ફણસી : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phaseolus vulgaris Linn. syn. P. nanus Linn.   હિં. बकला सजमा (बीज), મ. શ્રવનધેવડા; ગુ. ફણસી; અં. ફ્રેંચ બીન, ડ્વાર્ફ બીન, કિડની બીન, હેરીકોટ બીન) છે. તેનો પ્રાથમિક ઉદભવ દક્ષિણ મૅક્સિકો અને મધ્ય અમેરિકામાં થયો છે અને તેનો દ્વિતીયક ઉદભવ પેરુવિયન-એક્વેડોરિયન-બોલિવિયન વિસ્તારમાં થયો છે. આ વનસ્પતિ યુરોપમાં સ્પૅનિશ લોકો મારફતે પ્રવેશી આફ્રિકા, વેસ્ટ ઇંડિઝ, ભારત અને વિશ્વના અન્ય પ્રદેશોમાં પહોંચી છે. ઉત્તર આર્જેન્ટિનામાં થતી એકવર્ષાયુ જંગલી પાપડી, P. arborigineus Burkart. અને P. vulgarisનું સંકરણ કરાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે ફ્રેંચ બીનની ઉત્પત્તિ P. arborigineusમાંથી થઈ છે.

તે એકવર્ષાયુ ઉપોન્નત (suberect) અથવા વળવેલ (twiner) છે. તેનાં પર્ણો ત્રિપંજાકાર (trifoliate), સંયુક્ત અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પુષ્પો સફેદથી માંડી જાંબલી રંગનાં અને અપરિમિત કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. તેનાં શિંબી ફળ 10થી 26 સેમી. લાંબાં, સીધાં અથવા સહેજ વળેલાં હોય છે. બીજ વધતેઓછે અંશે મૂત્રપિંડ આકારનાં, લાંબાં અથવા લગભગ ગોળ અથવા ચપટાં, સફેદ, લાલ, જાંબલી, કાળાં કે કાબરચીતરાં (mottled) હોય છે.

ફણસીનાં પર્ણો, પુષ્પવિન્યાસ, ફળ અને બીજ

ભારતમાં ફણસીની ‘પ્લેન્ટિફુલ’, ‘બ્લૅક પ્રિન્સ’, ‘કેન્ટકી વન્ડર’, ‘નં. 34–A’, ‘પેન્સિલ પૉડ (નં. 58)’, ‘કન્ટેન્ડર’ અને ‘નં. 4 ઓપન’ વગેરે જાતો ઉગાડવામાં આવે છે. અન્ય જાતોમાં ‘ડ્વાર્ફ ડચ’, ‘ડ્વાર્ફ અલ્જેરિયન’, ‘ડ્વાર્ફ યલો’, ‘કૅનેડિયન’, ‘ન્યૂ ગોલ્ડન વૅક્સ’, ‘વ્હાઇટ સ્વૉર્ડ’, ‘વ્હાઇટ પ્રિડેન’, ‘પ્રિન્સેસ રનર’ અને ‘બ્રૉડ પૉડ કિડની’નો સમાવેશ થાય છે.

ફણસી હલકી રેતાળથી માંડીને ભારે ચીકાશવાળી એમ વિવિધ પ્રકારની જમીનમાં થાય છે. કાળી બેસર જમીન તેમજ છાંયડાવાળી ઠંડી જગા તેને વધારે માફક આવે છે.

વાવણી પૂર્વે પ્રતિ હેક્ટર 40 ગાડાં ખાતર આપી બેથી ત્રણ વાર ખેડવામાં આવે છે. બીજનું વાવેતર 45થી 60 સેમી.ના અંતરે કરવામાં આવે છે અને બે હરોળ વચ્ચેનું અંતર 7.5થી 10.0 સેમી. રાખવામાં આવે છે. જ્યારે આબોહવા શુષ્ક હોય ત્યારે અઠવાડિયામાં એક વાર પાણી આપવામાં આવે છે.

ફણસીની ઠીંગણી જાત 30થી 60 સેમી. જેટલી અને ઊંચી જાત 120થી 200 સેમી. જેટલી ઊંચી હોય છે. ઊંચી વેલાવાળી જાતને ટેકાની જરૂર પડે છે. ઠીંગણી જાતો અઢીથી ત્રણ વર્ષમાં અને ઊંચી જાતો ચારથી પાંચ માસમાં પાક આપે છે. ઠીંગણી જાતોનો કઠોળ તરીકે અને ઊંચી જાતોનો શાકભાજી તરીકે ઉપયોગ થાય છે. શાકભાજી તરીકે વપરાતી ઊંચી જાતોમાં કદ, આકાર, રંગ અને રેસાના પ્રમાણે ઘણી વિવિધતા જોવા મળે છે. જ્યારે કઠોળ માટેની જાતોની શીંગમાં રેસાનું પ્રમાણ ઘણું હોય છે.

ફણસીને શ્યામવ્રણ (anthracnose), સૂકો સડો અને મૉસેક રોગો થાય છે. શ્યામવ્રણ રોગ એ નામની Colletotrichum lindemuthianum નામની ફૂગ દ્વારા થાય છે. તે પર્ણો, પ્રકાંડ, ફળ અને બીજને ચેપ લગાડે છે. પાનનાં ટપકાંનો રોગ Isariopsis griseola Sacc. દ્વારા થાય છે. પાનના ડાઘ (blotch)ના રોગ Ascochyta phaseolorum Sacc. અને Uromyces appendiculatus (pers) Link દ્વારા થાય છે.

લીલી ફણસીમાં 94% જેટલો ખાદ્ય ભાગ હોય છે. તેના એક રાસાયણિક વિશ્લેષણ પ્રમાણે, પાણી 91.4%; પ્રોટીન 1.7%, મેદ 0.1%, કાર્બોદિતો 4.5%, રેસા 1.8% અને ખનિજદ્રવ્ય 0.5% હોય છે. તેમાં કૅલ્શિયમ 50; મૅગ્નેશિયમ, 29; ફૉસ્ફરસ 28, લોહ 1.7, આયનનીય (ionisable) લોહ 1.0, સોડિયમ 4.3; પોટૅશિયમ 120; તાંબું 0.2; સલ્ફર 37 અને ક્લૉરીન 10 મિગ્રા./100 ગ્રા. હોય છે.

તેનાં બીજ(રાજમા)ના એક રાસાયણિક વિશ્લેષણ મુજબ તે પાણી 12.0%, પ્રોટીન 22.9%, મેદ 1.3%, કાર્બોદિતો 60.6% અને ખનિજદ્રવ્યો 3.2% ધરાવે છે.

તેનો શાકભાજી અને કઠોળ તરીકે અને તેનાં પર્ણો અને પ્રકાંડનો ઘાસચારા તરીકે ઉપયોગ થાય છે. જાવામાં તેનાં તરુણ પર્ણોનો કચુંબર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. લીલી ફણસી મૂત્રલ છે. હૃદયની માંદગી અને ડાયેરિયામાં સહઔષધ (adjuvant) તરીકે તેનો ઉપયોગ થાય છે.

રાજેન્દ્ર ખીમાણી

દેવશીભાઈ સાદરિયા