પ્લમ્બિંગ

February, 1999

પ્લમ્બિંગ

પ્લમ્બિંગ એટલે પાઇપની ગોઠવણી. તેમાં પાઇપ તથા તેને સંબંધિત સાધનોની ગોઠવણી, જાળવણી તથા કાર્યપદ્ધતિનો સમાવેશ થાય છે. પાઇપની ગોઠવણી, પીવાનું તથા ઘરવપરાશ માટેનું પાણી પહોંચાડવા માટે તથા વપરાયેલા ગંદા પાણીનો તથા અન્ય ગંદા પ્રવાહીનો નિકાલ કરવા માટે કરવામાં આવે છે.

પ્લમ્બિંગના હેતુઓ : (ક) શહેરની પાણીની ટાંકી કે જળાશયમાંથી ઘરોમાં પાણી પહોંચાડવા માટે; (ખ) ઘરમાં આવેલી મુખ્ય પાણીની ટાંકીમાંથી ઘરોના અલગ અલગ ભાગોમાં પાણી પહોંચાડવા માટે; (ગ) ઘરોમાં વપરાશ બાદ ઉત્પન્ન થતું ગુંદું પાણી મહોલ્લાની ગટર સુધી પહોંચાડવા માટે; (ઘ) તમામ ઘરોમાંથી ઉત્પન્ન થતું ગંદું પાણી શહેરની ગટર-વ્યવસ્થા મારફત કોઈ ચોક્કસ સ્થળે નિકાલ અર્થે લઈ જવા માટે.

આમ પ્લમ્બિંગનાં બે પાસાંઓ છે : ઘરોનું તથા શહેરનું. તેમાં પણ બે પાસાંઓ છે : તાજું પાણી પૂરું પાડવાનું તથા ગંદા પાણીનો નિકાલ કરવાનું.

(ક) ઘરોમાં પાણી પહોંચાડવા માટે શહેરનું પ્લમ્બિંગ.

ક-1 : ઘરોમાં પાણી પહોંચાડવા માટે નીચે મુજબના પાઇપો ગોઠવવામાં આવે છે :

(1) મુખ્ય પાઇપ (main supply) : તે પાણીની ટાંકીમાંથી પાણીનું વહન કરે છે તથા તેને રસ્તા પર જમીનથી લગભગ 1 મીટર નીચે રાખવામાં આવે છે તથા તેનો વ્યાસ 30 સેમી.થી 25 સેમી. હોય છે.

(2) પેટા-મુખ્ય પાઇપો (sub-mains) : આ પાઇપો મુખ્ય પાઇપ સાથે કાટખૂણે જોડાયેલા હોય છે. તેનો વ્યાસ 20 સેમી.થી 15 સેમી. હોય છે.

(3) નાની પાઇપો (minor distributories) : આ પાઇપો પેટાપાઇપો સાથે જોડાયેલી હોય છે તથા તે ઘરોમાં તથા અગ્નિશામક હાયડ્રન્ટને પાણી પૂરું પાડે છે. તેનો વ્યાસ 10થી 15 સેમી. હોય છે.

સમગ્ર શહેરને આવરી લે તે રીતે ઉપર જણાવેલા પાઇપને ચોક્કસ નેટવર્ક (ગોઠવણી) દ્વારા ગોઠવવામાં આવે છે. પાઇપના નેટવર્કની નીચે જણાવ્યા મુજબ ચાર પદ્ધતિઓ હોય છે. (આકૃતિ 1 – 4).

આકૃતિ 1 : બંધ છેડો અને શાખા પદ્ધતિ (dead end branching system) :

આકૃતિ 2 : ગ્રિડ પદ્ધતિ (grid system)

આકૃતિ 3 : રિંગ અથવા સર્કલ પદ્ધતિ (ring or circle system)

આકૃતિ 4 : રેડિયલ પદ્ધતિ (radial system)

શહેરની ભૌગોલિક રચના, વસ્તી, આર્થિક પ્રવૃત્તિઓ, પ્રણાલિકાઓ તથા પાણીની પ્રાપ્યતાને ધ્યાનમાં રાખીને પાઇપની નેટવર્ક પદ્ધતિ અપનાવવામાં આવે છે.

