ફતાવા–એ–આલમગીરી

February, 1999

ફતાવા–એ–આલમગીરી : મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાનો સંગ્રહ. મુઘલ સમ્રાટ ઔરંગઝેબ આલમગીર(1658–1707)ના રાજ્યકાળ દરમિયાન તૈયાર થયેલો ઇસ્લામ ધર્મ-સંબંધી, મુસ્લિમ ધર્મગુરુઓના ચુકાદાઓનો સંગ્રહ. અરબીમાં ‘ફતાવા’ શબ્દ બહુવચનમાં છે. એનું એકવચન ‘ફત્વા’ છે. કોઈ પણ ધાર્મિક પ્રશ્નની બાબતમાં મુસ્લિમ ધર્મગુરુ (મુફતી) કુરાન તથા હદીસને અનુસરીને જે ચુકાદા આપે તે ‘ફત્વા’ કહેવાય છે. આ એક ધર્માનુશાસન છે, અને તેનાં નિયમો તથા પદ્ધતિઓ ઇસ્લામના ઉદભવના સમયકાળથી નિશ્ચિત થયેલાં છે.

ઔરંગઝેબ પહેલાં હનફી સંપ્રદાયના મુસલમાનો માટે કોઈ એક એવું પુસ્તક ન હતું, જેની મદદથી રોજિંદા જીવનમાં ઊભા થતા ધાર્મિક પ્રશ્નો અંગે તેઓ માર્ગદર્શન મેળવી શકે. આથી જ્યારે કોઈ મહત્વનો પ્રશ્ન ઊભો થતો ત્યારે એના હલ માટે જુદા જુદા પ્રકારના  અનેક વિષયોનાં પુસ્તકો વિદ્વાનોએ જોવાં પડતાં હતાં અને સામાન્ય માણસ માટે તો એ કામ અશક્યવત્ હતું. આ સમસ્યાના ઉકેલ માટે ઔરંગઝેબે દિલ્હીમાંથી તથા સામ્રાજ્યના અન્ય ભાગોમાંથી મુસ્લિમ ધર્મગુરુઓ તથા વિદ્વાનોને એકત્ર કરીને આજ્ઞા આપી કે તેઓ વિવિધ સાધનોનો ઉપયોગ કરીને એક અધિકૃત સર્વગ્રાહી ધર્મસંગ્રહ તૈયાર કરે જે વિશ્વાસપાત્ર હોય અને ન્યાયાધીશો (કાજીઓ) તથા મુફતીઓ (ફતવો આપનારા) જેવાઓને એમના કામમાં માર્ગદર્શક થાય અને એથી તેઓ વિવિધ પ્રકારનાં શાસ્ત્રોના વાચનની તકલીફમાંથી મુક્ત થઈ શકે. એ આજ્ઞા અનુસાર વિદ્વાનોએ લગભગ 8 વર્ષની જહેમત બાદ ફતવાઓનો એક સંગ્રહ તૈયાર કર્યો, જેને મુઘલ સમ્રાટ ઔરંગઝેબના ઉપનામ ઉપરથી ‘ફતાવા–એ–આલમગીરી’ નામ આપવામાં આવ્યું. આના સંપાદન માટે રોકવામાં આવેલા વિદ્વાનોના પુરસ્કાર તથા અન્ય ખર્ચ પેટે, આલમગીરી સિક્કાના 2 લાખ રૂપિયા ખર્ચાયા હતા. ‘ફતાવા–એ–આલમગીરી’ પુસ્તક સમસ્ત મુસ્લિમ જગતમાં સર્વસ્વીકૃત થયેલું છે અને એ બાબત તેના મહત્વની દ્યોતક છે. આ ગ્રંથ  કરતાં વધારે સ્પષ્ટ અને વીગતપૂર્ણ રજૂઆત બીજી કોઈ કૃતિમાં આજે પણ મળતી નથી.

‘ફતાવા–એ–આલમગીરી’ની તૈયારીમાં ઔરંગઝેબના શાહી પુસ્તકાલયના લગભગ 130 ગ્રંથોનો ઉપયોગ થયો હતો. તેમાંથી મહત્વના ગ્રંથોનાં નામ આ પ્રમાણે છે : (1) ‘હિદાયા’, (2) ‘ખદૂરી’, (3) ‘વકાયા’, (4) ‘ઇનાયા’, (5) ‘મબ્સૂત’, (6) ‘મુહીતે બુરહાની’, (7) ‘અલ-જામે અલ-કબીર’, (8) ‘અલ-જામે અલ-સગીર’, (9) ‘મુખ્તસર અલ-તહાવી’, (10) ‘અલ-દુર અલ-મુખ્તાર’ અને (11) ‘કાફી’. ‘ફતાવા–એ–આલમગીરી’ના સંપાદન માટેની સમિતિના અધ્યક્ષ શેખ નિઝામ બુરહાનપુરી હતા. લેખનકાર્યનું અનેક વિભાગોમાં વિભાજન કરવામાં આવ્યું હતું અને દરેક વિભાગ એક વિદ્વાનને સુપરત થયો હતો. વળી તે દરેકની મદદમાં બીજા 10-10 આલિમોની નિમણૂક કરવામાં આવી હતી. ઔરંગઝેબ પોતે પણ આ કાર્યમાં સક્રિય રસ લેતા હતા અને જરૂરી સલાહ-સૂચનો આપતા હતા. આ કામ એટલી ચોકસાઈથી કરવામાં આવ્યું હતું કે આજે પણ તે ખામી-મુક્ત ગણાય છે. શેખ નિઝામ ઉપરાંત બીજા 4 મહત્વના સંપાદકોનાં નામ આ મુજબ છે : (1) કાઝી મુહમ્મદ હુસેન જોનપુરી, (2) મુલ્લા મુહમ્મદ અકરમ, (3) સૈયદ જલાલુદ્દીન મોહમ્મદ અને (4) શેખ વજીહુદ્દીન ગોપામવી. એમ કહેવાય છે કે બીજા 40થી 50 વિદ્વાનોએ આ કામમાં સહાય કરી હતી. સંપાદનનું કામ 1664થી 1672 સુધી ચાલ્યું હતું. મૂળ અરબી ભાષામાં સંપાદિત થયેલ આ કૃતિનો ફારસી, ઉર્દૂ તથા અંગ્રેજીમાં પણ અનુવાદ થયો છે. ‘ફતાવા–એ–આલમગીરી’ની અરબી પ્રત કેરો (ઇજિપ્ત), કલકત્તા તથા લખનૌથી પ્રગટ થવા પામી છે. 1850માં બૈલીએ અંગ્રેજી અનુવાદ ‘એ ડાઇજેસ્ટ ઑવ હનીફિયા ઍન્ડ ઇસ્લામિયા લૉ ઇન ઇન્ડિયા’ના નામે કર્યો હતો. હિન્દુસ્તાનની બ્રિટિશ અદાલતોમાં લાંબા સમય સુધી મુસ્લિમોની ધાર્મિક બાબતોના ચુકાદા માટે આનો ઉપયોગ થયેલો છે. આજે પણ મુફતીઓ ધાર્મિક પ્રશ્નો બાબતમાં મહદંશે તેનો જ ઉપયોગ કરે છે અને ફતવો આપે છે.

મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી