પ્રેમચંદ રાયચંદ (જ. 1812, સૂરત; અ. 1876) : સાહસિક ગુજરાતી વેપારી અને દાનવીર. સૂરતના વતની. તેમનો જન્મ મોટો મોભો અને મોટી શાખ ધરાવતા જૈન કુટુંબમાં થયો હતો. દાદા ઝવેરી હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા હતા. તેઓ એક અન્ય સગા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો પણ કરતા હતા. તેઓ સટ્ટાના વેપારમાં ભારે કુશળતા ધરાવતા હતા. તેમણે અંગ્રેજી ભાષાના જાણકારની જરૂર પડતાં પ્રેમચંદને પોતાની સાથે ધંધામાં જોતર્યા. પ્રેમચંદે ધંધામાં એવી હવા જમાવી કે સૌ કોઈ શેઠ પ્રેમચંદની રૂખને અનુસરતું. તેમની એવી પ્રતિષ્ઠા જામી કે નાનુંમોટું, ગરીબ-ગરબું, નોકરચાકર, યુવાન અને વૃદ્ધ  – સૌ તેમને એકસરખું માન આપતાં.

પ્રેમચંદ રાયચંદ

1861માં અમેરિકામાં આંતરવિગ્રહ શરૂ થયો. તેથી ત્યાંથી ઇંગ્લૅન્ડમાં રૂની નિકાસમાં મોટો ઘટાડો થયો અને ભારતના રૂ માટેની માંગ એકદમ વધી ગઈ. પ્રેમચંદે મુંબઈ ઇલાકાનાં વિવિધ ગામોમાંથી આડતિયાઓ મારફતે રૂ ખરીદીને ઇંગ્લૅન્ડ મોકલવા માંડ્યું અને તેમના વિદેશ-વેપારનું ધ્યાન રાખવા માટે જમશેદજી તાતાને નોકરી પર રાખીને લંડન મોકલ્યા. અમેરિકાના આંતરવિગ્રહ દરમિયાન દેશમાં રૂના ભાવમાં જે ઉછાળો આવ્યો તેમાં પ્રેમચંદ અઢળક ધન કમાયા હતા.

ભારે મહત્વાકાંક્ષી હોવાથી અંગ્રેજ વેપારીઓનો સાથ મેળવીને તેમણે ‘એશિયાટિક બૅંકિંગ કૉર્પોરેશન’ નામની બૅંક શરૂ કરી, પરંતુ લોકોમાં તો એ ‘પ્રેમચંદ બૅંક’ તરીકે જ જાણીતી થયેલી. મુંબઈમાં દક્ષિણે કોલાબાથી ઉત્તરે વાલકેશ્વર સુધીનો દરિયો પૂરીને તેના કિનારે રસ્તો બનાવવા માટે મુંબઈ સરકાર પાસેથી તેમણે પરવાનો મેળવેલો અને તે કામ માટે તેમણે બૉમ્બે રેક્લેમેશન કંપની સ્થાપેલી.

તેઓ મોટા દાનવીર હતા. તેમણે એમના જાહોજલાલીના દિવસોમાં છૂટે હાથે પુષ્કળ ધન સખાવતમાં અને કેળવણીનાં કાર્યોમાં આપ્યું હતું. 1864માં તેમણે મુંબઈ યુનિવર્સિટીને બે લાખ રૂપિયાનું દાન આપ્યું અને તેના પટાંગણમાં પોતાની માતાને નામે રાજાબાઈ ટાવર બંધાવ્યો. 1866માં કલકત્તા યુનિવર્સિટીને પણ બે લાખ રૂપિયાનું દાન આપેલું. અમદાવાદમાં પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ કૉલેજ, સૂરતમાં રાયચંદ દીપચંદ કન્યાશાળા, ભરૂચમાં રાયચંદ દીપચંદ પુસ્તકાલય જેવી શિક્ષણસંસ્થાઓ માટે તેમણે દાન આપેલાં. તે સાથે ઉપર્યુક્ત ત્રણ શહેરોમાં ધર્મશાળાઓ અને ધોલેરામાં હૉસ્પિટલ બંધાવવા માટે પણ તેમણે મોટી રકમનાં દાન આપેલાં.

અમેરિકાનો આંતરવિગ્રહ પૂરો થતાં દેશના શૅરબજાર અને રૂ બજારમાં ભારે મંદી આવી. તેમાં શેઠ પ્રેમચંદને ભારે દેવું થઈ ગયું. તેને પરિણામે તેમને 1866માં નાદારી લેવી પડી. તેમના લેણદારોને મોટું નુકસાન ગયું હોવા છતાં ભૂતકાળમાં તેમણે ઘણાં લોકોપયોગી કાર્યો કર્યાં હોવાથી તેમના જીવનને ઝાંખપ લાગી ન હતી.

જયન્તિલાલ પો. જાની

રમેશ ભા. શાહ