ક-2 : વાલ્વ : શહેરમાં પાણી પહોંચાડવા માટે પાઇપની ગોઠવણીમાં વચ્ચે અલગ અલગ પ્રકારના વાલ્વ ગોઠવવામાં આવે છે, જેથી પાણીના પુરવઠાને જરૂરિયાત મુજબ નિયંત્રિત કરી શકાય. અલગ અલગ પ્રકારના વાલ્વ નીચે મુજબ છે (આકૃતિ 5 – 7) :

આકૃતિ 5 : સ્લૂસ વાલ્વ

આકૃતિ 6 : ચેક વાલ્વ

આકૃતિ 7 : ઍર રિલીફ વાલ્વ

(1) સ્લૂસ વાલ્વ અથવા શટ-ઑફ વાલ્વ : આ વાલ્વ મુખ્ય તથા પેટાપાઇપમાં જોડવામાં આવે છે. આ વાલ્વ બંધ કરવાથી કોઈ ચોક્કસ વિસ્તારમાં પાણીનો પુરવઠો જતો રોકી શકાય છે. પાઇપલાઇન રિપેર કરવાની હોય ત્યારે ચોક્કસ વિસ્તારમાં આ વાલ્વની મદદથી પાણી જતું રોકી શકાય છે. આ વાલ્વ 150થી 250 મીટરના અંતરાલે તથા જ્યાં બે પાઇપો છેદે ત્યાં મૂકવામાં આવે છે. જ્યારે અલગ-અલગ વિસ્તારોમાં વારા પ્રમાણે પાણી આપવાનું હોય ત્યારે આ વાલ્વ ઉપયોગી બને છે.

આકૃતિ 8 : હાઇડ્રન્ટ

(2) ચેક વાલ્વ અથવા નૉનરિટર્ન વાલ્વ : આ સ્વયંસંચાલિત વાલ્વ છે, જે માત્ર એક જ દિશામાં પાણીનો પ્રવાહ શક્ય બનાવે છે. જ્યારે પમ્પની મદદથી પાણીનો પ્રવાહ પહોંચાડવાનો હોય ત્યારે આ વાલ્વ ઉપયોગી થાય છે, કારણ કે પમ્પ બંધ થવાથી પાણીનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં જવાનો ભય રહે છે. આ વાલ્વ તેમ થવામાં અવરોધ કરે છે તથા પાણીને જરૂરી દિશામાં જ વહેવડાવે છે.

(3) વાયુ-પટલ (air valve) : પાઇપમાં વહેતા પાણી સાથે હવા પણ રહેલી હોય છે.  તે હવા પાઇપમાં ઉપરના ભાગમાં એકઠી થાય છે. જ્યારે પાઇપના ઢાળમાં એકાએક મોટો ફેરફાર થાય ત્યારે આ હવા પાણીના પ્રવાહ માટે અવરોધ ઉત્પન્ન કરે છે તથા પાઇપને નુકસાન પણ પહોંચાડતી હોય છે. આ વાલ્વ પાઇપમાં ચોક્કસ અંતરાલ હોય તથા ખાસ કરીને જ્યાં ઢાળમાં એકાએક ફેરફાર થતો હોય ત્યાં એકઠી થતી હવાને પાઇપની બહાર કાઢવા માટે ગોઠવવામાં આવે છે.

(4) અપવાદ/નિષ્કાસનપટલ અથવા અભિમાર્જનપટલ (drain valve or sewer valve) : આ વાલ્વ ગૌણ પાઇપનો અંત (dead end) આવે ત્યાં મૂકવામાં આવે છે, જેથી છેડા પર એકઠો થયેલ કચરો બહાર કાઢી શકાય. આ ઉપરાંત જ્યાં મુખ્ય પાઇપ-લાઇન ઢાળ પર હોય ત્યાં નીચેના ભાગમાં પણ આ વાલ્વ મૂકવામાં આવે છે.

(5) હાઇડ્રન્ટ (આકૃતિ 8) : અગ્નિશમનના હેતુ માટે પાણી  મેળવવા હાઇડ્રન્ટ મુખ્ય પાઇપલાઇન પર ગોઠવવામાં આવે છે. તે સામાન્ય રીતે 300 મી.ના અંતરાલે મૂકવામાં આવે છે.

