ફટકડી (alum) : સામાન્ય સૂત્ર ધરાવતાં વિવિધ પ્રકારનાં દ્વિલવણો. તેમાં MI તરીકે સોડિયમ, પોટૅશિયમ, સિઝિયમ, સિલ્વર, રુબિડિયમ (લિથિયમ) જેવી એકસંયોજક ધાતુઓ અથવા એમોનિયા, હાઇડ્રેઝીન, હાઇડ્રૉક્સિલ એમાઇન જેવાં સંયોજનો; જ્યારે MIII તરીકે ઍલ્યુમિનિયમ ઉપરાંત આયર્ન, ક્રોમિયમ, મગેનીઝ, કોબાલ્ટ, ગૅલિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ઇરિડિયમ, રૉડિયમ અથવા ઇન્ડિયમ હોય છે. ઍલ્યુમિનિયમ સલ્ફેટ Al2 (SO4)3 તથા Al2(SO4)3 · 18H2O ઍલમ, પર્લ ઍલમ, પિકલ ઍલમ, કેક ઍલમ, ફિલ્ટર ઍલમ જેવાં વેપારી નામે ઓળખાય છે. આમ, ફટકડી માટેનું  અંગ્રેજી નામ ‘ઍલમ’ ઍલ્યુમિનિયમના ત્રિસંયોજક આયર્ન Al+3ની હાજરીને કારણે ઉદભવ્યું હતું, પરંતુ પાછળથી ત્રિસંયોજકતા ધરાવતાં અન્ય આયનોના દ્વિક્ષાર માટે પણ આ નામ વપરાવા લાગ્યું છે; દા.ત., ક્રોમ ઍલમ.

યોગ્ય માત્રામાં જે તે સલ્ફેટ ક્ષારોનાં દ્રાવણોને સંતૃપ્ત બનાવીને તેમાંથી દ્વિ-સલ્ફેટોનું સ્ફટિકીકરણ કરી ફટકડી બનાવવામાં આવે છે.

ફટકડી તરીકે ઓળખાતા આ દ્વિક્ષારો દવાઓ બનાવવામાં તથા કાપડ, ખાંડ, પેપર, રંગ દીવાસળી અને ગંધહારક (deodorant) ઉદ્યોગમાં વપરાય છે. મુખ્યત્વે તે રંગાટીકામમાં બંધક (binder) અથવા રંગબંધક (mordant) તરીકે, પાણી શુદ્ધ કરવા માટેના સમાક્ષેપક (flocculating agent) તરીકે, કાગળને જલસહ્ય (waterproof) બનાવવા, અગ્નિશામકો (fire extinguishers) અને બેકિંગ પાઉડર વગેરેમાં વપરાય છે.

ફટકડીના કેટલાક અગત્યના પ્રકારો આ પ્રમાણે છે :

(i) ઍલ્યુમિનિયમ પોટૅશિયમ સલ્ફેટ (પૉટાશ ઍલમ અથવા પોટૅશિયમ ઍલમ) [K2SO4,Al2(SO4)3·24H2O અથવા KAlSO4)2·12 H2O] : સમઅણુપ્રમાણમાં ઍલ્યુમિનિયમ સલ્ફેટ અને પોટૅશિયમ સલ્ફેટને પાણીમાં ઓગાળી દ્રાવણમાંથી સ્ફટિકીકરણ કરતાં સફેદ, ગંધવિહીન, સ્ફટિક રૂપે આ ફટકડી મળે છે. તે પાણીમાં દ્રાવ્ય, પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય હોય છે. તેનો સ્વાદ તૂરો (astringent) હોય છે. 64.5°સે. એ તે પાણીના 18 અણુઓ ગુમાવે છે, જ્યારે 200° સે.એ નિર્જલ (anhydrous) બને છે. તેને દગ્ધ ફટકડી (burnt-alum) કહે છે, જે હવામાં ખુલ્લી રાખતાં ભેજ શોષે છે. ફટકડીનું જલીય દ્રાવણ એસિડિક હોય છે. તે લોહીને વહેતું બંધ કરે છે તથા માનવીની અને પ્રાણીઓની પેશીઓ(tissues)ને સંકોચે છે.

