ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ

February, 1999

ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ (જ. 15 ડિસેમ્બર 1860, તૉસ્વન, ફેરો આઇલૅન્ડ, ડેન્માર્ક; અ. 24 સપ્ટેમ્બર 1904, કોપનહેગન) : ડેન્માર્કના નિષ્ણાત તબીબ. તેઓ આધુનિક ઢબની પ્રકાશચિકિત્સા (phototherapy) અથવા દેહધર્મી વિદ્યા (physiology) [પ્રકાશની સહાયથી રોગની સારવારની પદ્ધતિ]ના સ્થાપક લેખાયા છે. ચામડીના રોગો માટેની સારવારમાં પ્રકાશનો ઉપયોગ કરવા બદલ, તેમને 1903માં શરીરરચનાવિજ્ઞાન અથવા ઔષધવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર અપાયો હતો.

નાઇલ્સ રાઇબર્ગ ફિન્સેન

કોપનહેગન યુનિવર્સિટીમાં વિદ્યાર્થી હતા તે સમયથી જ તેમને પ્રકાશની જીવંત રચનાતંત્ર પર કેવીક અસર થાય છે તે વિશે રસ પડવા લાગ્યો હતો. સૂર્યપ્રકાશથી જીવાણુઓનો નાશ થાય છે એ હકીકતથી તેઓ માહિતગાર હતા. પ્રાચીન ભારતીય શલ્યચિકિત્સક સુશ્રુત પોતાનાં સાધનો સૂર્યપ્રકાશની સહાયથી જીવાણુમુક્ત બનાવતા હતા એ જાણીતું છે. તેમણે ત્વચાવ્યાપી કોષભક્ષિતા (lupus vulgaris) (એક પ્રકારનો ચામડીનો ક્ષયરોગ) માટે અલ્ટ્રાવાયોલેટ સારવારની પદ્ધતિ પ્રયોજી અને તેને ખૂબ સફળતા સાંપડી. તેમની શોધ-કામગીરીને પરિણામે કિરણોત્સર્ગી સારવારને નિર્ણાયક પ્રોત્સાહન સાંપડ્યું. 1846માં કોપનહેગન ખાતે ‘ફિન્સેન્સ મેડિકલ લાઇટ ઇન્સ્ટિટ્યૂટ’ની સ્થાપના કરવામાં આવી, હવે તે ‘ફિન્સેન ઇન્સ્ટિટ્યૂટ’ તરીકે ઓળખાય છે. પોતાના પુરસ્કારની અડધી રકમ તેમણે આ સંસ્થાને દાન રૂપે આપી હતી.

મહેશ ચોક્સી