(6) મીટર (આકૃતિ 9) : પાણીના બગાડ તથા ચોરીને રોકવા માટે મીટર મૂકવામાં આવે છે; જેના દ્વારા પ્રત્યેક ઘરમાં પૂરા પાડવામાં આવેલ પાણીપુરવઠાનું માપ જાણી શકાય છે તથા તે મુજબ દર વસૂલ કરી શકાય છે.

આકૃતિ 9 : ચક્રાકાર પાણીમાપક યંત્ર

(ખ) ઘરોમાં અંદરના ભાગોમાં પાણી પહોંચાડવા માટેનું પ્લમ્બિંગ.

(ખ-1) ઘરનું પાણીનું જોડાણ.

મહોલ્લામાં કે રસ્તા પર આવેલી પાણીની મુખ્ય લાઇનમાંથી ઘરમાં પાણીનું જોડાણ નીચે મુજબ આપી શકાય :

(1)  ફેરુલ : (આકૃતિ 10)માં દર્શાવ્યા પ્રમાણે ફેરુલ એ કાટખૂણા આકારનો પિત્તળ અથવા ગન-મેટલનો બનેલો ટુકડો છે, જેને મુખ્ય લાઇનના ઉપરના ભાગમાં છિદ્ર પાડીને જોડવામાં આવે છે તથા ફેરુલના બીજા છેડાને ઘરમાં પાણી લઈ જતા પાઇપ સાથે જોડવામાં આવે છે.

આકૃતિ 10 : મુખ્ય પાઇપમાંથી જોડાણની રીત

(2) હંસ-કંઠ (goose neck) : તે આકૃતિ10માં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકાર પાઇપ છે, જે સામાન્ય રીતે સીસાનો બનેલો હોય છે તથા તે મુખ્ય લાઇન તથા ઘરમાં પાણી લઈ જતા પાઇપને જોડે છે.

(ખ-2) પાણીની ટાંકી : ઘરના પાણીના જોડાણ-પાઇપમાંથી પાણી દબાણ દ્વારા કે વિદ્યુત મોટર દ્વારા ઘરની ઊંચે રાખેલી પાણીની ટાંકીમાં આવે છે. ત્યાંથી પાઇપ મારફતે પાણી ઘરના અલગ અલગ ભાગોમાં પહોંચાડવામાં આવે છે.

આકૃતિ 11 : પાણીની ટાંકી

(ગ) ઘરોમાં ઉત્પન્ન થતું ગંદું પાણી મહોલ્લાની ગટર (સ્યૂઅર) સુધી પહોંચાડવા માટે  થતું પ્લમ્બિંગ : ઘરોમાં અલગ અલગ પ્રકારનો પ્રવાહી કચરો (ગંદું પાણી) ઉત્પન્ન થાય છે, જેને મહોલ્લાની ગટર સુધી પહોંચાડવા યોગ્ય રીતે પ્લમ્બિંગ જરૂરી છે. એ કરવાથી જાજરુ-બાથરૂમમાંનાં મળ-મૂત્ર, રસોડાનાં વાસણો સાફ કરવાથી ઉત્પન્ન થતો એંઠવાડ તથા નાહવા-ધોવાથી તથા ધાબાંઓ સાફ કરતાં નીકળતા ગંદા પાણીનો યોગ્ય નિકાલ થઈ શકે છે.

આકૃતિ 12 : મકાનમાં ગટર વ્યવસ્થા

આકૃતિ 12માં એક મકાનમાં ગંદા પાણીના નિકાલ માટે કરવામાં આવતા પ્લમ્બિંગનો નકશો જોતાં નીચેની વ્યવસ્થા ખ્યાલમાં આવશે :

(1) રેન–વૉટર પાઇપ : તે ચોમાસા દરમિયાન ધાબા પર જમા થતા વરસાદના પાણીને નીચે લાવીને બહાર કાઢે છે.

(2) ક્લીનિંગ આઇ : તે રેન-વૉટર પાઇપ સાથે મૂકવામાં આવે છે. જો પાણીમાં કચરો હોય તો તે ક્લીનિંગ આઇથી સાફ કરી શકાય છે.

