ફારયાબી, ઝહીર (જ. – ફારયાબ, બલ્ખ શહેર, મધ્ય એશિયા; અ. 1221–22) : ફારસી કવિ. આખું નામ અબુલ ફઝલ તાહિર બિન મોહમ્મદ ઝહીરુદ્દીન ફારયાબી. તેઓ ફારસી અને અરબી ભાષા તથા તત્વજ્ઞાન અને ધર્મજ્ઞાનમાં નિપુણ હતા. તેમના કસીદા(પ્રશંસા)-કાવ્યોને લઈને ફારસીના પ્રશિષ્ટ કવિઓમાં તેઓ અગત્યનું સ્થાન ધરાવે છે.
ઝહીર ફારયાબીની પ્રકૃતિ કવિની હતી. તેઓ સહજ રીતે ઉત્તમ કાવ્યોનું સર્જન કરી શકતા હતા તેથી તેમને મધ્ય એશિયાના કેટલાય રાજદરબારોમાં માન-મરતબો મળી શક્યો હતો. તેમના પોતાના કથન મુજબ કવિતા પર તેમનો જીવનનિર્વાહ ચાલતો હતો.
તેમને તબરીઝ શહેરના ‘કવિઓના મકબરા’માં દફનાવવામાં આવ્યા હતા.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી