ફિબિગર, જૉહાનિસ (ઍન્ડ્રિયાસ ગ્રિબ) (જ. 23 એપ્રિલ 1867, સિલ્કબર્ગ, ડેન્માર્ક; અ. 30 જાન્યુઆરી 1928, કોપનહેગન) : સુખ્યાત ડૅનિશ રુગ્ણવિદ (pathologist). પ્રયોગશાળામાંનાં પ્રાણીઓમાં નિયંત્રિત સ્વરૂપે સૌપ્રથમ વાર કૅન્સર-પ્રવેશ કરાવવાની સિદ્ધિ બદલ તેમને 1926માં શરીરક્રિયાવિદ્યા (physiotherapy) કે ઔષધ-વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. આ શોધથી કૅન્સર-સંશોધન-ક્ષેત્રે નિર્ણાયક વિકાસ સાધી શકાયો.
તે રૉબર્ટ કૉક તથા એમિલ વૉન બેરિંગ જેવા જીવાણુવિદ(pathologist)ના વિદ્યાર્થી હતા. પછી તે શરીરરચનાના રોગવિષયક વિજ્ઞાનના કોપનહેગન યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા (1900). ક્ષયગ્રસ્ત ઉંદરોની વાઢકાપ દરમિયાન તેમને તેમાંથી ત્રણનાં શરીરમાં ગાંઠ જોવા મળી. ઉંદરોએ ખાધેલા વાંદાઓમાં જે જીવાણુઓ પ્રવેશેલા હતા તેને કારણે આંતરડામાં થયેલા શોથ(inflammation)નું તે પરિણામ હતું.
1913માં તેમણે આવા જંતુયુક્ત વાંદાઓ ઉંદરડીઓ (mice) તથા ઉંદરોને ખવડાવી તેમનાં શરીરમાં જઠર(stomach)ની અંદર ગાંઠ ઉત્પન્ન કરવામાં સફળ થયા. કૅન્સર શરીરની પેશીઓના ક્ષોભન(irritation)થી થાય છે એ પ્રચલિત ખ્યાલને સમર્થન આપી શકાયું. કૅન્સર થવાનાં બીજાં પણ કારણો હોવાનું પુરવાર થયું છે પણ ફિબિગરની શોધથી એક મહત્વનું સોપાન સર થયું અને કૅન્સરકારક ઘટકોનું રાસાયણિક પ્રક્રિયાથી નિર્માણ કરવાની ભૂમિકા બંધાઈ અને કૅન્સરના આધુનિક સંશોધનક્ષેત્રે તે મહત્વનું યોગદાન બની રહ્યું. ‘ઍક્ટા પૅથોલૉજિકા ઍટ માઇક્રૉબૉતોજિકા સ્કૅન્ડિનૅવિકા’ નામક ગ્રંથના તે એક સ્થાપક-સંપાદક હતા. ‘ઝિગ્લર્સ બેરૅગી’ના સહતંત્રી પણ રહ્યા હતા. પાછળથી એમ પણ પ્રતિપાદિત થયું હતું કે ગાંઠનિર્માણના તેમના દાવા પોકળ હતા.
મહેશ ચોકસી