(3) સિન્ક વેસ્ટ : કૂંડીમાં ધોવાની પ્રક્રિયા કરવાથી નીકળતું ગંદું પાણી આ જગાએથી પાઇપમાં દાખલ થાય છે.

(4) વૉટર ક્લોઝેટ (જાજરૂ) : લૅવેટરી, બેસિન વેસ્ટ તથા બાથ વેસ્ટ – આ તમામ જગાએથી નીકળતું ગંદું પાણી આકૃતિમાં દર્શાવેલ સંબંધિત બિંદુઓ પરથી નિકાલ પામે છે.

(5) ઇન્ટરસેપ્ટિંગ ચેમ્બર : અલગ-અલગ લેવલ પરથી મળતા પાઇપોના ગંદા પાણીને મોટા પાઇપમાં વાળવા માટે તે પાઇપોને આ ચેમ્બરમાં એકત્રિત કરવામાં આવે છે.

(6) ઇન્ટરસેપ્ટિંગ ટ્રૅપ : પાઇપમાં બહારના નુકસાનકારક વાયુઓ ન પ્રવેશે તે માટે ઇન્ટરસેપ્ટિંગ ટ્રૅપ મૂકવામાં આવે છે.

(7) ફ્રેશ ઍર ઇનલેટ : પાઇપમાં તાજી હવા મેળવવા માટે ફ્રેશ ઍર ઇનલેટ મૂકવામાં આવે છે.

(8) સૅડલ-પાઇપ : ઘરના પાઇપને મહોલ્લાની ગટરલાઇન સાથે જે પાઇપથી જોડવામાં આવે તેને સૅડલ-પાઇપ કહે છે.

આકૃતિ 13 : ગટરલાઇન ગોઠવણ

(ઘ) ઘરોમાંથી તથા અન્ય મકાનોમાંથી ગંદું પાણી તથા અન્ય પ્રવાહી કચરો શહેરની બહાર લઈ જવા માટેનું પ્લમ્બિંગ : ઘરોમાંથી તેમ અન્ય જાહેર મકાનોમાંથી અલગ અલગ પ્રકારનું ગંદું પાણી નીકળે છે; જેમ કે ઘરમાં ધોવાથી નીકળતું પાણી, જાજરૂ-બાથરૂમમાંથી મળમૂત્રનો પ્રવાહી કચરો, વાસણો સાફ કરવાથી નીકળતું સાબુયુક્ત પાણી વગેરે. જ્યાં અલગ અલગ વ્યવસાયો ચાલતા હોય તેવાં જાહેર સ્થળો તથા કારખાનાંઓમાંથી પણ ત્યાં ચાલતી પ્રવૃત્તિઓને અનુરૂપ ગંદું પાણી તથા પ્રવાહી કચરો નીકળતાં હોય છે. આમ સમગ્ર શહેરમાંથી નીકળતા પ્રવાહી કચરામાં ઘણાં નુકસાનકારક દ્રવ્યો હોય છે; જેમ કે, તેજાબ, ઝેરી રસાયણ તથા રોગના જંતુઓ વગેરે. આમ આ ગંદા પ્રવાહી(સુએજ)ને યોગ્ય રીતે એકઠું કરી, જરૂરિયાત મુજબ તેના પર પ્રક્રિયા કરીને તેનો સલામત નિકાલ કરવો જરૂરી હોય છે. આ ગંદા પ્રવાહીને એકઠું કરવા માટે ખુલ્લી ગટરો તથા બંધ ગટરો(sewers)ની યોજના કરવામાં આવે છે. આજની પરિસ્થિતિમાં બંધ ગટરોની ભૂગર્ભ પાઇપ યોજનાની પ્રથા સવિશેષ પ્રચલિત છે.

આકૃતિ 14 : ગટર પ્રવેશ

(છ-1) બંધ ગટરોના પ્રકારો : બંધ ગટરમાં જમીનમાં પાઇપો ગોઠવવામાં આવે છે. તેના દ્વારા ગંદા પાણીને એકઠું કરવામાં આવે છે. તેના અલગ-અલગ પ્રકારો નીચે મુજબ છે : (1) મુખ્ય ગટર અથવા ટ્રન્ક ગટર : તેની પાઇપ સૌથી મોટો વ્યાસ ધરાવતી હોય છે અને તે મુખ્ય ગટરનું કામ કરે છે. અન્ય નાની પાઇપો દ્વારા ગંદું પાણી તેમાં આવતું હોય છે.

(2) પેટા મુખ્ય ગટર : તે શાખા ગટરોમાંથી ગંદું પાણી એકઠું કરીને મુખ્ય ગટરને પહોંચાડે છે.

(3) શાખા સ્યૂઅર : તે રહેણાકનાં તથા અન્ય મકાનોમાંથી ગંદું પાણી એકઠું કરીને મોટી સ્યૂઅરને પહોંચાડે છે.

(4) સૅનિટરી સ્યૂઅર : રહેણાકનાં ઘરોમાંથી ગંદા પાણીને એકઠું કરતી સ્યૂઅરને ‘સૅનિટરી સ્યૂઅર’ પણ કહે છે. તેને ‘સેપરેટ સ્યૂઅર’ પણ કહેવામાં આવે છે.

(5) સંયુક્ત સ્યૂઅર : તે ગંદા પાણી ઉપરાંત ચોમાસામાં વરસાદના પાણીનું વહન કરતી સ્યૂઅર છે.

(6) અંતિમ સ્યૂઅર (out-fall sewer) : સમગ્ર શહેરમાંથી નીકળતા ગંદા પાણીને એકઠું કરી આ સ્યૂઅર મારફત તેને ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લઈ જવામાં આવે છે અથવા તેનો ક્યાંક બહાર નિકાલ કરી દેવામાં આવે છે.

(7) આંતરતી સ્યૂઅર (intercepting sewer) : અંતિમ સ્યૂઅર તથા અન્ય સ્યૂઅરને જોડતી સ્યૂઅરને આંતરતી સ્યૂઅર કહે છે.

પાઇપના જાળાની જેમ જ સ્યૂઅરનું જાળું ગોઠવવામાં આવે છે.

(છ-2) સ્યૂઅરના જાળામાં ગોઠવવામાં આવતાં અન્ય સાધનો (appurtenance) :

(1) ઇનલેટ (આકૃતિ 14) : રસ્તાઓ પર તથા મહોલ્લાઓમાં વરસાદ દ્વારા પડતું પાણી ઇનલેટમાં થઈને સ્યૂઅરમાં વહી જાય છે. તેથી ચોમાસામાં રસ્તા પર પાણી એકઠું થતું નથી. ઇનલેટ તમામ ચાર રસ્તાઓ પર તથા સીધા રસ્તાઓ પર 120 મીટરના અંતરાલે મૂકવામાં આવે છે. ખુલ્લી ગટરો પર પણ સ્યૂઅરની જેમ જ ઇનલેટ મૂકવામાં આવે છે. ખુલ્લી ગટર પર મૂકવામાં આવતા ઇનલેટ પર સ્ટીલના સળિયાઓનું કે ધાતુનું કાણાંવાળું મજબૂત ઢાંકણ રાખવું જોઈએ, જેથી કચરો ગટરમાં પ્રવેશી શકે નહિ.

સંયુક્ત સ્યૂઅરમાં ઇનલેટ જેવું જ કેચ-બેસિન મૂકવામાં આવે છે, જેનું કાર્ય ઇનલેટ જેવું જ હોય છે.

આકૃતિ 15 : મેનહોલની વિગતો

(2) મેનહોલ (આકૃતિ 15) : જ્યારે સ્યૂઅરમાં ગંદા પાણીના પ્રવાહમાં અવરોધ આવે, સ્યૂઅરના કોઈ ભાગમાં ભાંગ-તૂટ થાય ત્યારે સાફ કરવા માટે, સમારકામ કરવા માટે તથા નિરીક્ષણ કરવા માટે વ્યક્તિ મેનહોલમાં નીચે ઊતરીને સ્યૂઅરનું નિરીક્ષણ તથા સમારકામ કરી શકે છે. મેનહોલ સામાન્ય રીતે 100થી 150 મીટરના અંતરાલે મૂકવામાં આવે છે. જ્યારે સ્યૂઅરનો વ્યાસ 60 સેમી.થી વધારે હોય ત્યારે તેનો અંતરાલ 200 મીટરનો રાખવામાં આવે છે તથા સ્યૂઅરનો વ્યાસ 120 સેમી.થી વધારે હોય ત્યારે  મેનહોલ 400થી 500 મીટરના અંતરે મૂકવામાં આવે છે. મોટા વ્યાસવાળી સ્યૂઅરમાં વ્યક્તિ મેનહોલમાં થઈને અંદર જઈને નિરીક્ષણ કરી શકે છે.

