ફાટ-શિરા (Fissure vein) : બખોલ-પૂરણી(cavity filling)નો એક પ્રકાર. ખડકમાં રહેલી ફાટ ખનિજદ્રવ્યથી ભરાઈ જતાં તૈયાર થતો પટ ફાટ-શિરા કહેવાય. બખોલ-પૂરણીના બધા જ પ્રકારો પૈકી ફાટ-શિરાનું પ્રમાણ વધુ જોવા મળે છે અને સ્થાનભેદે તેમાંથી ભિન્ન ભિન્ન પ્રકારનાં ખનિજો – ધાતુખનિજો મળી રહે છે.

ફાટ-શિરાઓની રચના બે ક્રમિક કક્ષાઓમાં થતી હોય છે : 1. ખડકોમાં ફાટ પડવાની ક્રિયા; 2. ફાટમાં ખનિજ-પૂરણીની રચના. આ બંને ક્રિયા કાલાંતરે થતી હોય છે.

ઉત્પત્તિસ્થિતિ : પ્રાદેશિક ખડકોમાં જોવા મળતી મોટા ભાગની ફાટો સાંધા કે સ્તરભંગ સ્વરૂપે રહેલી હોય છે, જે બહુધા તણાવનાં પ્રતિબળોને કારણે ઉત્પન્ન થયેલી હોય છે. આ જ કારણે ભૂપૃષ્ઠના ખડકોમાં મળી આવતી ફાટ-શિરાઓ મોટેભાગે સ્તરભંગની નબળી તલસપાટીઓને આવરી લેતી જોવા મળેલી છે. અસ્તિત્વ ધરાવતી ખડકફાટ એક વાર ખનિજદ્રવ્યથી ભરાય ત્યારે ભરાયેલી શિરાનું ખનિજદ્રવ્ય ખડક-દીવાલો કરતાં જુદું હોવાથી બંને બાજુ નબળી તલસપાટી તો રહે જ છે, પરિણામે ક્યારેક બીજી વાર કે અનેક વાર તે ફરીફરીને ખનિજદ્રાવણ –દ્રવ્યના ઘસારાથી ખૂલી જઈ, પહોળી બનતી જતી હોય છે, ભરાતી જતી હોય છે. આ રીતે વારંવારની ક્રમિક પૂરણીથી ફાટ-શિરા ક્રમિક ખનિજ-પૂરણી-શિરા(successive mineral infillings)માં ફેરવાય છે.

અવશિષ્ટ મૅગ્માજન્ય દ્રાવણો, ઉષ્ણજળજન્ય દ્રાવણો કે ઉષ્ણબાષ્પીય ક્રિયા ફાટ-શિરાઓ તૈયાર કરવામાં કારણભૂત બની રહે છે. મોટેભાગે તો ફાટ-શિરાઓ એ બખોલપૂરણીનો પ્રકાર હોવાથી ઓછા તાપમાનના સંજોગ હેઠળ દ્રાવણમાંનું દ્રવ્ય અવક્ષેપિત થતું જઈને ફાટ પુરાતી જાય છે; પરંતુ વધુ તાપમાનવાળાં દ્રાવણો ખડક-દીવાલો પર રાસાયણિક પ્રક્રિયા કરે તો અસરગ્રાહ્ય ઘટકોનું વિસ્થાપન થતું હોય છે. વિસ્થાપન થાય તો ફાટની દીવાલો અનિયમિત આકારવાળી બની રહે છે. દીવાલોમાંથી ખડક તરફ રેખીય શાખા-પ્રશાખાઓ પ્રસરે છે.

ફાટ-શિરાઓ – આકારો અને પ્રકારો

ફાટ-શિરાઓ ખડક તેમજ ફાટો કરતાં પછીથી બનતી હોઈને તે વયના સંદર્ભમાં ખડકપશ્ચાત્ ઉત્પત્તિવાળી (epigenetic) ગણાય છે.

વલણ (attitude) : ફાટ-શિરાઓના આકારભેદે ઘણા પ્રકારો જોવા મળેલા છે. મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે : (1) છૂટીછવાઈ સરળ ફાટ- શિરા; (2) નજીક નજીક રહેલી સમાંતર કે વિકેન્દ્રિત ઘનિષ્ઠ શિરાઓનો પટવિભાગ; (3) અન્યોન્ય સંકળાયેલી ફાટ-શિરાઓ; (4) મોટા પરિમાણવાળી ફાટ-શિરાઓ; (5) વીક્ષાકાર ફાટ-શિરાઓ.

ગિરીશભાઈ પંડ્યા