પ્રૉવિડન્સ : યુ.એસ.ના ઈશાન ભાગમાં ઉત્તર એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા ‘રહોડ આઇલૅન્ડ’ રાજ્યનું પાટનગર. ભૌ. સ્થાન. 41° 49´ ઉ. અ. અને 71° 24´ પૂ. રે. તે નૅરાગનસેટ ઉપસાગરના શિરોભાગ પરની પ્રૉવિડન્સ નદીના કાંઠા પરનું એક કાર્યરત બંદર પણ છે. વધુમાં તે રહોડ આઇલૅન્ડ રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક, વાણિજ્યિક અને સાંસ્કૃતિક મથક પણ છે. તેની આસપાસના પૉટુકેટ, પૂર્વ પ્રૉવિડન્સ, સેન્ટ્રલ ફૉલ્સ, ક્રૅન્સ્ટન અને વૂનસૉકેટ જેવા મહાનગરીય વિસ્તારનું તે મુખ્ય કેન્દ્ર બની રહેલું છે.

ઈ. સ. 1636માં રૉજર વિલિયમ્સ નામની એક વ્યક્તિએ આ નગરનો પાયો નાખ્યો હતો. અમેરિકન ક્રાંતિની લડતમાં આ નગરે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1762માં અહીં જૂના રાજભવન(State House)નું અને 1770માં બ્રાઉન યુનિવર્સિટીના વિશાળ ખંડનું બાંધકામ કરવામાં આવ્યું. 1776ના મેની ચોથી તારીખે જૂના રાજભવન ખાતે રહોડ આઇલૅન્ડ રાજ્યના સ્વાતંત્ર્ય માટેના કાયદા પર સહીઓ કરવામાં આવી હતી. ક્રાંતિ પછીના ગાળામાં આ નગરનું વ્યાપારલક્ષી અર્થતંત્ર ધીમે ધીમે સુધરતું ગયું, તેમજ 19મી સદીના અંત સુધીમાં તેમાં ઔદ્યોગિક પ્રવૃત્તિનો ઉમેરો થયો. આજે આ શહેર કાપડ, યંત્રસામગ્રી, યાંત્રિક ઓજારો, ઝવેરાત અને રબરના સરસામાનને લગતા પાયાના ઉદ્યોગો પર નિર્ભર છે. વળી તેના બંદર પર આયાત-નિકાસના વ્યાપારની પ્રવૃત્તિ પણ પુરજોશમાં ચાલતી રહે છે. ન્યૂ ઇંગ્લૅન્ડ વિસ્તારના ખનિજતેલની હેરફેર પણ વધુ પ્રમાણમાં આ બંદરેથી જ થાય છે.

આ શહેર 1900માં ર્હોડ આઇલૅન્ડ રાજ્યનું પાટનગર બન્યું. તે યુ.એસ.નાં પ્રાચીન નગરો પૈકીનું એક ગણાય છે અને અનેક પ્રકારની ઐતિહાસિક ઇમારતો ધરાવે છે. સંસ્થાનકાળ દરમિયાન અહીં બૅપ્ટિસ્ટ ખ્રિસ્તી દેવળ (ઈ. સ. 1775) તથા ખ્રિસ્તી ધર્મના વડાઓ માટેના સભાખંડનું બાંધકામ થયેલું છે. ક્રાંતિકારી અને રાષ્ટ્રભક્ત પૉલ રિવિયર દ્વારા દેવળનો વિશાળ ઘંટ ઢાળવામાં આવેલો છે. 1786માં જૉન બ્રાઉન હાઉસ બાંધવામાં આવ્યું, તેમાં આજે ‘રહોડ આઇલૅન્ડ ઇતિહાસ મંડળ’ની વિવિધ પ્રવૃત્તિઓ થાય છે. જૂના સમયમાં સ્થપાયેલી અનેક શૈક્ષણિક સંસ્થાઓ આ શહેરમાં આવેલી છે તેમાં બ્રાઉન યુનિવર્સિટી, પેમ્બ્રોક મહિલા કૉલેજ, રહોડ આઇલૅન્ડ કૉલેજ, વ્યાવસાયિક વહીવટી સંચાલનની બ્રાયન્ટ કૉલેજ, પ્રૉવિડન્સ કૉલેજ, રહોડ આઇલૅન્ડ સ્કૂલ ઑવ્ ડિઝાઇન અને જૂનાં પુસ્તકો તથા ચિત્રસંગ્રહ ધરાવતા ‘પ્રૉવિડન્સ ઍથેનિયમ’ નામના વિશાળ પુસ્તકાલયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અહીં જ્યૉર્જિયાના સફેદ આરસમાંથી રાજભવન (State House) બાંધવામાં આવેલું છે. તેના ઘુમ્મટનો વ્યાસ 15 મીટર જેટલો છે. આ સિવાય અહીં બે કેથીડ્રલ પણ છે.

1938માં ફૂંકાયેલા વાવાઝોડા(hurricane)થી થયેલી તારાજી પછીથી આ શહેરનું મોટાભાગનું બાંધકામ નવેસરથી કરવામાં આવેલું છે. ભવિષ્યમાં વાવાઝોડાથી રક્ષણ મળી રહે એ માટેની આડશનું બાંધકામ 1966માં પૂર્ણ થઈ ગયેલું છે. આ શહેરની વસ્તી (1990 મુજબ) આશરે 1,61,000 જેટલી નોંધાયેલી છે.

પશ્ચિમ હિન્દી મહાસાગરમાં સેશેલ્સ (Seychelles) જૂથના ટાપુઓ પૈકીના એક ટાપુનું નામ પણ પ્રૉવિડન્સ છે. તે આશરે 9° 14´ દ. અ. અને 51° 02´ પૂ. રે. પર આવેલો છે. આ ટાપુની મુખ્ય પેદાશો કોપરાં તથા માછલી છે.

બીજલ પરમાર