(3) ડ્રૉપ મેનહોલ (આકૃતિ 16) : અલગ અલગ ઊંચાઈ પર (લેવલ પર) આવેલ બે સ્યૂઅરને જોડવા માટે ડ્રૉપ મેનહોલ મૂકવામાં આવે છે.

આકૃતિ 16 : ડ્રૉપ મેનહોલ

આકૃતિ 17 : લેમ્પહોલ

(4) લૅમ્પહોલ : જ્યારે બે મેનહોલ ખૂબ દૂર હોય ત્યારે તથા બે મેનહોલ વચ્ચે સારો એવો ઊંચાઈની બાબતમાં તફાવત હોય ત્યારે સંબંધિત મેનહોલ વચ્ચે લૅમ્પહોલ ગોઠવવામાં આવે છે. લૅમ્પહોલમાં દીવો (lamp) ઉતારવામાં આવે છે તથા આજુબાજુના બંને મેનહોલમાંથી એના પ્રકાશની મદદથી ગટરલાઇનનું નિરીક્ષણ કરી શકાય છે. આ લૅમ્પહોલ પર કાણાંવાળું ધાતુનું ઢાંકણ મૂકવાથી ગટરલાઇનને તાજી હવા મળે છે.

(5) ફ્લશિંગ ટૅન્ક :

આકૃતિ 18 : ફ્લશિંગ ટૅન્ક

જ્યારે ગટરમાં કચરાનો જમાવ થઈ જાય તથા ગંદા પાણીનો પ્રવાહ અટકી જાય ત્યારે ફ્લશિંગ ટૅન્કની મદદથી પાણી છોડીને કચરો સાફ કરી શકાય છે. ફ્લશિંગ ટૅન્ક ગટરને છેડે કે શરૂઆતમાં મૂકવામાં આવે છે. ફ્લશિંગ ટૅન્ક માનવસંચાલિત તેમજ સ્વયંસંચાલિત–બે પ્રકારની હોઈ શકે છે.

(6) ઓવરફ્લો વિયર :

આકૃતિ 19 : ઓવરફ્લો વિયર

સંયુક્ત બંધ ગટરોમાં ચોમાસા દરમિયાન વરસાદનું પાણી ભળતાં તેમાં તેના વહનની ક્ષમતા કરતાં પ્રવાહનો ભાર-જથ્થો વધી જાય છે. તેના નિકાલ માટે ઓવરફ્લો વિયર ગટરલાઇનમાં ગોઠવવામાં આવે છે. વિયર પરથી ગટરમાંનું વધારાનું પાણી છલકાઈને બહાર વહી જાય છે અને ગટરલાઇનમાં ક્ષમતા પ્રમાણેનો પ્રવાહ જળવાઈ રહે છે.

લીપિંગ વિયર (આકૃતિ 20)નું કાર્ય પણ ઓવરફ્લો વિયર જેવું જ હોય છે.

આકૃતિ 20 : લીપિંગ વિયર

સાઇફન સ્પિલ-વેનું કાર્ય પણ ઓવરફ્લો વિયર જેવું જ હોય છે.

આકૃતિ 21 : સાઇફન સ્પિલવે

(7) આઉટલેટ

આકૃતિ 22 : અંતિમ ગટરલાઈન

સમગ્ર શહેરમાંથી ગંદું પાણી એકત્રિત કરીને તેને ટ્રીટમેન્ટ-પ્લાન્ટમાં લઈ જવા માટે અથવા તેનો નદી કે સમુદ્રમાં નિકાલ કરવા માટે જે અંતિમ ગટરલાઇન મૂકવામાં આવે છે, તેને આઉટલેટ અથવા આઉટફૉલ ગટરલાઇન કહે છે.

નગીન મોદી

રાજેશ માનશંકર આચાર્ય