રણી કવિઓ ઉપર સમીક્ષા લખવા માંડી તેમાં રિયાઝ થૈરાબાદી, આઝાદ અન્સારી, અઝીઝ લખનવી તેમજ મૌલાના માહંમદઅલી ‘જૌહર’ સામેલ હતા. ફિરાકના લેખો ખૂબ વખણાયા. તેમાંથી તેમને થોડીઘણી આવક થઈ. આ બધાની વચ્ચે ફિરાકે ગંભીરતાપૂર્વક સાહિત્યલેખનની શરૂઆત જાણીતી પત્રિકા ‘ઝમાના’માં લેખ લખીને કરી; તેમાં ફિરાકના લેખોએ સમીક્ષાક્ષેત્રે એક નવો દિશાનિર્દેશ કર્યો. એની સાથે ફિરાકની આગવી સર્જનપ્રતિભા ઊભરી આવી. જ્યારે પંડિત નહેરુ બે વર્ષ માટે યુરોપના પ્રવાસે ગયા ત્યારે માનસિક એકાંતથી કંટાળી તેઓ શિક્ષણક્ષેત્રમાં પાછા ફર્યા. પહેલાં ક્રિશ્ચિયન કૉલેજ, લખનૌ અને ત્યારબાદ સનાતનધર્મ કૉલેજ, કાનપુરમાં વ્યાખ્યાતા તરીકે જોડાયા. પોતાનો અભ્યાસ આગળ વધારીને 1930માં આગ્રામાંથી અંગ્રેજી વિષય સાથે પ્રથમ વર્ગમાં એમ.એ.ની ઉપાધિ મેળવી અને અલાહાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીના વ્યાખ્યાતા તરીકે જોડાયા.
આમ ફિરાક એક અધ્યાપક તરીકે પણ જાણીતા બન્યા. ગાંધીજીએ ફિરાકને ગૂજરાત વિદ્યાપીઠમાં પ્રોફેસર તરીકે જોડાવા ઇચ્છા બતાવી. પરંતુ ફિરાકે પોતાના વતન ગોરખપુરમાં જ રહીને લોકસેવા અને સંગઠનનું કામ કરવા રજા માંગી.
ઉર્દૂ ભાષા અને સાહિત્યને ફિરાકની સૌથી મોટી દેન એ રહી છે કે તેમણે પોતાની કવિત્વશક્તિ દ્વારા ઉર્દૂ ભાષાની ઐતિહાસિક બિન-સાંપ્રદાયિક લાક્ષણિકતાને સજ્જતા સાથે પ્રગટ કરી.
આ ઉર્દૂ ભાષાની કવિતાની બુનિયાદ ભારતીય પ્રેમમાર્ગ, નિર્ગુણવાદ, ઇસ્લામી સૂફીવાદ અને ઈરાની સૌંદર્યલક્ષિતાના અભિગમ ઉપરાંત હિન્દુ-મુસ્લિમ સભ્યતા ઉપર મૂકવામાં આવી છે. તેનું ઉર્દૂ શાયરીના ઇતિહાસમાં સૌથી પ્રબળ અને પ્રશંસનીય ઉદાહરણ ફિરાકની કવિતા છે. તેથી જ સમગ્ર ઉર્દૂ કવિતામાં ફિરાકની રચનાઓ ઉચ્ચતમ સ્થાને રહી છે.
ફિરાકને તેમની કવિતા માટે અનેક પારિતોષિકો મળ્યાં છે. ઉપરાંત 1961માં સાહિત્ય એકૅડેમી ઍવૉર્ડ, 1968માં પદ્મભૂષણ, 1980માં સૉવિયેટ લૅન્ડ નહેરુ ઍવૉર્ડ અને 1981માં ગાલિબ ઍવૉર્ડ મળ્યા હતા. 1971માં તેમને જ્ઞાનપીઠ ઍવૉર્ડ એનાયત થવાથી તેમની સાહિત્યસેવાની ઉચિત કદર થઈ.
ફિરાકનાં પુસ્તકોમાં ‘ગુલેનગ્મા’, ‘ગુલબાંગ’, ‘શોલ-એ સાઝ’, ‘મશઅલ’, ‘શેરસ્તાન’, ‘શબનમિસ્તાન’, ‘ગઝલસ્તાન’, ‘ધરતી કી કરવટ’, ‘હમીર દાસ્તાન’, ‘પિછલી રાત’, ‘રૂપ’, ‘રૂહે કાયનાત’ ઉપરાંત ગદ્યમાં ‘અંદાઝે’, ‘ઉર્દૂ કી ઇશ્કિયા શાયરી’ તથા ‘મન આનમ’ (પત્રો) તેમજ હિન્દી અને અંગ્રેજીમાં તેમના લેખો પ્રસિદ્ધ થયાં છે. તેમણે ટાગોરનાં 101 કાવ્યોનો ઉર્દૂ અનુવાદ પણ પ્રગટ કર્યો છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા