પ્રેમમાર્ગી સાધક : સૂફી સાધકો અને પ્રેમમાર્ગી કવિઓ માટે પ્રયોજાતો શબ્દ. સૂફીઓ પોતાની સાધનામાં પ્રેમને ખૂબ મહત્વ આપે છે. તેમને મતે પ્રેમનું અસ્તિત્વ સાધનાના પ્રારંભથી જ હોય છે અને તેની પરિણતિ પણ પ્રેમમાં જ થાય છે. પરમ પ્રિયતમ પરમાત્માને પ્રેમ દ્વારા પ્રાપ્ત કરવા એ સૂફી સાધનાનું મુખ્ય અંગ છે. સૂફીઓ દૃઢપણે માને છે કે ભગવદકૃપાથી જ સાધકના હૃદયમાં પ્રેમ ઉત્પન્ન થાય છે. પરમાત્મા પોતે જેને પ્રેમ કરે છે તેના હૃદયમાં પ્રેમ પલ્લવિત થાય છે. સૂફી સાધક વાયજીદ બિસ્તામીનું કથન છે કે હું તો એમ સમજતો હતો કે હુ પરમાત્માને પ્રેમ કરું છું, પરંતુ ઊંડાણથી વિચાર્યું તો ખબર પડી કે મારા પ્રેમ કરવાની પહેલાંથી જ તે મને પ્રેમ કરી રહ્યા છે. સૂફીઓનો દૃઢ વિશ્વાસ છે કે આ પ્રેમને પામીને પ્રેમી અને પ્રિયતમ બંને સંતોષ પામે છે. પ્રેમ દ્વારા જ્યારે પ્રેમીનાં બધાં અન્તદ્વન્દ્વો સમી જાય છે અને બધી વાસનાઓનો અંત આવી જાય છે ત્યારે તે પ્રેમમાર્ગે આગળ ધપે છે અને છેવટે પોતાના પ્રિયતમ પરમાત્માનો સાક્ષાત્કાર પામે છે.
પ્રવીણચંદ્ર પરીખ