પ્રેમ (love) : માનવજીવનની પાયાની, મૂળભૂત લાગણી. માનવજીવન લાગણીઓ અને ભાવનાઓથી ભર્યું-ભર્યું છે. બાળકના જન્મથી જ તેનામાં એક પછી એક લાગણી પ્રગટવા માંડે છે. પાંચ વર્ષની વય સુધીમાં બાળકમાં ક્રમશ: સુખ, અસુખ, રોષ, સ્નેહ-પ્રેમ, ઈર્ષ્યા, લજ્જા, ગુનાહિત ભાવ, દુ:ખ-પીડા અને ચિંતા જેવા લાગણીભાવ દેખાવા માંડે છે.

બાળક સાત-આઠ માસનું થાય ત્યારથી જ તેનામાં આસપાસના લોકો તરફ સ્નેહભાવ દેખાય છે. તે સમયે બાળક આસપાસના લોકો પાસેથી વહાલ ઝંખતું પણ થાય છે. પ્રેમની લાગણીનો આ રીતે પ્રારંભ થાય છે. તે રીતે જોતાં પ્રેમ એક પાયાની મૂળભૂત લાગણી છે. ચાહવું અને પ્રેમ પામવો એ મૂળભૂત જરૂરિયાત છે. તે જીવનમાં ભારે અગત્યનો ભાગ ભજવે છે. માણસ અન્ય સાથે ગાઢ સ્નેહસંબંધ બાંધવા આતુર હોય છે અને તે સંબંધની ઉષ્મા ઝંખે છે. આવા સંબંધ વિના તે એકલતાથી સોરાય છે.

સ્વપ્રીતિ હોય છે ખરી, પણ સામાન્યત: પ્રેમની લાગણી પરલક્ષી છે. પ્રેમનું પાત્ર અન્ય વ્યક્તિ છે. તેને વ્યક્તિ ચાહે છે અને તેનો પ્રેમ ઝંખે છે. પ્રીતિપાત્ર માટેનાં સતત કાળજી, નિસબત અને જતનમાં પ્રેમ વ્યક્ત થાય છે. તે પાત્રના ઉત્કર્ષ-હિત-કલ્યાણ માટે પ્રેમ ઉત્કટ ઝંખના સરજે છે.

પોતે એકલો-અટૂલો પડી જશે એવી માણસને સતત ચિંતા રહે છે. તેમાંથી ઊગરવા માણસ અન્ય કોઈ સાથે પ્રેમસાયુજ્ય ચાહે છે. અન્યના અસ્તિત્વમાં પોતાની જાતને ડુબાડી દઈ, પ્રીતિપાત્રને વશ થઈને સાયુજ્ય સાધી શકાય. તે જ રીતે બીજાને વશમાં રાખી એકત્વ પ્રાપ્ત કરી શકાય; પણ આ બંને પરિસ્થિતિમાં વ્યક્તિની આગવી વ્યક્તિમત્તાનો નાશ થાય છે. એકમાં પોતાની વ્યક્તિમત્તાનો લોપ છે, બીજામાં પ્રીતિપાત્રની વ્યક્તિમત્તાનો. જ્યારે બંનેની વ્યક્તિમત્તા અકબંધ જળવાય અને છતાંય સાયુજ્ય સધાય ત્યારે તે સાચો પ્રેમ.

પ્રેમની લાગણીમાં ઊંચા પ્રકારની હમદિલી છે. પ્રિયજનના ભાવજગતમાં પ્રવેશી પ્રેમી રાચે છે. તે પ્રિયજનની લાગણીઓ, તેના પ્રત્યાઘાત-પ્રતિભાવોમાં સહભાગી બની પ્રિયજન જેવા જ ભાવ અનુભવે છે. પ્રેમ કરનારનું સમગ્ર જીવનતંત્ર-મૂલ્યતંત્ર પ્રિયજનના યોગક્ષેમની આસપાસ કેન્દ્રિત થઈ રમી રહે છે. પ્રેમ કરનાર પોતાની શક્તિ, આવડત, સાધન, સાહિત્ય – સર્વસ્વ પ્રિયજન-હિતાય ખરચવાની ખેવના રાખે છે. તેનામાં એક પ્રકારની સ્વાર્પણ-ભાવના પ્રગટે છે. તેની સાથે જ તે પ્રિયજનને ગૂંગળાવવામાંથી દૂર રહે છે. પ્રિયજન પોતાની રીતે વિકસે તે માટે પ્રેમી માર્ગ મોકળો કરી આપે છે; એટલું જ નહિ, તે માટે સહાયરૂપ પણ થાય છે. પ્રિયજનની વ્યક્તિમત્તાનો આદર પ્રેમની સુવર્ણકસોટી છે. આદર વિના પ્રેમ ન હોય. પ્રેમ હોય ત્યાં આદર હોય જ.

‘પ્રેમ’ શબ્દ બહુ  ચવાયેલો અને ગવાયેલો છે. તેથી તે સંદિગ્ધ અને લપટો બની ગયો છે. તે શબ્દમાં માત્ર સ્ત્રી-પુરુષ વચ્ચેનો રોમાંચક કે પ્રણયસંબંધ જ નહિ, બીજા અનેક અર્થસંકેતો સમાયા છે. પ્રેમનાં જુદાં જુદાં રૂપ છે, તેના વિવિધ પ્રકાર છે.

પ્રેમનું સૌથી જાણીતું અને પ્રાથમિક રૂપ વાત્સલ્યમાં જોવા મળે છે. માતા-પિતા કે વાલીનો શિશુ કે પાલ્ય તરફનો પ્રેમ વાત્સલ્યભાવમાં વ્યક્ત થાય છે. આ પ્રેમ નિર્વ્યાજ છે. તેમાં કોઈ શરત નથી. બાળકની જરૂરિયાતો, તેનાં કલ્યાણ અને ઉછેરની જવાબદારી વાલી હોંશે હોંશે સ્વીકારે છે. બાળક પોતાનું જ સાતત્ય છે તેવો તાદાત્મ્યભાવ માતા-પિતા અનુભવે છે.

પ્રેમનું બીજું વ્યાપક રૂપ છે ભ્રાતૃભાવ. લોહીના સંબંધે ભાઈ તરફ સહોદરભાવ એક વાત છે; પણ તે ઉપરાંત પ્રત્યેક માનવ-બાંધવની દરકાર, તેને માટે આદર, તેના યોગક્ષેમની જવાબદારી વગેરે ભ્રાતૃપ્રેમ દ્વારા સૂચવાય છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ કે ‘તમારા પાડોશીને તમારા જેટલો જ ચાહો’ જેવાં નીતિ-ધર્મનાં સૂત્રોમાં ભ્રાતૃભાવના વાંચી શકાય છે.

સ્ત્રી-પુરુષ વચ્ચેનો, શારીરિક યૌન-સંબંધમાં પરિણમતો ભાવ કામુક પ્રેમ (erotic love) તરીકે ઓળખાય છે. અણચિંતવ્યા નિકટ પરિચયમાં આવવા (‘પ્રેમમાં પડવા’) માત્રને, અથવા શારીરિક-યૌન-સંબંધમાં લપટાવા માત્રને, કામુક પ્રેમ ગણવો તે પૂરતું નથી. કામુક પ્રેમ તેથી વિશેષ છે. જુદાઈ મિટાવી, એકલતાથી છૂટી કામુક પ્રેમમાં પરોવાવામાં બીજું ઘણું અભિપ્રેત છે. અંગત જીવન અને રહન-સહન, આશા અને આકાંક્ષાઓ, ભીતિ અને ચિંતાઓ એકબીજાને કહેવી-સાંભળવી, બહારના વિશ્વ વિશે એકસરખાં રસ-રુચિ કેળવવાં અને એ રીતે એક થઈને રહેવું, વચ્ચેની ભેદની દીવાલો તોડી સાયુજ્ય-તાદાત્મ્ય સાધવું તે કામુક પ્રેમ છે. આ પ્રેમ સાથે સંકળાયેલી યૌન-કામ-ઇચ્છા માત્ર શારીરિક ભૂખ નથી, તંગ ઉત્તેજનામાંથી હળવાશમાં ઓગળવાની સંતૃપ્તિ માત્ર નથી. તે બે શરીરમાંથી એક થવાની કામેચ્છા છે. વાત્સલ્ય કે ભ્રાતૃભાવ સાર્વત્રિક છે. બધાં બાળકો, બધા માનવો માટે તે વરસી શકે. પણ કામુક પ્રેમ અંગત ને વ્યાવર્તક છે. તે એકલ-દોકલ વ્યક્તિકેન્દ્રી છે. એક વ્યક્તિ સાથે કામુક પ્રેમ નિષ્ફળ જાય, ભ્રાંતિ ભાંગે તો તે પ્રેમ બીજી વ્યક્તિ તરફ વળે; પણ તેથી તેની એકકેન્દ્રિતા મટી જતી નથી. ઘણી વાર કામુક પ્રેમને યૌન-શારીરિક સંતોષ માનવાની ભૂલને કારણે પ્રેમ વિફળતાને વરે છે. તે પછી એકલતા જ શેષ રહે છે.

ભારતીય સમાજમાં લગ્નના માળખામાં કામુક પ્રેમની પ્રાપ્તિની અપેક્ષા રહી હોય છે; પરંતુ પરંપરા, રીત-રિવાજ, જ્ઞાતિવાદ, સામાજિક-આર્થિક ઉચ્ચાવચતા વગેરે ચોકઠામાં લગ્નો બંધાયેલાં હોઈ કામુક પ્રેમની તે વાતાવરણમાં સફળ થવાની આશા ઓછી રહે છે. ગોઠવેલાં લગ્નને બદલે પ્રેમનો રંગરંગીન રોમાંચકારી (romantic love) ખ્યાલ ફૅશનેબલ છે. ભારતીય સાહિત્ય, નાટક, ચલચિત્રો, નવલકથા, કવિતા, ટેલિવિઝન વગેરેએ રોમાંચક પ્રેમનો ખ્યાલ વધુ પ્રચલિત કર્યો છે; પ્રેમના આ સ્વરૂપનો વૈજ્ઞાનિક અભ્યાસ મેસ્લો નામના મનોવિજ્ઞાનીએ કર્યો છે. આત્મઆવિષ્કાર(self-actualization)ને જીવનનું ધ્યેય બનાવનારાઓના જીવનમાં જોવા મળતા પ્રેમનો અભ્યાસ પણ તેણે કર્યો છે. તેના કહેવા પ્રમાણે આવી વ્યક્તિઓમાં કામુક પ્રેમની સચ્ચાઈને કારણે ‘‘જીવન સહજ-સરળ બની રહે છે. બેમાંથી કોઈને કશું છુપાવવાનું, કશાથી બચવાનું, એકબીજા પર પ્રભાવ પાડવાનું, વ્યગ્ર થવાનું કે કોઈ બાબત દબાવી દેવાપણું રહેતું નથી. તેઓ એકબીજા સમક્ષ શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક રીતે અનાવૃત થઈને જીવી રહે છે.’’

સ્વરતિ કે આત્મપ્રેમ પણ પ્રેમનું એક રૂપ છે. પોતાની કાળજી, પોતાનું જ જતન, પોતા પૂરતી જ જવાબદારી અને આત્મશ્લાઘા સ્વપ્રેમનાં લક્ષણો છે. વધતેઓછે અંશે બધાંમાં સ્વપ્રેમ હોય છે. સ્વપ્રેમ હોવો જરૂરી પણ ખરો. જે પોતાનો આદર કરી શકે, પોતાને પ્રેમ કરી શકે તે જ બીજાનો આદર અને બીજાને પ્રેમ કરી શકે. પણ ઉત્કટ સ્વરતિ અને આત્મપ્રેમ વ્યક્તિને નુકસાન કરે. તેમાંથી માનસિક અસંતુલન પણ જન્મે.

ઈશ્વરપ્રીતિ પણ પ્રેમનો જ એક પ્રકાર છે. પોતાની એકલતામાંથી મુક્ત થઈ ઈશ્વર સાથે એક થવાની ભાવના એટલે ઈશ્વરપ્રેમ. ઈશ્વરપ્રીતિ ભક્તિ રૂપે પ્રગટ થાય છે. માણસ પોતાના દુન્યવી અનુભવને આધારે જ ઈશ્વર સાથે પ્રેમ કરતો જણાય છે. દિવ્ય રૂપ સાથે એક થવા મનુષ્ય ઈશ્વરનું બાળકની જેમ લાલન-પાલન કરે (વાત્સલ્યભાવ-ભગવદ્પ્રેમ), ઈશ્વરને મિત્ર-ભ્રાતા-સખાની જેમ ભજે (સખાભાવ), દાસની જેમ પ્રભુની સેવા કરે (દાસ્યભાવ), પત્નીની જેમ પ્રેમ કરે (રતિભાવ, દારાભાવ), માશૂકની જેમ ચાહે (આશક-માશૂકભાવ) કે પછી દેવદાસીની જેમ પ્રભુને સમર્પિત થાય – આ બધા દિવ્ય સાથે તન્મય થવાના પ્રયાસો છે. ભક્ત અહીં પણ પોતાના પ્રિય પ્રભુનાં કાળજી, જતન, જવાબદારીમાં રાચે છે.

મહેશ દવે