પ્રોમીથિયમ : લૅન્થેનાઇડ દુર્લભ મૃદા (rare earth) શ્રેણીનું અનુપસ્થિત રાસાયણિક તત્વ. સંજ્ઞા Pm. માનવજાતના લાભાર્થે પવિત્ર અગ્નિ પૃથ્વી ઉપર લાવનાર ગ્રીક દેવતા પ્રોમીથિયસના નામ ઉપરથી આ તત્વનું નામ પ્રોમીથિયમ પાડવામાં આવ્યું છે. તે આવર્તકોષ્ટકના IIIb સમૂહનાં સંક્રાંતિક તત્વોની એકમાત્ર આંતરિક સંક્રાંતિક (inner transition) ધાતુ છે. તે કુદરતમાં મળી આવતું નથી.
તે નાભિકીય ભઠ્ઠીઓમાં યુરેનિયમ, થોરિયમ અને પ્લુટોનિયમના વિખંડન દ્વારા મળે છે. આવા વિખંડનની નીપજોના અવશેષોમાંથી 1945માં મેરિન્સ્કી, ગ્લેન્ડેનીન અને કૉરીલ નામના વૈજ્ઞાનિકોએ આ તત્વ અલગ પાડ્યું હતું. 1958માં ઓક રિજ નૅશનલ લૅબોરેટરી ખાતે 2 ગ્રા. અને તે પછી હૅન્ફર્ડ ખાતે 2 કિગ્રા. તત્વ પુન: પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.
અલગીકરણ અને બનાવટ : Pm147નું અલગીકરણ લૅન્થેનાઇડ તત્વોની વિખંડનની નીપજોમાંથી દ્રાવક નિષ્કર્ષણ પદ્ધતિથી અથવા તો આયનવિનિમય પદ્ધતિથી અસરકારક રીતે કરી શકાય છે.
નિયોડિમિયમના સમસ્થાનિક Nd146 ઉપર ધીમી ગતિથી ન્યૂટ્રૉનનો મારો કરવાથી નિયોડિમિયમનો બીજો સમસ્થાનિક Nd147 બને છે, જેમાંથી ઇલેક્ટ્રૉનનું ઉત્સર્જન થઈ Pm147 પ્રાપ્ત થાય છે.
ઈ. સ. 1963માં લિથિયમ વડે પ્રોમીથિયમ ફ્લોરાઇડ(PmF3)નું રિડક્શન કરીને સૌપ્રથમ પ્રોમીથિયમ ધાતુ બનાવવામાં આવી હતી.
ગુણધર્મો : પ્રોમીથિયમ અત્યંત શક્તિશાળી પરમાણુ પ્રક્રિયાઓ વડે પ્રાપ્ત થતું હોવાથી મનુષ્યને હાનિકર્તા બની શકે છે. તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો લૅન્થેનાઇડ શ્રેણીનાં તત્વોના વિશિષ્ટ ગુણધર્મો જેવા હોય છે.
તે ચાંદી જેવી સફેદ ધાતુ છે. તેના કેટલાક ભૌતિક ગુણધર્મો નીચે દર્શાવ્યા છે :
ગુણધર્મ | મૂલ્ય |
પરમાણુભાર | 147 |
પરમાણુક્રમાંક | 61 |
ઇલેક્ટ્રૉન સંરચના | [Xe]4f5 5do 6s2 |
ગ. બિં. (°સે.) | 1,160 |
ઉ. બિં. (°સે.) | 2,460 |
ઘનતા | 7.2 |
ઉપચયન અવસ્થા | +3 |
ઘન સ્થિતિમાં અને જલીય દ્રાવણમાં તેનાં સંયોજનોનો રંગ ગુલાબી હોય છે. તેના આયનો અનુચુંબકીય હોય છે. તે શ્ય પ્રકાશ અને પારજાંબલી પ્રકાશનું શોષણ કરી શકતું હોવાથી વર્ણપટની મદદથી તેનું ગુણદર્શક પૃથક્કરણ કરી શકાય છે.
સમસ્થાનિકો : પ્રોમીથિયમના લગભગ એક ડઝન જેટલા અસ્થાયી સમસ્થાનિકો મળે છે. તેના બે સમસ્થાનિકો Pm145 અને Pm147ના અર્ધઆયુષ્ય સમય અનુક્રમે 18 વર્ષ અને 2.64 વર્ષ છે. તેના સમસ્થાનિકો અત્યંત અલ્પ અર્ધ-આયુષ્ય સમય ધરાવતા હોવાથી યુરેનિયમ અને યુરેનિયમની ખનિજમાંથી આપમેળે ખંડન-પ્રક્રિયાથી ઉત્પન્ન થતી પ્રોમીથિયમ ધાતુનું પ્રમાણ અત્યંત અલ્પ હોય છે.
તે +3 ઉપચયન અવસ્થાવાળાં સ્થાયી સંયોજનો બનાવે છે. ઑક્સાઇડ Pm2O3, જાંબલી; જ્યારે નાઇટ્રેટ, Pm(NO3)3 ગુલાબી છે.
પ્રોમીથિયમનો મુખ્ય ઉપયોગ સંદીપક (phosphor) ઉદ્યોગમાં થાય છે. જાડાઇ માપવાના ગેજ માટે β-કિરણોના સ્રોત તરીકે, અવકાશી ઉપકરણોમાં નાભિકીય શક્તિવાળી બૅટરીમાં ખાસ પ્રકારની અર્ધવાહક બૅટરીમાં, 2,000° સે. તાપમાન 1,000 કલાક સુધી સહી શકે તેવા ટંગસ્ટન સર્મેટ (cermet) માટે ઍક્સ-કિરણના સ્રોત તરીકે પણ તેનો ઉપયોગ થાય છે.
ચિત્રા સુરેન્દ્ર દેસાઈ