તે પાણી શુદ્ધ કરવા માટે, બેકિંગ પાઉડર બનાવવા, રંગબંધક તરીકે, કાગળનાં છિદ્રપૂરક (sizing) દ્રવ્ય અને જલસહ્ય સંયોજનો તરીકે, સિમેન્ટ કઠણ બનાવનાર તરીકે, ચામડા કમાવવામાં સંકોચક (astringent) તરીકે – એમ વિવિધ ઉપયોગમાં લેવાય છે.

(ii) ઍલ્યુમિનિયમ એમોનિયમ સલ્ફેટ અથવા એમોનિયમ ઍલમ : તે રંગવિહીન, ગંધવિહીન, સ્ફટિકમય પદાર્થ છે. ગ.બિં. 94.5° સે. છે. 120° સે.એ ગરમ કરતાં તેમાંથી પાણીના 20 અણુઓ ઊડી જાય છે. તે રંગાટીકામમાં રંગબંધક તરીકે, કાગળના છિદ્રપૂરક તરીકે, ખાદ્ય પદાર્થોમાં ઉમેરણ (additive) તરીકે, સૂએજ(વાહિતમળ)ના શુદ્ધીકરણ માટે, રુવાંટી(fur)ની માવજતમાં તથા વર્ણકના ઉત્પાદનમાં વપરાય છે.

(iii) ક્રોમિયમ એમોનિયમ સલ્ફેટ અથવા ક્રોમ એમોનિયમ ઍલમ [CrNH4(SO4)2·12H2O] : તે લીલા પાઉડર અથવા ઘેરા જાંબલી સ્ફટિકો રૂપે મળે છે. ગ.બિં. 94° સે. તે પાણીમાં દ્રાવ્ય, જ્યારે આલ્કોહૉલમાં થોડું દ્રાવ્ય હોય છે. જલીય દ્રાવણ ઠંડું હોય ત્યારે જાંબલી અને ગરમ હોય ત્યારે લીલું હોય છે. તે મુખ્યત્વે ચર્મશોધન(ચામડા કમાવવા)માં તથા રંગબંધક તરીકે વપરાય છે.

(iv) પોટૅશિયમ ક્રોમિયમ સલ્ફેટ અથવા ક્રોમ ઍલમ અથવા ક્રોમ પોટાશ ઍલમ [CrK(SO4)2·12H2O] : મંદ સલ્ફ્યુરિક ઍસિડમાં પોટૅશિયમ ડાઇક્રોમેટના સલ્ફ્યુરસ ઍસિડના અપચયનથી તે મેળવી શકાય છે. તે ઘેરા જાંબલી રંગના સ્ફટિકો રૂપે મળે છે. ગ.બિં. 89° સે. તે ભેજસ્રાવી ગુણો ધરાવે છે  અને  100° સે. તાપમાને પાણીના 10 અણુઓ ગુમાવે છે. પાણીમાં તે દ્રાવ્ય હોય છે. તે ચામડાં કમાવવામાં, કાપડઉદ્યોગમાં રંગબંધક તરીકે, ફોટોગ્રાફીમાં તથા ચિનાઈ કામમાં વપરાય છે.

(v) ફેરિક એમોનિયમ સલ્ફેટ (આયર્ન એમોનિયમ સલ્ફેટ અથવા ફેરિક એમોનિયમ ઍલમ અથવા એમોનિયો ફેરિક સલ્ફેટ) : FeNH4 (SO4)2·12H2O અથવા (NH4)2SO4·Fe2(SO4)3·24H2O. ફેરિક સલ્ફેટ અને એમોનિયમ સલ્ફેટનાં દ્રાવણો મિશ્ર કરીને દ્રાવણનું બાષ્પીભવન કરવાથી નીલવર્ણ(lilac)થી માંડીને જાંબલી રંગ સુધીના સ્ફટિકો મળે છે. ગ.બિં. 39° થી 41° સે. તે પાણીમાં દ્રાવ્ય પણ આલ્કોહૉલમાં અદ્રાવ્ય હોય છે. 230° સે.એ તે પાણી ગુમાવી દે છે. તે દવામાં વૈશ્લેષિક રસાયણમાં તથા કાપડને રંગવામાં રંગબંધક (mordant) તરીકે વપરાય છે.

જ. પો. ત્રિવેદી