પ્રોપેન : આલ્કેન શ્રેણીના હાઇડ્રોકાર્બનોમાંનો ત્રીજો ઘટક. અણુસૂત્ર C3H8; તેનો અણુભાર 44.09; ઉ.બિં., –42.1° સે., ગ.બિં., –190° સે. અને પ્રજ્વલનાંક (flash point) –105° સે. છે. ઇથર અને આલ્કોહોલમાં તે દ્રાવ્ય છે, જ્યારે પાણીમાં તે અલ્પ પ્રમાણમાં દ્રાવ્ય છે. તે એક શ્વાસરોધક (asphyxiant) રંગવિહીન વાયુ છે. પ્રાકૃતિક વાયુ અને પેટ્રોલિયમમાંથી તે મેળવવામાં આવે છે. ઇથેન અને મિથેનની માફક તે અગત્યનો બળતણ-વાયુ છે. રાંધણ-ગૅસ (liquified petrolium gas – LPG)નો તે મુખ્ય ઘટક છે. તેનું કૅલરીમૂલ્ય 12,000 કે./ગ્રા. છે. એક ઘનમીટર પ્રોપેનના દહન માટે 23.8 ઘનમીટર હવા વપરાય છે. દહનની નીપજો તરીકે કાર્બન ડાયૉક્સાઇડ અને પાણી (વરાળ) મળે છે, જ્યારે હવામાંનો નાઇટ્રોજન એમનો એમ રહે છે. પ્રોપેનનું સ્વજ્વલન (autoignition) તાપમાન 466° સે. તથા તેની જ્યોતનું 1,970° સે. છે.

સામાન્ય તાપમાને દબાણ હેઠળ બ્યૂટેન તથા પ્રોપેન પ્રવાહી સ્થિતિમાં ફેરવાય છે. આ બંનેના પ્રવાહી મિશ્રણને LPG કહે છે.

તે બળતણ તરીકે ઘરવપરાશ ઉપરાંત ટ્રક કે મોટરકાર જેવાં વાહનો ચલાવવામાં, કાર્બનિક સંશ્લેષણમાં ઇથિલીનના ઉત્પાદનમાં, નિષ્કર્ષક (extractant) તથા દ્રાવક તરીકે, પ્રશીતક (refrigerent) તરીકે વપરાય છે. 650° સે.થી ઊંચા તાપમાને તેનું વિભંજન (cracking) થઈ ઇથિલીન અને મિથેન મળે છે. આ પ્રક્રિયા ઇથિલીનના વ્યાપારી સ્રોત તરીકે ઉપયોગી છે.

જ. પો. ત્રિવેદી