પ્રેમ રમેશ (જ. 1927) : વિચિત્રવીણાના અગ્રણી વાદક તથા કિરાના ઘરાનાના ગાયક. જન્મ સીમાંત પંજાબ રાજ્યમાં એક નાના ગામમાં થયો હતો. પિતા દૌલતરામ સર્વોચ્ચ અદાલતમાં વકીલાત કરતા હતા. તેમણે શાસ્ત્રીય કંઠ્ય સંગીતનું પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ સુધી શ્રુતિરતન નામના સંગીતકાર પાસેથી મેળવ્યું હતું અને ત્યારપછી વિચિત્રવીણા-વાદન પ્રત્યે રુચિ પેદા થતાં 1942–44 દરમિયાન તેની તાલીમ વિખ્યાત સિતારવાદક અને બીનકાર મુહમ્મદ શરીફખાં પૂછવાલે પાસેથી લીધી હતી. 1947–54ના ગાળામાં તેમણે ચલચિત્રક્ષેત્રે સહાયક દિગ્દર્શકનું કામ કર્યું; પરંતુ તેમનો મૂળ ઝુકાવ શાસ્ત્રીય સંગીત તરફ હોવાથી 1954થી તેમણે બનારસના લાલમણિ મિશ્રનું શિષ્યત્વ સ્વીકાર્યું; સાથોસાથ કંઠ્ય સંગીતનું શિક્ષણ કિરાના ઘરાનાના વિખ્યાત ગાયક અબદુલ વહીદખાંના શિષ્ય જીવનલાલ મટ્ટુ પાસેથી લેવાનું ચાલુ રાખ્યું. 1947થી વિચિત્રવીણાના ઉચ્ચ શ્રેણીના કલાકાર તરીકે તેઓ મુંબઈ દૂરદર્શન તથા આકાશવાણી સાથે સંકળાયેલા છે. અખિલ ભારતીય શાસ્ત્રીય સંગીત સંમેલનોમાં પણ તેમના ઘણા કાર્યક્રમો રજૂ થયા છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે