પ્લમ્બજિનેસી

February, 1999

પ્લમ્બજિનેસી : વનસ્પતિના દ્વિદળી વર્ગનું એક કુળ. તે 10 પ્રજાતિઓ અને લગભગ 300 જાતિઓનું બનેલું છે. તેનું વિતરણ મુખ્યત્વે ભૂમધ્ય સમુદ્રના અને મધ્ય એશિયાના અર્ધશુષ્ક પ્રદેશોમાં થયેલું છે. સૌથી મોટી પ્રજાતિઓમાં Limonium (Statice) (150 જાતિઓ), Acantholimon (90 જાતિઓ), Armeria (40 જાતિઓ) અને Plumbago(10 જાતિઓ)નો સમાવેશ થાય છે.

બહુવર્ષાયુ શાકીય કે ક્ષુપ, કેટલીક વાર કઠલતાઓ(lianas), પર્ણો એકાંતરિક, ઘણી વાર પર્ણગુચ્છ (rossete) સ્વરૂપે જોવા મળે, અનુપપર્ણીય; પુષ્પવિન્યાસ સામાન્યત: અપરિમિતથી માંડી લઘુપુષ્પગુચ્છી (paniculate) (દા.ત., Limonium), કે મુંડકરૂપ (capitulose) (દા.ત., Armeria), કે પરિમિત, કે એકતોવિકાસી (જેમાં ઘટાડો થતાં માત્ર એકપુષ્પી બને; (દા.ત., Plumbago), કે શૂકીરૂપ (spicate) (દા.ત., Acantholimon); નિપત્રો કેટલીક વાર નિચક્ર (involucre) બનાવે ; પુષ્પ ત્રિજ્યાસમમિત (actinomorphic), દ્વિલિંગી, અધોજાય, નિપત્રી; વજ્રપત્રો-5 (ક્યારેક નાના દ્વિતીયક ખંડો ધરાવે), યુક્ત વજ્રપત્રી (gamosepalous), પ્રવલિત (plicate), ઘણી વાર 5થી 10 ખાંચો ધરાવે, ખૂણાઓવાળું કે સપક્ષ વજ્ર બનાવે, ક્યારેક ગ્રંથિયુક્ત (Plumbago), દલપત્રો-5, યુક્ત દલપત્રી (gamopetalous), વ્યાવૃત (contorted) કે કોરછાદી (imbricate); પુંકેસરો 5, અધોજાયી (plumbago), કે પરિજાયી (statice), દલપત્ર-સમ્મુખ, અંતર્મુખી (introse), પરાગાશય દ્વિખંડી, તેનું લંબવર્તી સ્ફોટન, કેટલીક જાતિઓમાં પરાગરજ દ્વિસ્વરૂપી, સ્ત્રીકેસરો-5, યુક્ત બીજાશય, ઊર્ધ્વસ્થ, પાંચ ખાંચો ધરાવે, એકકોટરીય, તલસ્થ  અંડનાલમાંથી લટકતું એક અધોમુખી (anatropous) અંડક, અંડાવરણો – 2, પરાગવાહિનીઓ-5, વજ્રપત્ર સમ્મુખ, મુક્ત કે તલભાગેથી જોડાયેલી, કેટલાકમાં અસમ પરાગવાહિનીઓ જોવા મળે, પરાગાસનો દોરી જેવાં; ફળ અસ્ફોટનશીલ નાની કોથળી જેવું, અનુપ્રસ્થ સ્ફોટી, ઘણી વાર વજ્ર વડે આવરિત; બીજ સ્ફટિકમય-કણિકાઓવાળો ભ્રૂણપોષ અને સીધો ભ્રૂણ ધરાવે.

Plumbago zeylanica(ચિત્રક)નાં મૂળ ઔષધમાં વપરાય છે.

દીનાઝ પરબિયા

મીનુ પરબિયા