ફાયલાઇટ : ઑલિવીન વર્ગનું લોહઘટકયુક્ત ખનિજ. રાસા. બં. : 2FeO·SiO2. સ્ફ.વ. : ઑર્થોરહોમ્બિક. સ્ફ.સ્વ. : સ્ફટિકો મેજઆકાર, જાડા, છેડાઓ ક્યારેક ફાચર જેવા અણીવાળા; સામાન્ય રીતે દળદાર, ઘનિષ્ઠ, દાણાદાર, યુગ્મતા જો મળે તો (100) ફલક પર, પણ અસામાન્ય; સ્ફટિકો પારદર્શકથી પારભાસક. સંભેદ : (010) અને (100) ફલકને સમાંતર – અપૂર્ણ ભંગસપાટી : વલયાકાર, બરડ. ચમક : કાચમયથી ગ્રીઝ–રાળ જેવી. રંગ : લીલાશ પડતો પીળો, પીળાશ પડતો કથ્થાઈ, કથ્થાઈ. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 7. વિ.ઘ. : 4. 32. પ્રકા. અચ. : α = 1.827, β = 1.869, γ = 1.879. પ્રકા. સંજ્ઞા : 2V = 134°,  –Ve. પ્રાપ્તિસ્થિતિ : સામાન્ય રીતે અંત:કૃત અને બહિર્ભૂત અગ્નિકૃત ખડકોમાં તેમજ વિકૃતિજન્ય લોહસમૃદ્ધ નિક્ષેપોમાં મળે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., હવાઈ ટાપુઓ, સ્વીડન, ફ્રાન્સ, સિસિલી, જર્મની, ફિનલૅન્ડ, ભારત તેમજ અન્યત્ર. ઉત્તર આટલાંન્ટિક મહાસાગરના ઍઝોર્સ ટાપુઓમાંના ફાયલમાંથી આ ખનિજ ગઠ્ઠાસ્વરૂપે મળેલું તેથી ફાયલાઇટ નામ પડેલું છે.

ગિરીશભાઈ પંડ્યા