ફિદા, અબુલ (અબુલ ફિદા ઇમામુદ્દીન) (જ. 1273; અ. 1331) : મધ્યયુગના વિખ્યાત ભૂગોળશાસ્ત્રી તથા ઇતિહાસકાર. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં મમ્લૂક (ગુલામ) વંશના સુલતાનોના એક દરબારી તરીકે કામ કર્યું હતું. મધ્યપૂર્વના પ્રખ્યાત સુલતાન સલાહુદ્દીન અય્યૂબીના વંશજ અબુલ ફિદા 1331માં હમાતના સ્વતંત્ર રાજવી પણ બન્યા હતા. તેઓ પોતે વિદ્વાન હતા અને કવિઓ તથા વિદ્વાનોને આશ્રય આપી પ્રોત્સાહિત કરતા હતા. તેમણે લખેલી સાહિત્ય અને ધર્મ-આધારિત ઘણીબધી કૃતિઓ નષ્ટ થઈ ગઈ હોવા છતાં ઇતિહાસ તથા ભૂગોળ વિશેનાં તેમનાં બે પુસ્તકોને લીધે તેઓ વિખ્યાત બન્યા છે.

અબુલ ફિદાની ઇતિહાસવિષયક કૃતિ ‘તારીખુલ બશર’ છે, જેમાં માનવસંસ્કૃતિનો ઇતિહાસ છે અને ઇસ્લામી ઇતિહાસને પણ તેમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. આ પુસ્તકના મહત્વનો ખ્યાલ એ હકીકત ઉપરથી આવી શકે છે કે પાછળથી ઇબ્નુલ વર્દી, ઇબ્ન હબીબ અલ-દમિશકી તથા ઇબ્નુશ શહના અલ-હલબી જેવા વિદ્વાનોએ તેની ઉપર ટીકાઓ લખી છે. આ ઇતિહાસ 1869–70માં ઇસ્તંબુલથી પ્રકાશિત થયો હતો.

અબુલ ફિદાની ભૂગોળવિષયક કૃતિ ‘તકવીમુલ બુલ્દાન’ 1321માં લખાઈ હતી. તેમાં લેખકે આધુનિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી છે. તેમણે ખાસ કરીને ભૂગોળવિષયક આંકડાકીય માહિતી જુદા જુદા પ્રકારના આલેખો દ્વારા આપી છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી