ફિદાહુસેન (જ. 18 માર્ચ 1899, મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ) : નરસિંહની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા પારસી-હિન્દી રંગભૂમિના નટ, ગાયક, ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. 18 વર્ષની યુવાન વયે કુટુંબની અનિચ્છા છતાં, મુરાદાબાદની રૉયલ ડ્રામૅટિક ક્લબમાં જોડાયા. 1918માં મુંબઈની ‘ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની’માં એના નિર્દેશક પંડિત રાધેશ્યામની દેખરેખ હેઠળ તેમને અભિનયની બહોળી તકો સાંપડી અને પછીનાં તેર વર્ષોમાં ‘મહાભારત’, ‘અભિમન્યુ’ અને ‘હરિશ્ચંદ્ર’ જેવાં અનેક નાટકોમાં મુખ્ય ભૂમિકાઓ ભજવી. 1924માં અમદાવાદમાં પ્રસ્તુત એ નાટક કંપનીનું ‘ભક્ત પ્રહલાદ’ નાટક ગાંધીજીએ વખાણ્યું હતું.

1942માં એમની મુખ્ય ભૂમિકાવાળા ‘ભક્ત નરસિંહ મહેતા’ નાટકના સતત 300 શો દિલ્હીમાં હાઉસફુલ થયા અને ત્યારે એમને ‘નરસિંહ’ ઉપનામ મળ્યું. એમની સંવાદછટા અને સ્વરોના આરોહ-અવરોહ ઉપર પ્રેક્ષકો મુગ્ધ થતા. એમના સુરીલા કંઠે ગવાતાં ગીતો પણ ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. 1932માં કલકત્તામાં એચ.એમ.વી. ગ્રામોફોન કંપનીએ એમને નાટ્યદિગ્દર્શક તરીકે લીધા અને ગીત, ગઝલ, ભજન તથા નાટકોનાં ગાયનોની 200 ગ્રામોફોન રેકર્ડ તેમની પાસે તૈયાર કરાવી. 1949માં કલકત્તામાં તેમણે ‘મૂનલાઇટ નાટક કંપની’ સ્થાપી અને 250 જેટલાં ઐતિહાસિક, સામાજિક અને ક્રાંતિકારી નાટકો જાતે લખીને ભજવ્યાં. 1932 પછી ‘મસ્તાના’, ‘દિલફરોશ’ વગેરે દોઢેક ડઝન જેટલી હિન્દી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો. ‘પારસી રંગમંચ કા ઇતિહાસ’ પુસ્તકમાં એમણે પોતાના અનુભવો નિરૂપ્યા છે. ડૉ. પ્રતિભા અગ્રવાલે ‘પારસી રંગમંચ મેં ફિદાહુસેન કે પચાસ સાલ’ નામના ગ્રંથમાં તેમના પ્રદાનની છણાવટ કરી છે. કેન્દ્રીય સંગીત-નાટક એકૅડેમી, ઉત્તરપ્રદેશ નાટક અકાદમી વગેરેએ તેમના નેવુંમા જન્મદિને ‘રંગમંચસમ્રાટ’ની ઉપાધિ પણ તેમને અર્પણ કરી હતી. ઉત્તરાવસ્થામાં ફિદા હુસેન નાટ્યવિદ્યાશિક્ષણમાં પરોવાયેલા છે.

હસમુખ બારાડી