પ્રેક્ષાધ્યાન : જૈન પરંપરાની સાધનાપદ્ધતિ. પ્રેક્ષા શબ્દ સંસ્કૃત प्र + ईक्ष् ધાતુ પરથી બન્યો છે. તેનો અર્થ થાય છે બારીકાઈથી, સૂક્ષ્મતાથી જોવું. પ્રેક્ષાધ્યાનની સાધના એ આત્માને આત્મા દ્વારા ઓળખવાની વ્યવહારુ પદ્ધતિ છે. પ્રેક્ષાધ્યાન સાધનાનાં સૂત્રો નીચે મુજબ છે : (1) આત્મા દ્વારા આત્માને જુઓ; (2) સ્વયં સત્ય શોધો, તેમજ સર્વની સાથે મૈત્રી કરો; (3) દુ:ખમુક્તિ માટે વિદ્યા અને આચારનું પાલન કરો.
ઉપરનાં મૂળ પ્રાકૃતમાં લખાયેલાં ત્રણ સૂત્રોમાં પ્રેક્ષાધ્યાનની સમગ્ર પ્રક્રિયાનો સમાવેશ થઈ જાય છે. પ્રેક્ષાધ્યાનના પ્રયોગમાં કાયોત્સર્ગનું ઘણું મહત્વ છે. કાયોત્સર્ગનો અર્થ થાય છે પોતાની જાત પ્રત્યેની જાગરૂકતા તથા શરીરનું શિથિલીકરણ. સાધના કરતી વખતે સાધક સીધો, ટટાર બેસે, મેરુદંડ, છાતી અને ગરદન સીધી રેખામાં રાખે. શરીરનું કોઈ પણ અંગ જકડાયેલું ન હોય અને શિથિલ રહે તેવો પ્રયત્ન કરવાનો હોય છે.
પ્રેક્ષાધ્યાનનું બીજું ચરણ તે અંતર્યાત્રા છે. અંતર્યાત્રાના શક્તિકેન્દ્રથી જ્ઞાનકેન્દ્ર સુધીની યાત્રા કરવાની હોય છે. અંતર્યાત્રા સુષુમણાના માર્ગથી કરવામાં આવે છે. આ માર્ગ શરીરની પીઠનો મેરુદંડની અંદરનો માર્ગ છે.
પ્રેક્ષાધ્યાનનું ત્રીજું ચરણ તે શરીરપ્રેક્ષા છે. આપણા શરીરમાં કેવી પ્રક્રિયાઓ ચાલી રહી છે તેનું ધ્યાન દ્વારા અવલોકન કરવામાં આવે છે. આપણા શરીરમાં થતા પ્રત્યેક પ્રકંપનને પકડી શકાય છે. શરીરના પ્રત્યેક અંગમાં ચિત્તને ફેરવવાનું હોય છે. દ્રષ્ટાભાવથી આત્માને જોવો તે શરીરપ્રેક્ષાનું મુખ્ય ધ્યેય છે.
પ્રેક્ષાધ્યાનનું ચોથું ચરણ તે શ્વાસપ્રેક્ષા છે. આપણે પૂરેપૂરો શ્વાસ લેતા નથી. ટૂંકા શ્વાસ લેવાથી મનુષ્યનું જીવન અસંતુલિત બને છે અને નિર્ણાયક શક્તિનો અભાવ રહે છે. શરીરમાં આવેગો, વિકારો, ચિંતા, કામ, ક્રોધ, વગેરેનું આક્રમણ થવાથી માણસ સતત દુ:ખી રહે છે. દીર્ઘશ્વાસ વ્યક્તિને સર્વ પ્રકારનાં દુ:ખમાંથી મુક્તિ અપાવે છે.
પ્રેક્ષાધ્યાનનું પાંચમું ચરણ તે ચૈતન્યકેન્દ્રપ્રેક્ષા છે. મનુષ્યના શરીરમાં કેટલાંક વિશિષ્ટ કેન્દ્રો રહેલાં છે. યોગદર્શનમાં આ કેન્દ્રોને ચક્ર તરીકે ઓળખાવવામાં આવે છે. આ કેન્દ્રો પર ધ્યાન કરવાથી મનની વૃત્તિઓનું શુદ્ધીકરણ થાય છે અને સાધક અંતર્મુખ બને છે. વ્યક્તિના આવેગ અને આવેશ દૂર થઈ જાય છે અને તે પરમ શાંતિનો અનુભવ કરે છે.
પ્રેક્ષાધ્યાનની સાધનામાં લેશ્યાધ્યાનનું વિશેષ મહત્વ છે. લેશ્યાધ્યાન એટલે રંગોનું ધ્યાન. લેશ્યાધ્યાન એ મનુષ્યની ભાવધારાને બદલવાની, પરિવર્તિત કરવાની પ્રક્રિયા છે. જૈન આગમોમાં શુભલેશ્યા તે તેજ, પદ્મ અને શુક્લ છે, જ્યારે અશુભલેશ્યા તે કૃષ્ણ, નીલ અને કપોત રંગની છે. દરેક રંગનું અલગ અલગ પ્રતીક હોય છે. દા.ત., શ્વેત રંગ એ પવિત્રતા, શાંતિ અને જ્ઞાનનું પ્રતીક છે. તેવી રીતે અરુણ રંગ એ તપ, ત્યાગ અને વિરક્તિનું પ્રતીક છે. પીળો રંગ જ્ઞાન, વિવેક, માનસિક તેમજ બૌદ્ધિક વિકાસનું પ્રતીક છે. તે સુખશાંતિ આપનાર છે અને એકાગ્રતા વધારનાર છે. એ પ્રમાણે લીલો રંગ આળસને દૂર કરી સ્ફૂર્તિ આપે છે અને જીવનનો પોષક છે. તે અજ્ઞાન દૂર કરે છે અને આત્માને શાંતિ આપે છે.
જીવનની અનેક સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરવામાં પ્રેક્ષાધ્યાનની સાધનાપદ્ધતિ દેશવિદેશમાં ઘણી લોકપ્રિય બની છે.
ચીનુભાઈ નાયક