ફાતિમા (જ. ઈ. સ. 605/611; અ. 632) : ઇસ્લામના પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) અને તેમનાં પ્રથમ પત્ની હજરત ખદીજા(રદિ.)ની 4 દીકરીઓમાંની એક દીકરી. હજરત ફાતિમાની અન્ય 3 બહેનો તે હજરત ઝૈનબ; હ. રૂકય્યા; અને હ. ઉમ્મે કુલસૂમ હતી. તેઓ પયગંબર સાહેબનાં સૌથી વધુ પ્રિય પુત્રી હતાં. માત્ર હ. ફાતિમાની ઓલાદ દ્વારા પયગંબર સાહેબનો વંશ ચાલુ રહ્યો છે. હ. ફાતિમાને ઘણાં માનવાચક ઉપનામ આપવામાં આવ્યાં છે. જેમાંથી ‘અલ–ઝહરા’ તથા ‘સય્યદા–અલ–નિસાઅ–અલ–જન્નત’ (જન્નતની સ્ત્રીઓમાં સરદાર) વધુ જાણીતાં છે. અન્ય ઉપનામો છે : ‘અલ–બુતૂલ’; ‘માસૂમા’; ‘અલ-સય્યદા’; ‘અલ–તાહિરા’; ‘અલ–અઝરા’ વગેરે.
હજરત ફાતિમાને પોતાના પિતા પ્રત્યે ઘણો સ્નેહ હતો. નાનપણમાં જ તેમનાં માતા હ. ખદીજાના અવસાન (621) પછી સૌથી વધુ તેમણે જ પયગંબરસાહેબની ખબરગીરી રાખી હતી. પયગંબરસાહેબે મક્કાથી મદીના હિજરત કરી (622) ત્યારબાદ હ. ફાતિમાને પણ અન્ય કુટુંબીજનો સાથે મદીના બોલાવી લીધાં હતાં. મદીનામાં પયગંબર સાહેબની હયાત પત્નીઓ તથા બીજાં કુટુંબીજનો હ. ફાતિમાની બહુ ઇજ્જત કરતાં હતાં. તેમનાં લગ્ન પયગંબરસાહેબના પિત્રાઈ ભાઈ હ. અલી બિન અલી તાલિબ સાથે થયાં હતાં. આ લગ્ન સાદાઈપૂર્વક થયાં હતાં. મહેરની રકમ 500 દરાહિમ હતી. મદીનાની મસ્જિદે નબવીમાં નિકાહ થયા પછી હાજર રહેલાંઓને મધનું શરબત તથા ખોરાક વહેંચવામાં આવ્યાં હતાં. પયગંબરસાહેબે તેઓ તથા હ. અલી(રદિ.)ને રહેવા માટે ભાડાનું નાનું ઘર અપાવ્યું હતું અને ભેટમાં ખાટલો, બે થાળીઓ એક ગરમ ધાબળો, ઓશીકું, પાણી ભરવાનું વાસણ તથા લોટો આપ્યાં હતાં. તેમનું લગ્નજીવન સુખેથી પસાર થયું હતું. તે સમયે અરબોમાં બહુપત્નીત્વનો સામાન્ય રિવાજ હોવા છતાં, હ. ફાતિમાની હયાતીમાં હ. અલીએ બીજું લગ્ન કર્યું ન હતું. તેમની ઓલાદમાં 3 દીકરા : હ. હસન; હ. હુસેન તથા હ. મુહસ્સિન અને 2 દીકરીઓ. હ. ઝેનબ તથા હ. ઉમ્મ કુલસૂમ હતાં. હ. ઝેનબનાં લગ્ન હ. અલીના ભાઈ હ. જાફરના દીકરા હ. અબદુલ્લા સાથે અને હ. ઉમ્મ કુલસૂમનાં લગ્ન હ. ઉમર (રદિ.) સાથે થયાં હતાં. હ. ફાતિમાનો વંશ તેમના બે દીકરાઓ હ. હસન તથા હ. હુસેન દ્વારા જળવાઈ રહ્યો છે.
