પ્રેગલ, ફ્રિટ્ઝ [જ. 3 સપ્ટેમ્બર 1869, લેઇબાખ (ઑસ્ટ્રિયા), હાલનું લુબ્લિયાના (યુગોસ્લાવિયા); અ. 13  ડિસેમ્બર 1930, ગ્રાઝ] : ઑસ્ટ્રિયાના પ્રસિદ્ધ રસાયણવિદ્.લુબ્લિયાનાના ‘જિમ્નેશિયમ’માં અભ્યાસ કર્યા બાદ પ્રેગલ ઔષધશાસ્ત્રના અભ્યાસ માટે ગ્રાઝ યુનિવર્સિટીમાં જોડાયા અને 1893માં એમ. ડી. ની પદવી પ્રાપ્ત કરી. વિદ્યાર્થી હતા તે દરમિયાન તેઓ અલેક્ઝાન્ડર રૉલેટના હાથ નીચે શરીરક્રિયાવિજ્ઞાન (physiology) અને ઉતકવિજ્ઞાન(histology)ના મદદનીશ વ્યાખ્યાતા બન્યા અને આ સમયગાળામાં રસાયણશાસ્ત્રની સઘળી શાખાઓનું ઊંડું જ્ઞાન પ્રાપ્ત કર્યું. 1904માં તેઓ જર્મની ગયા. થોડા થોડા સમય માટે ટુબિંગનમાં ગુસ્ટાવ હુફ્નરના, લિપ્ઝિગમાં ઑસ્વાલ્ડના તથા બર્લિનમાં એમિલ ફિશરના હાથ નીચે તેમણે અભ્યાસ કર્યો અને કેટલાક પદાર્થો ઉપર સંશોધન શરૂ કર્યું. 1904માં તેમણે પિત્ત અમ્લો (bile acids) ઉપર સંશોધન કરેલું. પ્રણાલિગત પૃથક્કરણની તકનીકો માટે જરૂરી પદાર્થો પૂરતા જથ્થામાં મેળવવાની તકલીફને કારણે પદાર્થોનો ઓછો જથ્થો જેમાં જરૂરી થાય તેવી પદ્ધતિઓ શોધવાની તેમને ફરજ પડી. 1905માં મેડિકો-કૅમિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવા માટે ગ્રાઝ પરત આવ્યા. ત્યાં 1907માં તેઓ ગ્રાઝ વર્તુળ(circuit)ના ફોરેન્સિક રસાયણવિદ્ (forensic chemist) તરીકે નિમાયા. 1910માં તેઓ ઇન્સબ્રુક યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા, પણ 1913માં પાછા ગ્રાઝ ખાતે આવી ગયા. 1916–17 દરમિયાન તેઓ મેડિકલ ફેકલ્ટીના ડીન અને 1920–21 દરમિયાન ગ્રાઝ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર બન્યા. તેમણે તેમની તકનીક 3થી 5 મિગ્રા. પદાર્થ વાપરીને પૂર્ણ કરી. 1912 સુધીમાં તો તેમણે કાર્બનિક પદાર્થોમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને સલ્ફરનું પરિમાપન થોડાક મિગ્રા. પદાર્થ વાપરીને શક્ય બનાવ્યું હતું.

પ્રેગલે કાર્બનિક પદાર્થોના અણુભાર નક્કી કરવા માટે એક સૂક્ષ્મ-ઉપકરણ વિકસાવ્યું હતું; જેમાં 7થી 10 મિગ્રા. પદાર્થની જ જરૂર પડતી હતી. પદાર્થોના આવા ઓછા વજન માપવા માટે તેમણે સૂક્ષ્મતુલા (micro balance) પણ બનાવી હતી. કિડનીની કાર્યક્ષમતા નક્કી કરવા માટે પ્રેગલે એક સરળ રીત પણ શોધી હતી.

કાર્બનિક રસાયણનાં સઘળાં ક્ષેત્રોમાં તથા જીવરસાયણ(biochemistry)માં પ્રેગલના કાર્યની ઉપયોગિતા સ્પષ્ટ છે. વિશ્લેષણની આ રીત હવે બધે જ વપરાય છે. 1917માં તેમણે ‘Die Quantitative Mikroanalyse’ નામનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો. તેની ત્રીજી આવૃત્તિ 1930માં જ્યારે સાતમી આવૃત્તિ 1958માં વિયેનાથી સ્પ્રિંગર દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે. આ ગ્રંથનું ફ્રેંચ તથા અંગ્રેજીમાં પણ ભાષાંતર થયું છે.

ફ્રિટ્ઝ પ્રેગલ

પ્રેગલને પૃથક્કરણની રીતોમાં સંશોધન કરીને ક્રાંતિ લાવવા માટે 1923ના વર્ષનું રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. 1914માં તેમને વિયેનાની ઇમ્પિરિયલ એકૅડેમી ઑવ્ સાયન્સનું લીબન પારિતોષિક મળ્યું હતું; જ્યારે 1920માં ગોટિંગન યુનિવર્સિટીની ડૉક્ટરેટ (માનદ) પ્રાપ્ત થઈ હતી. તેઓ વિયેનાની એકૅડેમી ઑવ્ સાયન્સમાં પણ ચૂંટાયા હતા.

મૃત્યુ અગાઉની માંદગી દરમિયાન તેમણે વિયેના એકૅડેમી ઑવ્ સાયન્સિઝને સૂક્ષ્મ પૃથક્કરણાત્મક સંશોધનને ઉત્તેજન આપવા માટે મોટી રકમનું દાન કર્યું. તેમાંથી દર વર્ષે સૂક્ષ્મ પૃથક્કરણમાં સંશોધન માટે ફ્રિટ્ઝ પ્રેગલ પારિતોષિક તરીકે ઓળખાતું પારિતોષિક આપવામાં આવે છે.

જ. પો. ત્રિવેદી