પ્રેમચંદ – કલમ કા સિપાહી (1962) : હિંદીના નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક અમૃતરાય (જ. 1921) લિખિત પ્રેમચંદ(1876–1936)ની જીવનકથા.
હિંદીના અગ્રણી સર્જક પ્રેમચંદની સર્વપ્રથમ સર્વાંગસંપૂર્ણ જીવનકથા હોવા ઉપરાંત આ પુસ્તક જીવનકથાની લેખનકળાનો હિંદીમાં સર્વપ્રથમ સફળ પ્રયાસ લેખાય છે. તેમાંની મબલખ દસ્તાવેજી સામગ્રી, ક્ષોભરહિત સચ્ચાઈ, જોમભરી, સરળ, સ્વાભાવિક રજૂઆત-શૈલીના કારણે આ કૃતિ સાંપ્રત હિંદી સાહિત્યમાં અનન્ય પ્રદાનરૂપ લેખાઈ છે.
આધારભૂત દસ્તાવેજી સામગ્રીરૂપ પત્રો, સંસ્મરણો, પ્રસંગો વગેરેને અલાયદાં મૂકવાને બદલે જીવનકથાના પોતમાં જ વણી લેવાયાં છે, પરિણામે જીવનવૃત્તાંતની અધિકૃત સચ્ચાઈ વિશેષભાવે ઊપસી આવે છે. વળી લેખકના જમાનાની વિષમ ઘટનાઓ તથા તેમના વિકાસક્રમ વિશેના લેખકના પ્રતિભાવો પણ જાણવા મળે છે. આ જીવનકથા પ્રેમચંદના પુત્રની કલમે લખાયેલી હોઈ તેમાં અધિકૃતતા સાથે આત્મીયતાનું વિશિષ્ટ દર્શન થાય છે.
પુસ્તકના અંતે પ્રેમચંદની દરેક નવલકથાની વિસ્તૃત વિગત, પ્રકાશનનાં સ્થળ-સમય, જે સંજોગો હેઠળ નવલકથા લખાઈ-છપાઈ હોય તેની વિગત તેમજ પ્રેમચંદની તમામ ટૂંકી વાર્તાઓની યાદી અને પ્રત્યેકના પ્રકાશનની તારીખ તથા તેનું સર્વપ્રથમ જેમાં પ્રકાશન થયું હોય તે સામયિકનું નામ – આવી આવી તો અનેક ઝીણવટભરી વિગતો, તેમાં જહેમતપૂર્વક એકત્રિત કરીને અપાઈ છે. આથી પ્રેમચંદના અભ્યાસ-સંશોધન માટે સંશોધકોને મહત્વની અઢળક સામગ્રી એક જ સ્થળે સહજસુલભ બની રહે છે.
આ પુસ્તકને સાહિત્ય અકાદમીનો 1963ના વર્ષનો ઍવૉર્ડ પણ મળ્યો હતો.
મહેશ ચોકસી