હ. ફાતિમા બહુ શરમાળ હતાં. અવસાન પહેલાં વસિયત કરી હતી કે તેમનો જનાજો એવી રીતે તૈયાર કરવામાં આવે કે તે સ્ત્રી અથવા પુરુષનો છે એની પણ ખબર પડવી ન જોઈએ તથા કોઈ પુરુષ તેમની મૈયતને જુએ નહિ એટલા માટે રાતના સમયે તેનો દફનવિધિ કરવામાં આવે. તેમને મદીનાના પ્રખ્યાત કબરસ્તાન જન્નતુલ બકીમાં દફનાવવામાં આવ્યાં હતાં. તેમના ઉચ્ચ ચારિત્ર તથા નિખાલસ સ્વભાવને લઈને સ્ત્રીઓમાં તેમને સૌથી વધુ સન્માનનીય સ્થાન પ્રાપ્ત થયું છે. તેમની સૂરત તથા તેમની બોલચાલની ઢબ પયગંબરસાહેબ (સ.અ.વ.) સાથે બહુ મળતી આવતી હતી. સભામાં તેમના આગમન વખતે પયગંબરસાહેબ ઊભા થઈને તેમને આવકારી પોતાની પાસે બેસાડતા હતા. તેમણે ઉહદની લડાઈમાં ભાગ લીધો હતો તથા સૈનિકોને પાણી પાવાનું તેમજ જખ્મીઓની પાટાપિંડી કરવાનું કામ બજાવ્યું હતું. જ્યારે પયગંબરસાહેબ (સ.અ.વ) મક્કામાં વિજયી થઈને દાખલ થયા હતા ત્યારે હ. ફાતિમા પણ તેમની સાથે હતાં. તેઓ પયગંબર સાહેબના અવસાન (632) પછી થોડાક જ મહિનાઓ સુધી જીવિત રહ્યાં હતાં. હ. ફાતિમાએ ઇસ્લામ માટે ઘણી તકલીફો ઉઠાવી હતી. તેમણે પયગંબરસાહેબ પાસેથી તંગીની હાલતમાં પણ, પોતાના કે પોતાનાં પતિ તથા બાળકો માટે કોઈ વસ્તુ તથા મદદ લીધી ન હતી. તેઓ ઘરનું તમામ કામ અને બાળકોનો ઉછેર એકલા હાથે કરતાં હતાં. તે સાથે નમાજ, રમજાનના રોજા અને સદકાત (ગરીબોને આર્થિક મદદ) વગેરે કામ પણ પાબંદીથી કરતાં હતાં. તેઓ 27–28 વર્ષની નાની વયે અવસાન પામ્યાં હતાં, પરંતુ એટલા ટૂંકા જીવનકાળમાં પણ તેમણે ઇસ્લામી ઇતિહાસમાં અભૂતપૂર્વ સ્થાન મેળવ્યું છે. પયગંરબસાહેબ(સ.અ.વ)ને હ. ફાતિમા પ્રત્યે જે પ્રેમની લાગણી હતી તેના ઉદાહરણસ્વરૂપ એ વાત નોંધવામાં આવી છે કે પયંગબરસાહેબ જ્યારે પ્રવાસ ઉપર જતા ત્યારે બીજા બધા સંબંધીઓને મળ્યા બાદ છેવટે હ. ફાતિમાને અલ-વિદા કહેતા હતા અને જ્યારે પ્રવાસ ઉપરથી પાછા ફરતા તો સૌથી પહેલાં હ. ફાતિમાને મળવા જતા હતા. પયગંબરસાહેબના વિસાલના 6 માસ બાદ બીમાર પડ્યાં અને એક દિવસે પોતાની સેવિકાને કહ્યું : ‘હું સ્નાન કરવા ચાહું છું, મારા માટે પાણી મૂકી દો.’ પછી તેમણે સ્નાન કરીને કપડાં બદલ્યાં અને ઘરની વચ્ચોવચ ખાટલો કરીને સૂઈ ગયાં. કિબ્લા તરફ મોઢું કરી, જમણો હાથ ચહેરા નીચે મૂકીને તેમણે ફરમાવ્યું, ‘બસ, હવે મારો અંત નજીક છે.’ આમ કહીને તેઓ અવસાન પામ્યાં હતાં.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી